Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

કેઈએમના ડૉક્ટરે ચોક્કસ દ્રવ્યનું ઇન્જેક્શન લઈને જીવન ટૂંકાવ્યું : મૃતદેહ હોસ્ટેલના ધાબા પરથી મળી આવ્યો

અમરાવતી : પરેલની કેઈએમ હૉસ્પિટલના એક ૨૮ વર્ષીય ડૉક્ટરે  સવારે ચોક્કસ દ્રવ્યનું ઇન્જેક્શન લઈને જીવન ટૂંકાવ્યું હતું. ડૉક્ટરનો મૃતદેહ અન્ય ડૉક્ટરોને આરએમઓ (રેસિડેન્ટ મેડિકલ ઑફિસર) હોસ્ટેલના ધાબા પરથી મળી આવ્યો હતો.

પ્રણય જયસ્વાલ તરીકે ઓળખ કરવામાં આવેલા ડૉક્ટર જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટનો ભાગ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા.

અમરાવતીના વતની એવા ડૉ. જયસ્વાલે કેઈએમ હૉસ્પિટલ ખાતે તેમની ત્રણ વર્ષની રેસિડેન્સી પૂર્ણ કરી હતી અને તેઓ બૉન્ડેડ સર્ટિફિકેટની પ્રક્રિયા પૂરી કરવાના હતા. બૉન્ડ અનુસાર સરકારી હૉસ્પિટલમાં એક વર્ષની સેવા પૂરી પાડવી ફરજિયાત હોય છે અને ત્યાર બાદ ડૉક્ટર ખાનગી હૉસ્પિટલમાં નોકરી મેળવી શકે છે. મૃતક ડૉક્ટરના બૉન્ડનો કાર્યકાળ જૂનમાં શરૂ થયો હતો.

હૉસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડૉ. જયસ્વાલ સ્પેશ્યાલિટી મેડિકલ ઑફિસર હતા અને તેઓ ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી આરએમઓ હોસ્ટેલમાં રહેતા હતા.

કેઈએમ હૉસ્પિટલના ડીન ડૉ. હેમંત દેશમુખે જણાવ્યું હતું કે 'જયસ્વાલે તેના રૂમમેટને જણાવ્યું હતું કે તેઓ શુક્રવારના રોજ બહાર જઈ રહ્યા હતા, જ્યારે તે મધરાતે સાડાબાર સુધી પરત ન ફર્યા ત્યારે તેમના રૂમમેટે તેમને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો ફોન સ્વીચ્ડ ઓફ હતો. તેમણે એમની શોધ પણ ચલાવી, પરંતુ એમને શોધી ન શક્યા. જ્યારે તેમના અન્ય સહકર્મીઓ પણ એમને શોધી ન શક્યા ત્યારે તેમણે સવારે આશરે સાડા નવે મને આ અંગે જાણ કરી હતી' એમ દેશમુખે જણાવ્યું હતું.

(11:55 am IST)