Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

FPI દ્વારા ૧૯૨૦૩ કરોડ ઠાલવી દેવાયા છે : અહેવાલ

ઇક્વિટીમાં ૧૪૪૩૫.૬ કરોડ રૂપિયા ઠલવાયા : ડેબ્ટ માર્કેટમાં ૪૭૬૭.૧૮ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું

નવીદિલ્હી, તા.૧૭ : પ્રોત્સાહનજનક સ્થાનિક અને વિદેશી પરિબળો વચ્ચે નવેમ્બરના પ્રથમ અડધા દિવસોના ગાળામાં સ્થાનિક મૂડી માર્કેટમાં વિદેશી મૂડીરોકાણકારોએ ૧૯૨૦૩ કરોડ રૂપિયાથી વધુની રકમ ઠાલવી દીધી છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ પહેલીથી ૧૫મી નવેમ્બર વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાં ૧૪૪૩૫.૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૪૭૬૭.૧૮ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ નેટ રોકાણનો આંકડો ૧૯૨૦૨.૭ કરોડનો રહ્યો છે.  આ પહેલા ઓક્ટોબર મહિનામાં એફપીઆઈ દ્વારા ૧૬૪૬૪.૬ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા જ્યારે સપ્ટેમ્બર મહિનામાં તેઓએ ૬૫૫૭.૮ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં સપ્ટેમ્બર મહિનામાં ૬૫૫૭.૮ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. વૈશ્વિક મોરચા પર અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ હળવી બની રહી છે જેના લીધે વૈશ્વિક મૂડીરોકાણકારોમાં જોખમ લેનાર લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

                 જાણકાર લોકોનું કહેવું છે કે, સુપરરિચ સરચાર્જને નાબૂદ કરવા, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવા અને બેંકોમાં નાણાં ઠાલવવાની કેન્દ્ર સરકારની નીતિના પરિણામ સ્વરુપે અર્થતંત્રમાં તેજી આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. સરકાર દ્વારા ઇક્વિટી મૂડીરોકાણ ઉપર હાલમાં ટેક્સ માળખાની સમીક્ષા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ તમામ પગલાની તરત અસર દેખાશે નહીં પરંતુ લાંબા ગાળે આ તમામ પગલાઓની અસર દેખાશે. ઇક્વિટી અને ડેબ્ટ બંને માર્કેટમાં નેટ પ્રવાહ વધી રહ્યો છે. છેલ્લા થોડાક મહિનાઓમાં મૂડી પ્રવાહમાં સતત ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. એફપીઆઈ પ્રવાહ દ્વારા બે મહિના પહેલા જ વેચવાલીનું વલણ અપનાવવામાં આવી રહ્યું હતું. વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવાના વિવિધ પગલા હવે સફળ સાબિત થઇ રહ્યા છે.

FPI દ્વારા લેવાલી.....

*   નવેમ્બરમાં કુલ મૂડીરોકાણનો આંકડો ૧૯૨૦૩ કરોડનો રહ્યો છે જેથી નવી આશા જાગી

*   પહેલીથી ૧૫મી નવેમ્બર વચ્ચે વચ્ચે ઇક્વિટીમાં ૧૪૪૩૫.૬ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને ડેબ્ટમાં ૪૭૬૭.૧૮ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું

*   મૂડીરોકાણકારો ફરી એકવાર રોકાણના મૂડમાં

*   કોર્પોરેટ ટેક્સમાં ૧૦ ટકાના ઘટાડા અને વધારાયેલા ટેક્સ સરચાર્જને કેપિટલ ગેઇન પર લાગૂ નહીં કરવા નિર્ણયની કોઇ અસર ન થઇ

*   બજારમાં સ્થિતિમાં સુધારો થવાના હજુ સંકેત

*   સપ્ટેમ્બર મહિનામાં ૬૫૫૭.૮ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું

*   મે મહિનામાં વિદેશી મુડીરોકાણકારોએ ૯૦૩૧ કરોડ ઠાલવ્યા

*   એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું

*   ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયાનું રોકાણ કરાયા બાદ સ્થિતિમાં સુધારો

એફપીઆઈની સ્થિતિ

એફપીઆઈએ ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ

આંકડા

૨૦૧૮

૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭

૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬

૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫

૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪

૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩

૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨

૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(8:19 pm IST)