Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

રોજ કરો ગૌ સેવા, નિત્ય નમાવો શીશ, ગાય માત પ્રસન્ન થઈ આપશે અપાર આશિષ

ગિર ગાય, સાવજ અને કાઠીયાવાડી અશ્વઃ વિશ્વને સૌરાષ્ટ્રની સ્વર્ણિમ ભેટ

કૃષિ અર્થતંત્ર માટે ગિર ગાય મહત્વની : બ્રાઝિલમાં ગિર ગાયની બોલબાલાઃ દેશી ગાયના દૂધની વિશ્વના દેશોમાં બોલબાલા : ગુજરાતી ભાષામાં નવો પ્રાણ ફૂંકનાર ગાંધીજી અને ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના પનોતા પુત્ર : ફાફડા ગાંઠીયા ગુજરાતની આગવી ઓળખ : આઇસ્ક્રીમની બાબતમાં પણ સૌરાષ્ટ્ર મોખરેઃ ગીર ઉપરાંત કાંકરેજી, થરપાકર, સાહીવાલ વગેરે ગાયના દૂધની જબ્બર માંગ : ગાયનું ચોખ્ખુ દૂધ મેળવવા માટે મોં માગ્યો ભાવ આપનારો વર્ગ વધતો જાય છેઃ સૌરાષ્ટ્રનું જળ, જમીન, હવા અને પરંપરા અન્યથી અનોખા : લોકડાયરા થકી સંસ્કૃતિ જીવંત રાખવામાં કલાકારોનું મોટુ યોગદાન : ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી પણ સૌરાષ્ટ્રનાં સુરતના હિરા ઉદ્યોગને ચમક આપવામાં સૌરાષ્ટ્રનો મોટો ફાળો : આફ્રિકાના સૌથી વધુ ધનવાનોમાં સૌરાષ્ટ્રના સાહસિકોનું પ્રમાણ વધુ જમીન - મકાન ક્ષેત્રે સૌરાષ્ટ્રની નામનાઃ અનેક દાનવીરો, શૂરવીરો અને સંતો સૌરાષ્ટ્ર ભૂમિના : સૌરાષ્ટ્રનો મહિમા વર્ણવવા પુસ્તકોના પાના ઓછા પડેઃ ઈશ્વરની જીવંત કૃપાનું સાક્ષાત પ્રમાણ એટલે ગાય : સારી ગૌશાળાની મુલાકાત લેવાથી મન શાંત અને પ્રફુલ્લિત બને છે : પરોપકારના વિચારોની વૃદ્ધિ ગિર ગાય દેશની સર્વશ્રેષ્ઠ પ્રજાતિ : ગૌસંવર્ધન માટે મોદી સરકારના આવકાર્ય પગલા : ગુજરાતમાં ગાયના રક્ષણ માટેનો કાયદો સખત : ગૌ આધારીત ખેતીનું ફરી વધતુ મહત્વ : બાળકથાઓ, તહેવારો અને ભારતીય પરંપરામાં ગાય સાથે જોડાણ : ગાયનું માતા તરીકે પૂજનઃ ગિર ગાય પાળનારાઓનું વધતુ પ્રમાણ શુભ સંકેતરૂપઃ સરકાર દ્વારા ગૌપાલકોને પ્રોત્સાહન : ગાય વિશેની જાગૃતિનું વધતુ પ્રમાણ

ગુજરાતના નિવૃત સચિવ (આઈ.એ.એસ.) શ્રી દિનેશ બ્રહ્મભટ્ટની મોઝામ્બિકના ઉર્જામંત્રી સાથેની યાદગાર તસ્વીર. બીજી દસેક વર્ષ પહેલા અકિલાની વાર્ષિક લવાજમ યોજનાના ડ્રો પ્રસંગની છે. જેમાં તત્કાલીન નાણામંત્રી શ્રી વજુભાઈ વાળા અને અકિલા પરીવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શ્રી બ્રહ્મભટ્ટ ખુશખુશાલ મુદ્રામાં છે.

સૌરાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્ર. કંઈ કેટલીય બાબતોમાં સૌરાષ્ટ્ર બાકીના ગુજરાતથી તદન ભિન્ન અને વિશિષ્ટ છે. ઈતિહાસકારો અથવા ભૌગોલિક સંરચનાના નિષ્ણાતો જણાવે છે કે સૌરાષ્ટ્ર આફ્રિકા ખંડનો એક છૂટો પડેલ ટૂકડો છે અને લાખો વર્ષની પ્રક્રિયાને અંતે આફ્રિકાની છૂટી પડેલી પ્લેટ આખરે ગુજરાત સાથે જોડાતી ગઈ. સૌરાષ્ટ્રની વિશિષ્ટતાઓ અને સમાજ, ઈતિહાસ અને માનવ સંસ્કૃતિના વિકાસમાં સૌરાષ્ટ્રના પ્રદાનને વર્ણવવા માટે અખબારના પાનાઓ ઓછા પડે. આઝાદી અને એકીકરણ સમયે દેશમાં રજવાડાઓની સૌથી વધુ સંખ્યા સૌરાષ્ટ્રમાં હતી. જુલ્મી રાજા-રજવાડાઓ સામે, અન્યાય સામે બગાવત કરનારા બહારવટિયાઓ અને બાગીઓ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ઉપસી આવ્યા. બગાવતી અખબારો અને નિર્ભય પત્રકારો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ હતા. સૌ પ્રથમ પોતાનું રાજય દેશને સોંપનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતાં. દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજી સૌરાષ્ટ્રની દેશને સૌથી મોટી, મોંઘી ભેટ ગણાય. વિશ્વના ઈતિહાસમાં એકમાત્ર બનાવ એવો બન્યો કે બે રાષ્ટ્રનું - ભારત અને પાકિસ્તાન - સર્જન કરનારા બન્નેના વતન પણ સૌરાષ્ટ્રમાં ફકત ૧૦૦ કી.મી. ની ત્રિજયામાં જ હતા. દેશમાં સૌથી વધુ અન્નક્ષેત્રો ધરાવનાર મંદિરો - મઠો - આશ્રમો ફકત સૌરાષ્ટ્રમાં જ છે. ગામ - ગૌવંશ - નિર્બળ અને બહેનોની રક્ષા કાજે જીવ આપી દેનારા મરજીવાઓના પાળિયાઓ સૌથી વધુ ફકત સૌરાષ્ટ્ર કચ્છમાં છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના અંતિમ દિવસો સૌરાષ્ટ્રમાં જ વિતાવ્યા. અરબી સમુદ્ર જેના ચરણો પખાળે છે તેવા દેવાધિદેવ સોમનાથ મહાદેવ અને દ્વારિકાધીશના મંદિરો સૌરાષ્ટ્રમાં છે. હિમાલય કરતાં પણ જૂનો અને હિમાલયના સિદ્ધો - સંતો અને દિવ્યાત્માઓની ઉપાસના, ધ્યાનના તરંગો જયાં અથડાઈને પાવન થાય છે તેવો ગિરનાર પણ ફકત સૌરાષ્ટ્રમાં જ છે, સૌરાષ્ટ્રના પ્રખર ગાયત્રી ઉપાસક બાબુભાઈ ઠક્કરે આ રહસ્યમય ઘટસ્ફોટ કર્યો છે જે તદન સત્ય છે અને અનુભવસિદ્ધ છે. હિંદુકુશની પર્વતમાળાઓ પરથી આવેલી કાઠી કોમના શૂરવીરો ફકત સૌરાષ્ટ્રમાં જ સ્થાયી થયા અને સૂર્યપૂજાની ઉમદા પરંપરા આજે પણ સૌરાષ્ટ્રમાં જીવંત છે. સૌથી વધુ સૂર્ય ઉપાસકો સૌરાષ્ટ્રમાં છે. 

