Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

૪૮૧ કરોડના દેવામાં ડૂબેલી મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા મેયર, ડૅપ્યુટી મેટર અને સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષની ઑફિસના વિસ્તાર અને રિનોવેશન પાછળ ૨ કરોડ ૨૫ લાખ રૂપિયાનો ફાજલ ખર્ચ

મીરા-ભાઈંદર  : ૪૮૧ કરોડના દેવામાં ડૂબેલી મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા મેયર, ડૅપ્યુટી મેટર અને સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષની ઑફિસના વિસ્તાર અને રિનોવેશન પાછળ ૨ કરોડ ૨૫ લાખ રૂપિયાનો ખર્ચ કરાતો હોવાની ચોંકાવનારી માહિતી જાણવા મળી છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા પાસે વિવિધ કામો માટે ભંડોળ ન હોવાથ‌ી ૪૮૧ કરોડ રૂપિયાનું કર્જ લેવામાં આવ્યું છે. ભંડોળ ઊભું કરવા માટે પાણીના દરમાં વધારો કરાયો છે, પણ એની સામે નાગરિકોને મૂળભૂત સુવિધા પૂરી નથી પડાતી. આવી સ્થિતિમાં સત્તાધારી બીજેપીએ પાલિકામાં મુખ્યાલયમાં બીજા માળે આવેલી મેયર, ડૅપ્યુટી મેયર અને સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષની ઑફિસોને તોડીને નવેસરથી વિશાળ બનાવવાનું કામ ૨.૨૫ કરોડ રૂપિયાને ખર્ચે ચાલુ કર્યું છે. પાલિકાના મુખ્યાલયમાં દરરોજ નગરસેવકો, પાલિકાના અધિકારીઓ અને આમ જનતા કામકાજ માટે આવતા હોવાથી જગ્યા ઓછી પડે છે. આથી મેયર ડિમ્પલ મહેતાએ ત્રણેય ઑફિસ મોટી કરવાની માગણી પાલિકા પ્રશાસન પાસે કરી હતી. આથી પાલિકાએ ૨૦૧૯ની ૨૬ જુલાઈએ આ કામ કરવા માટે ટેન્ડર મગાવ્યું હતું. બાદમાં સ્પાર્ક સિવિલ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ નામની કંપનીને ૨ કરોડ ૭ લાખ ૯૧ હજાર રૂપિયામાં આ કામ આપવામાં આવ્યું હતું. અત્યારે મેયરની ઑફિસનું કામ ચાલુ કરાયું હોવાથી મેયર ડૅપ્યુટી મેયરની ઑફિસમાં અને ડૅપ્યુટી મેયર સ્ટૅન્ડિંગ કમિટીના સભાપતિની ઑફિસમાં બેસે છે.

ભૂતપૂર્વ ઉપનગરાધ્યક્ષ અરુણ કદમે કહ્યું હતું કે સત્તાધારીઓ પાલિકા અને કરદાતાઓના રૂપિયાનો દુરુપયોગ કરી રહ્યા છે. લોકો વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા છે એના પર ધ્યાન દેવાને બદલે પોતાની ઑફિસો મોટી અને આલીશાન જોઈએ છે. આથી આ કામ અને રૂપિયાનો થઈ રહેલો દુરુપયોગ રોકવો જોઈએ.

મેયર ડિમ્પલ મહેતાનો આ વિશે 'મિડ-ડે'એ સંપર્ક કરવાનો પ્રયાસ કરાયા બાદ પણ તેમની સાથે વાત નહોતી થઈ શકી.

(11:58 am IST)