Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે સંબંધોમાં થોડી ઓટ આવી : પાકિસ્તાને દુશ્મની ભુલી જયપુરથી મસ્‍કત લઇ રહેલું ભારતીય વિમાન ખરાબ હવામાનનો ભોગ બનતા ૧પ૦ ભારતીય પ્રવાસીઓનો જીવ બચાવ્‍યો

Photo : Pakistan

નવી દિલ્હી : હાલમાં ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે સંબંધોમાં થોડી ઓટ આવી છે. આ બંને પાડોશી દેશો વચ્ચે કાશ્મીરથી માંડીને અનેક મુદ્દાઓ પર ભારે ખેંચતાણ પ્રવર્તી રહી છે અને જેના કારણે સરહદ પર તણાવ પ્રવર્તે છે. આ સંજોગોમાં પાકિસ્તાને ખરાબ હવામાનમાં ફસાયેલા ભારતીય વિમાનને બચાવીને 150 પ્રવાસીઓના જીવ બચાવ્યા છે. પાકિસ્તાનના આ સદભાવપૂર્ણ વર્તનથી તમામ તરફથી પ્રસંશા થઈ રહી છે.

આ ઘટનાની વિગતો જોઈએ તો 150 પ્રવાસીઓને જયપુરથી મસ્કત લઈ રહેલું ભારતીય વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ખરાબ હવામાનનો ભોગ બન્યું હતું. તેના પર આકાશીય વીજળી પડતા વિમાન એકાએક બે હજાર ફૂટ નીચે ઉતરી ગયું હતું. આ સમયે પાયલટે મદદ માટે નજીકના એર ટ્રાફિક કંટ્રોલરો (ATC)ને એલર્ટ મોકલ્યું હતું. આ એલર્ટને જોઈને પાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલર (ATC) સક્રિય બન્યું હતું અને વિમાનને ક્રેશ થતા અટકાવીને યોગ્ય રસ્તો બતાવ્યો હતો. આ મદદને પગલે વિમાન સુરક્ષિત રીતે આગળ વધી શક્યું હતું.

નોંધનીય છે ભારત સાથેના સંઘર્ષના કારણે લગભગ પાંચ મહિનાના પ્રતિબંધ પછી પાકિસ્તાને 16 જુલાઈએ પોતાનું હવાઈક્ષેત્ર ભારત માટે ખોલી દીધું છે. બાલાકોટ હવાઇ કાર્યવાહી પછી પાકિસ્તાને 26 ફેબ્રુઆરીએ પોતાનું હવાઇક્ષેત્ર ભારત માટે બંધ કરી દીધું હતું.

(11:31 am IST)