સૌરાષ્ટ્ર એટલે સિંહોની ભૂમિ

ગુજરાતમાં સૌથી વધુ દરિયાકાંઠાનો વિસ્તાર ધરાવતા સૌરાષ્ટ્રમાંથી અંદાજિત ૪૦૦ વર્ષથી અનજાન, જોખમી આફ્રિકાના જંગલોમાં પોતાનું નસીબ અજમાવવા જનારા સૌરાષ્ટ્રના વ્યાપારી સાહસિકો પણ સૌથી વધુ સૌરાષ્ટ્રમાંથી જ ગયા છે. આજના આફ્રિકામાં સૌથી વધુ સફળ ધનિકો, ઉદ્યોગ, વાણિજિયક સાહસિકો પણ સૌરાષ્ટ્રમાંથી જ છે. સમગ્ર એશિયામાં ફકત સૌરાષ્ટ્રમાં જ સિંહો રહ્યા છે, વધ્યા છે અને માણસોની સાથે રહીને વસ્તી વધી હોય તેવો અનુપમ સંયોગ ફકત સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના સાહસિક ગ્રામજનોના કારણે જ છે. ગુજરાતી ભાષાને પ્રાણવાન બનાવનાર મહાત્મા ગાંધી અને ઝવેરચંદ મેઘાણી પણ સૌરાષ્ટ્રના પનોતા પુત્ર હતા. ગુજરાતની સ્ટેટ ડીશ જાહેર કરી શકાય તેવા ફાફડા - ગાંઠિયા પણ સૌરાષ્ટ્રની ગુજરાત અને દેશને મોટી ભેટ છે. કેન્યામાં ફાફડા - જલેબી બનાવતા કેન્યાના સ્થાનિક રહેવાસી પણ ગાંઠિયાના શોખીન થઈ ગયા છે. ગાંઠિયા સૌરાષ્ટ્રનું અભિન્ન અંગ બની રહ્યા છે. સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જવલંત છાયા ગાંઠિયાને પૃથ્વી પરનું ગંઠાયેલુ અમૃત ગણે છે. ગુજરાતમાં સૌથી વધુ આઈસ્ક્રીમની લોકલ વેરાયટી રાજકોટમાં છે. લીંબડી પછી ફાફડાનો ટેસ્ટ પણ ફરી જાય છે.

લોકડાયરાના કલાકારોએ પરંપરા જીવંત રાખી

સ્વામી વિવેકાનંદના ગુજરાત પ્રવાસનો સૌથી વધુ સમય લીંબડી - સાવરકુંડલા - પોરબંદર અને અન્ય સ્થળોએ પસાર થયો છે. ગાંધીજીને મહાત્માનું બિરૂદ સૌપ્રથમ ગોંડલમાં અપાયાનું માનવામાં આવે છે. પ્રજાવત્સલ ભગવતસિંહજીએ ગોંડલમાં ભગવદ્ ગોમંડળની રચના કરાવી. સૌરાષ્ટ્રની કેસર કેરી સૌરાષ્ટ્રની મોટી ભેટ સમગ્ર દેશ-દુનિયાને ગણાવી શકાય. સમગ્ર ગુજરાતમાં સીદી બાદશાહોનું આખુ ગામ છેલ્લા ૩૦૦ જેટલા વર્ષોથી ફકત સાસણમાં જ છે. શૌર્ય, વફાદારી અને ગતિશીલતાનું જીવંત પ્રતિક કાઠિયાવાડી અશ્વ કાઠી પરંપરા અને ખુમારીનું પ્રતિનિધિત્વ કરે છે તે પણ સૌરાષ્ટ્રથી સમગ્ર દેશમાં, પોલીસમાં, લશ્કરમાં ફેલાયા છે. સૌરાષ્ટ્રના પાણી, હવા અને પરંપરામાં કંઈક એવુ છે કે જે ગુજરાતના અન્ય કોઈપણ ભાગમાં નથી. સતી તોરલ કચ્છમાં જ થયા. કાઠિયાવાડના જોગીદાસ ખુમાણની અન્યના બેકગ્રાઉન્ડમાં કલ્પના કરી જૂઓ, કંઈક અજૂગતુ લાગશે. કવિ કલાપી કે ઝવેરચંદ મેઘાણી વિના સૌરાષ્ટ્ર અધૂરૃં લાગશે. સમગ્ર ગુજરાતમાં લોકડાયરાની પરંપરા જીવંત રાખવામાં સૌરાષ્ટ્રના કલાકારોનું મોટુ યોગદાન છે. સમગ્ર ગુજરાતમાં સાંધ્ય દૈનિકોની પરંપરા સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટથી શરૂ થઈ છે. સૌથી વધુ મધ્યમ, નાનાબંદરો સૌરાષ્ટ્રમાં છે. આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી ટંકારામાં જન્મ્યા.

