Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

દિલ્હીમાં દહેશત ફેલાવવા બૉમ્બ બ્લાસ્ટનું કાવતરું નિષફ્ળ : જૈશ એ મોહમ્મદના બે આતંકીઓ ઝડપાયા

સોપોરના રહેવાસી અબ્દુલ લતીફ અને કુપવાડાના હટ મુલ્લા ગામના અશરફ ખતાનાની ધરપકડ : આતંકીઓ પાસેથી હથિયાર મળ્યા

દિલ્હીમાં દહેશત ફેલાવવા કે ભડકે બાળવા માટેની આતંકીઓની વધુ એક કોશિશનો ફિયાસ્કો બોલી ગયો છે. દિલ્હી પોલીસે બે આતંકીઓની ધરપકડ કરીને ફરીથી સાબિત કર્યુ છે કે દિલ્હી વાસ્ત્વમાં સુરક્ષિત હાથોમાં છે. દિલ્હી પોલીસે બે આતંકવાદીઓની ધરપકડ કરી છે જે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા અને આ આતંકવાદીઓ જૈશ એ મોહમ્મદ સાથે સંબંધ રાખનાર હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

સુત્રો દ્વારા જાણવા મળતી વિગત અનુસાર દિલ્હી પોલીસને આ બંને આતંકીઓ વિશે માહિતી મળી હતી. ત્યારબાદ બંનેની ધરપકડ માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. સોમવારે મોડી રાત્રે જૈશ એ મોહમ્મ્દના બે આતંકીઓને સરાયકાલે ખાના મિલિનિયમ પાર્ક પાસેથી પકડવામાં દિલ્હી પોલીસને સફળતા મળી હતી તેમજ આ આતંકીઓ પાસેથી હથિયાર પણ મળ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના સુત્રોએ આપેલ માહિતી અનુસાર ધરપકડ કરાયેલ આતંકીઓની ઓળખ જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરના રહેવાસી અબ્દુલ લતીફ અને કુપવાડા જિલ્લાના હટ મુલ્લા ગામના રહેવાસી અશરફ ખતાના તરીકે થઈ છે.

(10:29 am IST)