Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

ભારત અને રશિયા વચ્ચે એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના કરાર: રશિયા ભારતને ટૂંક સમયમાં ડિફેન્સ સિસ્ટમ સોંપશે, પ્રથમ ચૂકવણું કરાયું

નવી દિલ્હી,: ભારત અને રશિયા વચ્ચે એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના કરારો થયા હતા, ટુંક સમયમાં આ સિસ્ટમ ભારતને મળશે. ભારતે રશિયાને આ ડીલ માટે 850 મિલિયન ડોલરની ચૂકવણી કરી દીધી છે. જોકે આ રકમ કુલ રકમના 15 ટકા છે. એટલે કે હજુ પણ વધુ ચુકવણુ કરવામાં આવશે.

આ ડિફેન્સ ડીલ ન કરવા માટે અમેરિકાએ ભારત પર ઘણા સમય સુધી દબાણ રાખ્યું હતું. જોકે ભારતે સ્પષ્ટતા કરી દીધી હતી કે દેશના સંરક્ષણને લઇને કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે.

સપ્ટેમ્બર મહિનામાં જ અમેરિકાએ જે પ્રતિબંધો લગાવ્યા છે તેને બાજુમાં રાખીને બન્ને દેશોએ આ માટે એક વિશેષ માળખાની રચના કરી હતી. દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને પણ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે રશિયા ભારતને એસ-400 ડિફેન્સ સિસ્ટમને સમયસર પહોંચતી કરવા માટેનો પ્લાન તૈયાર કરી રહ્યંુ છે.

ભારતે આ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની જાહેરાત 2015માં જ કરી દીધી હતી, જ્યારે ગયા વર્ષે રશિયાના પ્રમુખ પુતિન ભારત આવ્યા ત્યારે ડીલને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. બન્ને દેશો વચ્ચે થયેલી ડીલ મજૂર ભારત આ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે રશિયાને 5.43 બિલિયન ડોલર ચુકવશે. હાલ 15 ટકા લેખે આશરે 850 મિલિયન ડોલર ચુકવી દીધા છે.

આ ડિફેન્સ સિસ્ટમથી દુશ્મન દેશો દ્વારા જે હુમલા કરવામાં આવશે તેનાથી રક્ષણ કરવામાં મદદ મળી શકશે. આ પહેલા જુલાઇ મહિનામા અમેરિકાએ એવી ચીમકી આપી હતી કે જો ભારત રશિયા પાસેથી આ ડિફેન્સ સિસ્ટમની ખરીદી કરશે તો તેની અસર અમેરિકા સાથેના સંબંધો પર થઇ શકે છે.

અમેરિકાની આ ધમકીઓને પગલે પણ ભારતે જે ચુકવણુ કર્યું છે તેની જાહેરાત ન કરી હોવાના અહેવાલો છે. જ્યારે બીજી તરફ પુતિને જાહેરમાં કહી દીધુ હતું કે અમે ભારતને આ ડિફેન્સ સિસ્ટમને જે સમય નક્કી થયો હતો તે મૂજબ જ આપી દઇશું. આ વર્ષે જૂન મહિનામાં જ વિદેશી બાબતોના પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારત પોતાના હિતને ધ્યાનમાં રાખીને આ ડીલને આખરી ઓપ આપશે.

(2:13 pm IST)