પ્રથમ મુખ્યમંત્રી સૌરાષ્ટ્રે આપેલ

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના હતા. આફ્રિકાના દરિયારસ્તે ભૂલા પડેલા વાસ્કો ડી. ગામાને ભારત સુધી લઈ આવનાર માલમ કચ્છના હતા. એકી સાથે માતાજી, દત્ત્।ાત્રેય ભગવાન અને જૈન ધર્મના સ્થાનકો ધરાવતો ગીરનાર સૌરાષ્ટ્રમાં જ છે. કહેવતોની દુનિયામાં સૌથી વધુ માર્મિક કહેવતો સૌરાષ્ટ્રએ જ આપી છે. 'લંકાની લાડીને ઘોઘાનો વર' એ કહેવત સાચી છે. ૧૦૦ વર્ષ પહેલાં નાનકડા ઘોઘા બંદરમાં ચીન અને શ્રીલંકા સહિત સંખ્યાબંધ દેશોના વહાણો લાંગરતા હતા. પુનઃ સૌરાષ્ટ્રના એક ક્રિકેટર લંકાની કન્યાને પરણીને ૧૯૮૫ માં રાજકોટ લઈ આવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના લગ્નના પડઘમ અને શરણાઈઓના સૂર હજીપણ માધવપુર ઘેડમાં સંભળાઈ રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ સૂર્ય મંદિરો સૌરાષ્ટ્રમાં છે. એકીસાથે મોટી સંખ્યામાં જીવતા સમાધિ લીધી હોય તેવા કિસ્સાઓ ફકત સૌરાષ્ટ્રમાં જ છે. કચ્છમાં દાદા મેકરણ અને ૧૧ કરતાં વધુ અનુયાયીઓએ જીવતા સમાધિ લીધી અને બીજી સમાધિ મોટી સંખ્યામાં પરબની જગ્યામાં મા અમરબાઈ અને અને અન્યોએ લીધી. ગુજરાતમાં અન્યત્ર આ પ્રકારની સમાધિઓની પરંપરા હજૂ સુધી સાંભળી નથી.

સૌરાષ્ટ્રમાં એવુ શું છે કે જેનાથી સૌ સૌરાષ્ટ્રને અચંબાથી અને કુતુહલથી જૂએ છે! સચિવાલયમાં સૌરાષ્ટ્રના કર્મચારી સાથે ગુજરાતના અન્ય કર્મચારીઓ  અહોભાવ રાખીને વાત કરે છે. અંગ્રેજોએ સૌરાષ્ટ્રને એક અજાયબ અને રહસ્યમય વિસ્તાર ગણ્યો હતો. અંગ્રેજોના લખાણોમાં સૌરાષ્ટ્ર અગ્રેસર રહ્યુ છે. આફ્રિકાના સૌથી વધુ ધનિકોમાં સૌરાષ્ટ્રના સાહસિકોની ટકાવારી સૌથી વધુ અને ઉંચી છે. એવુ શું કારણ છે કે રાજકોટમાં વસ્તીના પ્રમાણમાં સાંધ્ય દૈનિકોની સંખ્યા સમગ્ર ગુજરાત અને કદાચ દેશમાં સૌથી વધુ છે! સુરતને હીરાનગરીમાં ફેરવી નાખનાર સૌરાષ્ટ્રવાસીઓ જ છે. રજવાડાના સમયમાં સૌથી વધુ પાળેલા શિકારી ચિત્ત્।ાઓ કચ્છ અને ભાવનગરના રાજાઓ પાસે જ હતા. શંકરાચાર્યની ગાદી (પીઠ) દ્વારિકામાં છે. મહાભારતના યુધ્ધ પછી ભગવાન સદાશિવે ગાંડીવમાં મૂકેલી ચમત્કારિક શકિત જતી રહેતા અર્જુન જામખંભાળિયા પાસે પરચૂરણ લૂંટારાઓના હાથે લૂંટાયો.

સૌરાષ્ટ્ર એટલે ખંત, ખુમારી, ખેલદિલી

જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી દેશના સૌથી ધનિક અંબાણી પરિવારે સ્થાપી જે પણ સૌરાષ્ટ્રના જ છે. સૌરાષ્ટ્ર એટલે ખુમારી, ખંત, પ્રેમાળ મહેમાનગતિ- વેરઝેર માટે જીવ ઉપર આવી જવાની ભાવના અને સાહસિક લોકોનો સમૂહ અને સાહસિક માનસિકતા સાથે જીવતો જીવંત દ્રિચકલ્પ. રાજકોટમાં ગુસ્સામાં આવી પોતાની જીપ સળગાવી નાખવાની ઘટના સૌરાષ્ટ્રનું ઉગ્ર માનસ પ્રગટ કરે છે.

