Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

આરકોમ સંપત્તિ ખરીદી માટે એરટેલે આખરે બીડને ખેંચ્યુ

સીઓસી દ્વારા અયોગ્ય વર્તન કરાયાનો દાવો : નામ લીધા વગર રિલાયન્સ જીઓ પર તીવ્ર પ્રહારો કરાયા

નવીદિલ્હી, તા. ૧૭ : ટેલિકોમની મહાકાય કંપની ભારતી એરટેલે રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ની સંપત્તિને ખરીદી લેવાના તેના બિડને આખરે પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. રિલાયન્સ જીઓની વિનંતીના આધાર પર બિડ રજૂ કરવા માટેની મહેતલને લંબાવવા કમિટિ ઓફ ક્રેડિટર્સની હિલચાલને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ હિલચાલ ખુબ જ ગેરવ્યાજબી અને પક્ષપાતપૂર્ણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે કંપનીનો કન્ટ્રોલ ઇન્સોલવન્સી રેઝુલ્યુશન પ્રોફેશનલોને સોંપી દીધો છે. રિલાયન્સ જીઓના નામનો ઉલ્લેખ કર્યા વગર ભારતી એરટેલના ડિરેક્ટર (ફાઈનાન્સ) હરજીત કોહલીએ રિઝોલ્યુશન પ્રોફેશનલ અનિશ નિરંજનને લખવામાં આવેલા પત્રમાં કહ્યું છે કે, સમય મર્યાદાને લંબાવવા માટે કંપનીની વિનંતીને આરકોમની કમિટિ ઓફ ક્રેડિટર્સ દ્વારા ફગાવી દેવામાં આવી છે પરંતુ આશ્ચર્યજનકરીતે ડેટ એક બિડર દ્વારા રજૂઆતને સામેલ કરવામાં લંબાવી દેવામાં આવી છે.

                    સૂચિત લેવડદેવડમાં જટિલ પ્રક્રિયા રહેલી છે. ૩૧મી ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે લખવામાં આવેલા અમારા પત્રમાં તારીખને ૧૧મી નવેમ્બર ૨૦૧૯ને વધારી પહેલી ડિસેમ્બર કરવા માટે વિનંતી કરી હતી પરંતુ કમનસીબરીતે તારીખ લંબાવવા માટેની અમારી વિનંતીને ફગાવી દેવામાં આવી છે. કોહલીએ કહ્યું હતું કે, પક્ષપાતપૂર્ણરીતે કામ થઇ રહ્યું છે. ભારતી એરટેલ, ભારતી ઇન્ફ્રાટેલ, વરડે પાર્ટનર્સની પ્રાઇવેટ ઇક્વિટી કંપની દ્વારા રિલાયન્સ કોમ્યુનિકેશનની સંપત્તિને ખરીદવા માટે બિડ સુપરત કરી દીધા છે જ્યારે રિલાયન્સ જીઓએ બીજા ૧૦ દિવસ માટે સમય મર્યાદા વધારવા માટેની વાત કરી છે. એરટેલે આરકોમના સ્પેક્ટ્રમને ખરીદવા શરતી તૈયારી દર્શાવી હતી જ્યારે ભારતી ઇન્ફ્રાટેલે મોબાઇલ ટાવર ખરીદવાની ઇચ્છા દર્શાવી હતી. સીઓસી દ્વારા ૧૦ દિવસ માટે સમય મર્યાદાને વધારી દીધી છે. આનો મતલબ એ થયો કે, હવે ૨૫મી નવેમ્બરના દિવસે બીડ ખોલવામાં આવશે.

                    ભારતી એરટેલનું કહેવું છે કે, અમારી સાથે પક્ષપાતપૂર્વકનું વર્તન કરવામાં આવ્યું છે. અમને એવું જાણવા મળ્યું છે કે, સીઓસી દ્વારા હવે ૨૫મી નવેમ્બર ૨૦૧૯ સુધી સમય મર્યાદાને લંબાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક અન્ય શક્તિશાળી બીડરની વિનંતીના આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતી એરટેલની વિનંતીને સીઓસી દ્વારા ફગાવી દેવામાં આવી હતી. કંપનીએ પુરતા સમયના લાભ વગર તૈયારી દર્શાવી હોવાની વાત કરવામાં આવી ચુકી છે. આરકોમ દ્વારા રિલાયન્સ જીઓ સહિત જુદી જુદી કંપનીઓને તેની સંપત્તિ વેચવાના પ્રયાસો શરૂ કર્યા છે. તેના દેવાને ચૂકવી દેવા માટે આ પ્રયાસો હાથ ધરાયા છે પરંતુ હજુ સુધી આ સંદર્ભમાં સમજૂતિઓ થઈ નથી. રિલાયન્સ જીઓ દ્વારા સ્પેક્ટ્રમ સહિત આરકોમની સંપત્તિને ખરીદવા સમજૂતિને રદ કરી દીધી છે. આરકોમના ચેરમેન અનિલ અંબાણીએ ગઇકાલે જ જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૯ના ગાળા દરમિયાન ૩૦૧૪૨ કરોડના નુકસાન બાદ કંપનીના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું હતું. આજની તારીખ સુધી કોઇપણ ભારતીય કોર્પોરેટ જગતની કંપનીને આ બીજુ સૌથી મોટુ નુકસાન થયું છે. આરકોમ ગ્રુપનું કુલ ૩૩૦૦૦ કરોડ ઉપર પહોંચ્યું છે.

(8:26 pm IST)