Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

મહારાષ્‍ટ્રમાં રાજ્યપાલે કમોસમી વરસાદથી ખેતીને નુકસાન બદલ વળતર જાહેર કર્યું: ખરીફ પાક માટે બે હેક્ટર સુધીના હેક્ટરદીઠ ૮૦૦૦ રૂપિયા અને બાગાયતી માટે બે હેક્ટર હેક્ટરદીઠ ૧૮,૦૦૦ રૂપિયા વળતરની જાહેરાત કરી

નવી દિલ્‍હી : મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકસાન બદલ વળતરની જાહેરાત કરી હતી. રાજ્યપાલે ખરીફ પાક માટે બે હેક્ટર સુધીના નુકસાન બદલ હેક્ટરદીઠ ૮૦૦૦ રૂપિયા અને બાગાયતી માટે બે હેક્ટર સુધીના નુકસાન બદલ હેક્ટરદીઠ ૧૮,૦૦૦ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી. રાજ્યપાલે માવઠાથી અસરગ્રસ્ત ક્ષેત્રની ખેતીની જમીનોનું મહેસૂલ માફ કર્યું હતું અને અસરગ્રસ્ત ખેડૂતોનાં સંતાનોની શાળાઓ અને કૉલેજોની ફી માફ કરી હતી.

બીજી નવેમ્બરે એ વખતના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે માવઠા-કમોસમી વરસાદને કારણે ખેતી-બાગાયતીને થયેલા નુકસાન બદલ ખેડૂતોને ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની આર્થિક સહાય મંજૂર કરી હતી. જોકે એનસીપી અને કૉન્ગ્રેસે આર્થિક સહાયની રકમ અપૂરતી હોવાનું જણાવતાં ઓછામાં ઓછું ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કરવાની માગણી કરી હતી. કૉન્ગ્રેસના નેતા અશોક ચવાણે રાજ્યપાલે જાહેર કરેલી આર્થિક સહાય અપૂરતી હોવાનું જણાવ્યું હતું.

(11:58 am IST)