૩૫ વર્ષ પહેલાં ફ્રાંસની ૨૦ વર્ષની એક સ્વરૂપવાન ફેંચ યુવતિ પોરબંદરના દરિયાકિનારાના જંગલના અવાવરુ હનુમાનજીના મંદિરમાં આવે છે અને જીવનભર સાધ્વી તરીકે રહી જાય છે એ સૌરાષ્ટ્રની ખૂબી છે. એકલા જંગલમાં રહેવાની હિંમત આ યુવતીને સૌરાષ્ટ્રની ખુમારી અને આબોહવાએ આપી, તો આ યુવાન સાધ્વીને ટેકો આપી ટકાવી રાખનાર સૌરાષ્ટ્રની સંરક્ષણની પરંપરા પણ સલામને પાત્ર છે. મોચાના માતાજી તરીકે ઓળખાતી આ યુવતિ હવે પ્રૌઢ અવસ્થાએ સુંદર કાઠિયાવાડી મેર લહેકા સાથે ગુજરાતી બોલે છે અને હનુમાનજીની પૂજામાં વ્યસ્ત હોવા ઉપરાંત વૃક્ષારોપણ, જળસંચયમાં પણ રસ ધરાવે છે. રાણાકંડોરણાના દેવુ ભગત, ગોંડલના નાથાબાપા કે મોરબીના સાત્વિક ગાયત્રી ઉપાસક બાબુભાઈ ઠક્કર સૌરાષ્ટ્રની ઝળહળતી અને જીવંત સાત્વિક પરંપરાના મશાલચી બની રહ્યા.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં બચ્ચા મૂકવા આવતી વ્હેલ માછલીઓના શિકારને અટકાવવાની અપીલ કરી જીવહિંસા અટકાવનાર અને ગુજરાતના પ્રથમ કથાના રામાયણી કથાકાર મોરારીબાપુ પણ સૌરાષ્ટ્રના હોવા ઉપરાંત નિલકંઠ અભિષેકના મુદ્દે તેમના ઉચ્ચારણથી ખળભળાટ મચી ગયેલ છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના આદિ સ્વામી સહજાનંદ પણ સૌરાષ્ટ્રમાં જ રહ્યા અને સફળ થયાં. રાજુલાના વૈષ્ણલ કથાકાર રમેશભાઈ ઓઝા પણ ગૌ સેવાની ઝુંબેશ ચલાવે છે. સાહિત્ય, સંસ્કૃતિ, લોકસાહિત્ય, દરિયાઈ નવલકથાઓ, કવિતાઓ, ચારણી સાહિત્ય અને ડાયરાઓ દ્વારા સામાન્ય જનજીવન, અધ્યાત્મ અને ખુમારીનું અજબ મિશ્રણ ફકત સૌરાષ્ટ્રના લોક કથાકારો અને કલાકારો જ કરી શકે. હેમુ ગઢવી કે શાહબુદ્દિન રાઠોડ કે લોકગાયક પ્રફુલ્લ દવેની કલ્પના સૌરાષ્ટ્ર બહાર કરી જૂઓ? વિચારો કે સાંઇરામ દવે મહેસાણા કે ખેડાની ભાષા બોલતા હોત તો સફળ થઈ શકત? નવી સીડીનો વિષય સાંઈરામને આ મુદ્દે મળી શકે તેમ છે. સૌરાષ્ટ્રમાં મોટા થયેલા અને સૌરાષ્ટ્રના તાણાવાણા ધરાવતા લોકો જ સોરઠી સાહિત્ય વાર્તાઓ અને ડાયરાઓ જીવનમાં ઉતારી અને સમજી શકે. કયાંય ભરૂચ કે ડાંગમાં કદી અનુભવ્યુ છે કે નારાયણ સ્વામી-પ્રાણલાલ વ્યાસ કે હેમંત ચૌહાણના ભજનો આખી રાત ચાલે અને નારાયણ સ્વામીના ભજનોમાં એક લાખ કરતા વધુ માણસો સવારના ૪ વાગ્યા સુધી બેસે, રડે અને ભાવવિભોર બની નૃત્ય પણ કરે! આ ફકત સૌરાષ્ટ્ર જ કરી શકે.

ગુજરાતમાં સૌથી વધુ લોકસાહિત્યના કલાકારો ફકત સૌરાષ્ટ્રમાંથી જ છે. આનું કોઈ કારણ તો હશે જ! સૌરાષ્ટ્રનું રાજકારણ કાયમ રોમાંચક - ઝનૂની અને તોફાની રહ્યુ છે. એક સમયે શિકાગોનું ઉપનામ ધારણ કરેલુ કહેવાતુ પોરબંદર સતત રાજકીય હત્યાઓનો ઈતિહાસ અત્યાર સુધી ધરાવતુ હતું.

