Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

અયોધ્યા : રિવ્યુ પિટિશન દાખલ કરવા નિર્ણય થયો

મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ૧૦ સવાલ ઉઠાવાયા : બાબરી મસ્જિદ જમીનના બદલામાં પાંચ એકરની જમીન અન્યત્ર મંજુર નથી : હાલના ચુકાદામાં અનેક વિરોધાભાષ

લખનૌ, તા. ૧૭ : ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પોતાની બેઠકમાં નિર્ણય કર્યો છે કે, તે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે રિવ્યુ પિટિશન દાખલ કરશે. બોર્ડના સચિવ જફરયાર જિલાનીએ બોર્ડની કારોબારી કમિટિની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અંગે માહિતી આપતા પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અયોધ્યા મામલા ઉપર નવમી નવેમ્બરના દિવસે આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર ફેરવિચારણા અરજી દાખલ કરવામાં આવશે. બોર્ડે કહ્યું હતું કે, મસ્જિદની જમીનના બદલામાં મુસ્લિમો કોઇ અન્ય જમીન કબૂલ કરી શકે નહીં. જફરયાર જિલાનીએ કહ્યું હતું કે, બોર્ડનું માનવું છે કે, મસ્જિદની જમીન અલ્લાહની જમીન છે અને શરિયત કાયદા મુજબ તે અન્ય કોઇને આપી શકાય નહીં. આ જમીન માટે છેલ્લીઘડી સુધી લડત ચલાવવામાં આવશે. જિલાનીએ કહ્યું હતું કે, ૨૩મી ડિસેમ્બર ૧૯૪૯ની રાત્રે બાબરી મસ્જિદમાં ભગવાન રામની મૂર્તિઓ મુકવાની બાબત ગેરબંધારણીય હતી તો સુપ્રીમ કોર્ટે એવી મૂર્તિઓને આરાધ્ય તરીકે કેમ સ્વીકારી લીધી છે. તે તો હિન્દુ ધર્મ મુજબ પણ આરાધ્ય હોઈ શકે નહીં. રિવ્યુ પિટિશનના આધાર માટે પાંચ મુદ્દા તૈયાર કરવામાં આવ્યા છે. બોર્ડની બેઠકમાં જે દસ્તાવેજમાં તમામ સભ્યોએ હસ્તાક્ષર કર્યા છે તેમાં લખવામાં આવ્યું છે કે, બંધારણની કલમ ૧૪૨નો પ્રયોગ કરીને એ વખતે વિચારણા કરવામાં આવી હતી. આ પહેલા જમિયત ઉલેમાએ હિંદના મૌલાના અરશદ મદનીએ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક બાદ અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે કહ્યું હતું કે, આ તથ્ય છતાં અમે પહેલાથી જ જાણીએ છીએ કે, અમારી ફેર વિચારણા અરજી ૧૦૦ ટકા ફગાવી દેવાશે પરંતુ અમે અરજી કરવા માટે ઇચ્છુક છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ૧૦ મુદ્દાઓ ઉઠાવીને રિવ્યુ પિટિશન દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદના બદલે પાંચ એકરની જમીન મુસ્લિમોને અન્યત્ર આપવાનો ફેંસલો આપ્યો હતો. મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકનું નેતૃત્વ બોર્ડના અધ્યક્ષ મૌલાના રાબેહસન દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠક બાદ બોર્ડના સભ્યોએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદામાં અનેક વિરોધાભાષની સ્થિતિ રહેલી છે. સુપ્રીમ કોર્ટમાં હવે રિવ્યુ પિટિશન કરવામાં આવનાર છે. જો કે આ અરજી ટકે તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે કારણ કે, તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવી ચુક્યા છે.

રિવ્યુ પિટિશનમાં મુદ્દા

 

* ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પોતાની બેઠકમાં નિર્ણય કર્યો છે કે, તે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે રિવ્યુ પિટિશન દાખલ કરશે.

*   બાબરી મસ્જિદની તામિર બાબરના કમાન્ડર મિરબાકી દ્વારા ૧૫૨૮માં થઇ હતી. સુપ્રીમ કોર્ટપણ આ વાત કબૂલી છે

*   મુસ્લિમો દ્વારા આપવામાં આવેલા પુરાવા મુજબ ૧૮૫૭થી ૧૯૪૯ સુધી બાબરી મસ્જિદની ઇમારત અને મસ્જિદના અંદરના હિસ્સા મુસ્લિમોના કબજામાં હતા. આ બાબત પણ સુપ્રીમે સ્વીકારી છે

*   બાબરી મસ્જિદમાં છેલ્લી નમાઝ ૧૬મી ડિસેમ્બર ૧૯૪૯માં વાંચવામાં આવી હતી. આ બાબત પણ સુપ્રીમે સ્વીકારી છે

*   ૨૨મી અને ૨૩મી ડિસેમ્બર ૧૯૪૯ની રાત્રે બાબરી મસ્જિદના મુખ્ય માળખાની નીચે રામની જે મૂર્તિઓ મુકવામાં આવી હતી તેને સુપ્રીમે ગેરકાયદે ગણી છે

*   બાબરી મસ્જિદની વચ્ચેની જમીનના નીચે રામ જન્મભૂમિ અથવા તો ત્યાં પૂજા કરવાના કોઇ પુરાવા મળ્યા નથી તે વાત પણ સુપ્રીમે સ્વીકારી છે

(8:08 pm IST)