Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

દારૂની સ્મેલ આવે તેનો અર્થ એ નથી કે તે વ્યકિત નશામાં હતો

હાઈકોર્ટ તરફથી એક આદેશમાં કહેવાયું છે કે ખાનગી સ્થળો પર પર દારૂનું સેવન કરવું ત્યાં સુધી અપરાધ નથી જયાં સુધી તેનાથી જનતાને કોઈ પરેશાની ન થાય

નવી દિલ્હી, તા.૧૭: કેરળ હાઈકોર્ટનો હાલમાં જ આવેલો એક ચુકાદો 'જામ છલકાવનારાઓ'ને રાહત આપનારો રહેશે. વાત જાણે એમ છે કે હાઈકોર્ટ તરફથી એક આદેશમાં કહેવાયું છે કે ખાનગી સ્થળો પર પર દારૂનું સેવન કરવું ત્યાં સુધી અપરાધ નથી જયાં સુધી તેનાથી જનતાને કોઈ પરેશાની ન થાય.

કેરળ હાઈકોર્ટ તરફથી એક સરકારી કર્મચારી વિરુદ્ઘ દાખલ થયેલા કેસને ફગાવતા આ ટિપ્પણી કરાઈ હતી. કોર્ટે પોતાની ટિપ્પણીમાં એમ પણ કહ્યું કે દારૂની સ્મેલ આવે તેનો અર્થ એ નથી કે તે વ્યકિત નશામાં હતો કે કોઈ પ્રકારે દારૂના પ્રભાવ હેઠળ હતો. હકીકતમાં કેરળ પોલીસે સરકારી કર્મચારી વિરુદ્ઘ આ કેસ ૨૦૧૩માં દાખલ કર્યો હતો. પોલીસ તરફથી દાખલ કરાયેલી ચાર્જશીટમાં આરોપ લગાવાયો હતો કે જયારે તેમણે એક આરોપીને ઓળખ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો તો તે દારૂના નશામાં હતો. પોતાના આદેશ બાદ ન્યાયમૂર્તિ સોફી થોમસે ૩૮ વર્ષના સલીમકુમાર વિરુદ્ઘ નોંધાયેલા કેસને રદ કરવાનો આદેશ આપ્યો. આ સાથે જ કહ્યું કે બીજા લોકોને પરેશાન કર્યા વગર પ્રાઈવેટ જગ્યા પર દારૂ પીવો એ કોઈ પણ પ્રકારે ગુનાની શ્રેણીમાં નહીં આવે.

(3:18 pm IST)