જમીન - મકાન ક્ષેત્રે સૌરાષ્ટ્રનું યોગદાન

RERA માં નોંધાયેલી માહિતી પ્રમાણે અમદાવાદ-સુરત-વલસાડમાં સૌથી વધુ બિલ્ડરો-રિયલ એસ્ટેટમાં રોકાયેલા પટેલો  મુખ્યત્વે અમરેલી-ભાવનગરના જ છે. વેસ્ટ આફ્રિકાના સેનેગલમાં એકલા હાથે દેશની જરૂરિયાતના ૨૫% કરતાં વધુ બટેટા ઉગાડનાર ગોપાલ પટેલ કચ્છી પટેલ છે. કેન્યામાં સૌથી વધુ ઈન્કમટેકસ ભરનાર અને સૌથી વધુ ધનિક ગુજરાતી નરેન્દ્ર રાવલ હજૂ અંદાજિત ૨૦ વર્ષ પહેલાં જ મંદિરના પૂજારી તરીકે કેન્યા પહોંચ્યા હતા. તેવુ સાંભળ્યુ છે. મોઝામ્બિકમાં રિઝવાન આડતીયા ગણમાન્ય વ્યકિત ગણાય છે. રિઝવાન ભારત અને સૌરાષ્ટ્રમાં સેવાકાર્યોમાં સારી કામગીરી કરે છે. ગુજરાતના સૌથી વધુ દાનવીરો પૈકીના નાનજી કાલીદાસ અને દીપચંદ ગાર્ડી સૌરાષ્ટ્રના સંતાનો હતા. દીપચંદભાઈ ગાર્ડી મૂળીના સૂર્યદેવ માંડવ રાયજીના પરમ ભકત હતા. વિવેકી અને શાલીન વ્યવહારથી જાણીતા કોંગ્રેસી નેતા શકિતસિંહ ગોહિલના પૂર્વજો ગાયો બચાવવા લગ્નમંડપમાંથી ઉભા થઈ શહીદ થઈ ગયા હતાં. મંદિરો, સાધુઓ, મહંતો, બાપુઓ, બાવા, ફકીરો, માતાજી, મઠો, ધૂણીઓ, આશ્રમો, અન્નક્ષેત્રો-સમાધિઓ-દરગાહ-પીર-મજાર અને નાગદેવ સ્થાનકો અને અગણિત આધ્યાત્મિક જગ્યાઓ ધરાવતુ સૌરાષ્ટ્ર ન સમજી શકાય તેવુ છે. છતાં, આજ સૌરાષ્ટ્ર ખુશખુશાલ, હસમુખુ, ઉંચા અવાજે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ જાહેર કરનાર છે. રાજકોટવાસીઓ હમેંશા ઉંચા અવાજે, લહેકાથી વાતો કરે છે અને કોઈપણ ધંધા-રોજગારમાં ઝંપલાવીને અગ્રેસર બનનાર લોકોનું બની રહ્યુ છે. સૌથી વધુ પાન, મસાલા, ગાંઠિયા, આઈસ્ક્રિમ, સોડા અને ખાનારા-પીનારા સૌરાષ્ટ્રવાસીઓ મહેમાનગતિમાં અનેરા છે જ. ગુજરાતમાં સૌથી વધુ પાનની દુકાનો સૌરાષ્ટ્રમાં છે. એવા સૌરાષ્ટ્ર ઉપર ઈશ્વરીય કૃપારૂપ ગીર ગાય વિષે હવે વિચારીએ. સૌરાષ્ટ્રની આટલી પૂર્વભૂમિકા એટલા માટે જરૂરી બને છે કે જે ભૂમિમાં કંઇક પ્રભાવ  કે વિશિષ્ઠતાઓ હોય ત્યાં જ વિશિષ્ઠ ઈશ્વરીય પ્રદાનો પણ થતા હોય છે. ગીર ગાય, ગીરના સાવજો કે કાઠિયાવાડી દ્યોડાઓ ફકત સૌરાષ્ટ્રમાં જ કેમ? દેશના અન્ય ભાગો કે ગુજરાતમાં અન્ય કોઈ જગ્યાએ કેમ નહીં? સૂર્યપૂજક કાઠીકોમના જાતવાન લડવૈયાઓ અફઘાનિસ્તાન-હિંદુકુશની પર્વતમાળાઓ ઓળંગી ધીમેધીમે સૌરાષ્ટ્રમાં સ્થિર થતા ગયા તેની સાથે આવેલા અશ્વોની જાતોમાંથી કાઠિયાવાડી અશ્વ અને કાઠિયાવાડ પ્રાંતનું નામકરણ પણ કાઠી પરથી જ થયું. મહારાણા પ્રતાપનો ચેતક અશ્વ મૂળ સુરેન્દ્રનગરના સાયલા વિસ્તારનો જ હતો.

