Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

પાંચ મહિના પહેલા શરૂ થયેલ લોકશાહી તરફી વિરોધ પ્રદર્શન બાદ પહેલી વાર ચીને હોંગકોંગમાં લશ્કર ખડકી

હોંગકોંગ: પાંચ મહિના પહેલા શરૂ થયેલ લોકશાહી તરફી વિરોધ પ્રદર્શન બાદ પહેલી વાર ચીને હોંગકોંગમાં લશ્કર ખડકી દીધું છે. હોંગકોંગના રસ્તાઓ પર સાદા કપડાંઓમાં ચીની સૈનિકોએ ફરી રહ્યા હતા અને રોડબ્લોકને દૂર કરતા જોવા મળ્યાં હતા. વિશ્વની સૌથી મોટી મિલિટરી એવા ગેરીસન પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ તેમની કોવલૂન ગેરિસનમાંથી માર્ચ કરીને શહેર પર જાપ્તો રાખવાનું શરૂ કરી દીધું છે. ગ્રીન ટી શર્ટ્સ અને બ્લેક શોર્ટ્સમાં સજ્જ તથા હાથમાં લાલ ડોલો લઈને તેઓ રોડબ્લોકને દૂર કરી રહ્યાં હતા. એક સૈનિકે કહ્યું કે અમારા આ પગલાંને હોંગકોંગ સરકાર સાથે કંઈ લાગતું વળગતું નથી. અમારી જવાબદારી ફક્ત હિંસા અને અરાજકતાને અટકાવાની છે.

ફાયર ફાઈટર અને પોલીસ અધિકારીઓએ પણ સૈનિકો સાથે જોડાયા હતા.હોંગકોંગમાં શનિવારે ચાઈના તરફી લોકોએ એક રેલી કાઢી હતી અને સરકાર વિરોધી તોફાનોની આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી. લોકોના નિશાનાનું કેન્દ્ર બનેલ પોલીસને લોકોએ ટેકો આપ્યો હતો. ચાઈના તરફી પ્રદર્શનકારીઓએ શહેરના હાર્દસમા સિટી સેન્ટરમાં પ્રદર્શનકારી લોકોની વિરુદ્ધ નારાબાજી કરી હતી. ચીન તરફી લોકોનું એવું કહેવું છે કે લોકોનો વિરોધ-પ્રદર્શન ખોટા છે.

હોંગકોંગમાં લોકો પીછેહઠ કરવાના મૂડમાં નથી. યુનિવર્સિટીઓ હવે રણમેદાન બની છે. લોકો શહેરની યુનિવર્સિટીઓમાં ઘૂસીને દેખાવ કરવા લાગ્યા છે. યુનિવર્સિટીઓની ઉપરાંત શહેરમાં બીજે ઠેકાણે પણ લોકોએ ઉત્પાત મચાવ્યો હતો તથા ઠેરઠેર આગજની કરીને સત્તાવાળાઓ તથા પોલીસને નાકે દમે લાવી દીધો હતો. પ્રદર્શનકારીઓએ હવે ધનુષ-બાણ લઈને દેખાવ કરવા લાગ્યા છે. પ્રદર્શનકારીઓે રાયોટ પોલીસ પર ધનુષ-બાણનો મારો ચલાવ્યો હતો તો સામે પક્ષે પોલીસે પણ પાણીનો મારો ચલાવ્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓ ઉપર કેટલાય રાઉન્ડ ગોળીબાર પણ કર્યો હતો. કેબલ ટીવીના અહેવાલ મુજબ ઓછોમાં ઓછો એક પ્રદર્શનકારી તેમાં ઘાયલ થયો હતો. હોંગકોંગની ચાઇનીઝ યુનિ.માં ઝપાઝપી સર્જાઈ હતી. બુધવારે સવારે ઘણી મેટ્રો, રેલ સ્ટેશનોને બંધ કરી દેવાયા હતા. પ્રદર્શનકારીઓએ ઘણી ટ્રેનોમાં ઘૂસીને તોડફોડ ચલાવી હતી. યુનિવર્સટીઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે જેને પગલે રાયોટ પોલીસને શહેરમાં તૈનાત કરવી પડી હતી.

બીજી તરફ ચાઈના તરફી પ્રદર્શનકારીઓએ શહેરના હાર્દસમા સિટી સેન્ટરમાં પ્રદર્શનકારી લોકોની વિરુદ્ધ નારાબાજી કરી હતી. માસ્ક પહેરીને આવેલા સેંકડો પ્રદર્શનકારીઓએ પોલીસ પર પેટ્રોલબોમ્બ, પથ્થરમારો કર્યો હતો. લોકો મેટ્રો ટ્રેક પર કચરો, બાઇસિકલ અને બીજો ભંગાર નાખવા લાગ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓ ઓવરબ્રિજ પર ચડીને નીચેના ટ્રાફિક પર ભારે વસ્તુઓ નાખવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે હોંગકોંગના આંદોલનકારીઓમાં મહદંશે યુવાનો છે. ચીનના સમર્થનમાં પણ એક સમૂહ છે. તે સમૂહ લોકશાહીની તરફેણ કરી રહેલા નેતાઓને નિશાન બનાવી રહ્યો છે. ચીનની ઉતાવળને કારણે એક વિકસિત અને આધુનિક ક્ષેત્ર આંતરવિગ્રહ તરફ આગળ વધી રહ્યું છે.

(11:31 am IST)