Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

એક જ સપ્તાહમાં બીજા સારા સમાચાર :અમેરિકન કંપની મોડર્નાએ કર્યો મોટો દાવો:કોરોના વેક્સિન 94.5 ટકા અસરકારક સાબિત

લેટ-સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલના શરૂઆતી ડેટાના આધારે કંપનીએ દાવો કર્યો

નવી દિલ્હી : અમેરિકન કંપની મોડર્નાએ દાવો કર્યો છે કે તેની કોરોના વેક્સિન 94.5 ટકા અસરકારક સાબિત થઇ છે. લેટ-સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલના શરૂઆતી ડેટાના આધારે કંપનીએ આ દાવો કર્યો છે. એક સપ્તાહની અંદર બે કંપનીએ આ પ્રકારના દાવા કર્યા છે

  અગાઉ ફાઇઝર કંપનીએ દાવો કર્યો હતો કે તેની વેક્સિન 90 ટકા સુધી અસરકારક સાબિત થઇ છે. બંને જ વેક્સિનના સફળતાના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે મોટા ભાગના તજજ્ઞો વેક્સિનના 50થી 60 ટકા સુધી સફળ થવાની આશા વ્યક્ત કરતા આવ્યા છે.

  જોકે વેક્સિનની ડીલિવરી શરૂ કરતા પહેલા અત્યારે બીજા સેફ્ટી ડેટાની પણ જરૂર પડશે. સેફ્ટી ડેટા સામે આવ્યા બાદ જો રેગ્યૂલેટર્સ પાસેથી મંજૂરી મળી જાય છે, તો અમેરિકામાં ડિસેમ્બર સુધી બંને વેક્સિનનું તાત્કાલિક ધોરણે ઉપયોગ કરી શકાય છે.

રોયટર્સના અહેવાલ મુજબ અમેરિકામાં વર્ષના અંત સુધી 6 કરોડ ડોઝ ઉપલબ્ધ થઇ શકે છે. જ્યારે આગામી વર્ષ સુધી આ બંને વેક્સનીના 100 કરોડ ડોઝ અમેરિકા પાસે ઉપલબ્ધ હશે, જે તેની જરૂરિયાત કરતા વધુ હશે. અમેરિકાની વસ્તી લગભગ 33 કરોડ છે.

મોડર્ના અને ફાઇઝર, બંને જ વેક્સીન નવી ટેક્નોલોજી દ્વારા વિક્સિત કરાઇ છે. તેમાં RNA અથવા mRNA નામના મેસેન્જરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોડર્નાના પ્રેસિડેન્ટ સ્ટીફન હોજે જણાવ્યું કે અમારી પાસે એવી વેક્સિન હશે જેનાથી કોરોનાને રોકી શકાય છે. મોડર્નાની વેક્સિન ફાઇઝરની સરખામણીએ એટલા માટે પણ સારી છે, કારણ કે તેને સ્ટોર કરવા માટે અલ્ટ્રા કોલ્ડ તાપમાનની જરૂર નથી પડતી.

(12:00 am IST)