ગીરગાય દુનિયાને સૌરાષ્ટ્રની ભેટ

સૌરાષ્ટ્રની ખૂબીઓનો અને દેશ-દુનિયાને અપાયેલી નાની-મોટી સોગાંદોનો કોઈ પાર નથી અને આવા ટૂંકા વર્ણનમાં બધુ સમાવી શકાય તેમ નથી. ત્યારે એક અમૂલ્ય ભેટ ભગવાને સૌરાષ્ટ્રને ગીર ગાયના સ્વરૂપમાં આપી છે અને આ ગીર ગાયની ભેટ સમગ્ર દેશ અને દુનિયાને આપવામાં સૌરાષ્ટ્રનું મોટુ યોગદાન છે. તેની વિશદ્ ચર્ચા જરૂરી બને છે. કેમ કે, ગીર ગાયના મહત્વ વિષે  હવે આંતરરાષ્ટ્રીય ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. કરૂણા, દયા, પ્રેમ અને પરોપકારનું જીવંત પ્રતિક ગીર ગાય છે. માનવજીવનની વ્યવસ્થિત શરૂઆત થઈ ત્યારથી જ કાગડો, કબૂતર, ચકલીઓ, શ્વાન, ગાય, ઘોડો વિગેરે માણસોની સાથે જ વિશ્વાસુ અને મદદગાર પ્રાણીઓ તરીકે જીવતા રહ્યા છે. ઈશ્વરની જીવંત કૃપાનું સાક્ષાત પ્રમાણ ગાય છે. જીવતેજીવ દૂધ-ઘી-માખણ-છાણ-મૂત્ર, વાછરડી-વાછરડા આપીને માનવને સાચવતી આ ગાય મર્યા પછી પણ ચામડુ, હાડકા અને ગોરોચન આપીને ઉત્ત્।મ ખાતર તરીકે જમીનમાં ભળી જાય છે. ગાયનો નિવાસ જયાં હોય ત્યાં વાસ્તુદોષ લાગતો નથી કે સર્પ-વિંછીનો ભય રહેતો નથી એ એક અનુભવસિધ્ધ પ્રમાણ છે. ગાયના શરીરે હાથ ફેરવવાથી અને ગાય પાસે બેસવાથી બી.પી. નોર્મલ થઈ જાય છે, તેવો સંખ્યાબંધ લોકોનો અનુભવ છે. અમેરિકામાં ગાયો સાથે બેસીને વાત, દિલહળવુ કરવાનો ચાર્જ ૭૦ ડોલર થાય છે. ગાયનું આભામંડળ (AURA) સાત્વિક અને અંદાજિત ૫૦ મીટરની ત્રિજયામાં ફેલાય છે તેથી જ સારી ગૌશાળાની મુલાકાત લેતા જ મન શાંત અને પ્રફુલ્લિત થઈ જાય છે તથા સારા અને પરોપકારના વિચારો વધે છે. ગાય આપણા જીવનમાં દરેક તબક્કે રહેલી છે. લોકસાહિત્ય, લોકપરંપરાઓ, ભજનો, લોકગીતો ગાયોના ઉલ્લેખ વિના અધૂરા છે.

