Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

અયોધ્યા રામમંદિર મુદ્દે ચુકાદો આવ્‍યા પછી પણ મસ્‍જીદને મળનાર જમીન પ્રશ્‍ને મુસ્‍લીમ સંસ્‍થાઓમાં એકમતીનો અભાવ

નવી દિલ્હી : લખનૌમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)ની આજે બેઠક છે. આ  બેઠકમાં અયોધ્યા (Ayodhya) મામલે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી રિવ્યુ પિટીશન (review petition) કરવી કે નહીં એ વિશે મંથન કરવામાં આવશે તેમજ મસ્જિદ માટે પાંચ એકર જમીન લેવી કે નહીં એ વિશે પણ નિર્ણય કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યા પછી અયોધ્યા મામલે મુસ્લિમ પર્સનલ બોર્ડમાં બે મત પ્રવર્તી રહ્યા છે જેના પગલે રિવ્યુ પિટીશન મામલે હજી સસ્પેન્સ છે. જોકે મળતી માહિતી પ્રમાણે મસ્જિદ માટે પાંચ એકર જમીન ન લેવા માટે બોર્ડમાં એકમત પ્રવર્તે છે.

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જફરયાબ જિલાની અને તેના કેટલાક સમર્થક રિવ્યુ પિટીશન દાખલ કરવાના પક્ષમાં છે. તેમનો તર્ક છે કે જ્યારે કાયદાકીય રીતે રિવ્યુ પિટીશનનો વિકલ્પ મળેલો છે તો એનો વપરાશ કરવો જોઈએ. જોકે મુસ્લિમ પર્સનલ બોર્ડમાં શામેલ મોટાભાગના લોકોનો તાર્કિક દાવો છે કે આ મુદ્દાનો અંત આવી ગયો છે ત્યારે વિવાદ પર પુર્ણવિરામ મુકવું જોઈએ કારણ કે રિવ્યુ પિટીશન દાખલ કરવાથી સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલાવાનો નથી એટલે આ મામલે રમાઈ રહેલા રાજકારણનો અંત લાવવો જોઈએ.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સુત્રોએ માહિતી આપી છે કે તેઓ મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીનનો સ્વીકાર નહીં કરે અને આવો મત બોર્ડના 90 ટકા સભ્યોનો છે. સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક પછી જે તેઓ પોતાનો અભિપ્રાય રજૂ કરશે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યો માને છે કે અમારી લડાઈ કાયદાકીય ન્યાય માટે હતી અને અમે જમીન લઈને આજીવન બાબરી મસ્જિદનો ઝખ્મ દુઝતો નથી રાખવા માગતા.

(2:05 pm IST)