વિશ્વની શ્રેષ્ઠ ગીર ગાયો બ્રાઝીલમાં

પ્રાચીન સમયમાં જેની પાસે સૌથી વધુ ગાયોનું ધણ હોય તે ધણવાન કહેવાતો તેમાંથી ધનવાન શબ્દ વિકસ્યો. ગાયો પ્રાચીન ભારતના કૃષિ અર્થતંત્રનો પાયો હોવા ઉપરાંત સમસ્ત માનવજીવનના તમામ તબક્કાઓ, લોકગીતો, સંસ્કૃતિ, ચિત્રો, હસ્તકલા, ભજનો, કાવ્યો, કુદરતી ઉપચાર, આરોગ્ય અને કથાઓમાં વણાયેલી છે તે જ ગાયોનો માનવજીવન પરનો ઉંડો પ્રભાવ બતાવે છે. લગ્નમાં દીકરીને ગાય આપવાનો રિવાજ સૌરાષ્ટ્રમાં હતો. કમનસીબે, આજે ગુજરાતમાં ૧૦૦% ગીર ગાયના લક્ષણો ધરાવતી ફકત ૩,૦૦૦/- થી ૩,૫૦૦/- જેટલી ગાયો જ બચી છે. ત્યારે આજથી અંદાજિત ૧૦૦ વર્ષ પહેલાં બ્રાઝિલના પશુપાલકો સર્વશ્રેષ્ઠ ગાયોની શોધમાં સમગ્ર ભારતમાં ફર્યા અને ગીર ગાયોમાં તેમનું મન ઠર્યુ પરંતુ ગોરાઓ ગાયોની કતલ કરનારા અને માંસાહારીઓ હોવાથી સૌરાષ્ટ્રના એકપણ રજવાડાએ તેમને પગ ન મૂકવા દીધો. આખરે ભાવનગરના મહારાજા શ્રી સર કૃષ્ણકુમારસિંહજીને હાથેપગે લાગી અને આ ગાયોની કતલ નહી થાય તેવી લેખિત ખાત્રી અને કોરા ચેક આપીને સર્વશ્રેષ્ઠ ખૂંટ અને કેટલીક ગાયો બ્રાઝિલ લઈ ગયા અને ત્યાર પછી એક ઈતિહાસ રચાઈ ગયો. આજે વિશ્વની સર્વશ્રેષ્ઠ ગીર ગાયો - બ્રાઝિલમાં છે. ૩૦ લાખ કરતાં વધુ ગાયોને લીધે બ્રાઝિલનું કૃષિ અર્થતંત્ર સ્થિર અને મજબૂત થઈ ગયું છે. ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ કક્ષાના સીમેન ડોઝ બ્રાઝિલથી મંગાવવાની વ્યવસ્થા કરાઈ રહી છે. જો કે, આ વ્યવસ્થાથી સૌરાષ્ટ્રની રહીસહી શુધ્ધ ઓલાદની ગીર ગાયો પણ બગડી જશે તેવી ચિંતા સાથે સૌરાષ્ટ્રની કેટલીક અગ્રણી ગૌશાળાના સંચાલકો તથા ગીર ગાયના ચાહકો આ ડોઝની આયાત અટકાવવા માટે કેન્દ્રના પશુપાલન મંત્રીને મળવા ગયા હતા  તેવા પણ સમાચાર છે. બ્રાઝિલના રડાર નામના ખૂંટની અંદાજિત સાડાત્રણ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. તેનો એકએક સીમેન ડોઝ ૫૦૦ થી ૧૦૦૦ ડોલરમાં વેચાતો. આ ખૂંટના મૃત્યુ પછી પણ મસાલો ભરીને સાચવી રાખવામાં આવ્યો છે. ગીર ગાયોને આપવાના બદલામાં બ્રાઝિલના પ્રાંતીય ગવર્નર ભાવનગરના મહારાજાની મુલાકાતે આવ્યા હતા અને બ્રાઝિલનો નકશો પાથરીને ગાયોના બદલામાં જોઈએ તેટલી જમીન મહારાજાને આપવાની ઓફર કરી હતી જેને સર કૃષ્ણકુમારસિંહજીએ વિનયપૂર્વક નકારી કાઢી, ગીર ગાયોના મહત્ત્।મ પ્રદાનને બ્રાઝિલે ગંભીરતાથી લઈ જે વિકાસ કર્યો અને ગુજરાત પ્રત્યેની લાગણીનું પ્રતિબિંબ બ્રાઝિલે જુદીજુદી રીતે વ્યકત કર્યું છે. બ્રાઝિલની કરન્સીમાં ગીર ગાય છે તો બ્રાઝિલના મહત્વના શહેરના મુખ્ય ચોકમાં સર કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા મૂકવામાં આવી છે તો કેટલાક વિસ્તારોના નામો સૌરાષ્ટ્રના ભરવાડો-રબારીઓના નેસના નામો પરથી પાડવામાં આવ્યા છે જે હજૂ આજે પણ એજ નામે ઓળખાય છે.

જો કે,  કાળક્રમે ગીર ગાયને અન્ય પ્રજાતિ સાથે મિશ્રણ કરાવી બ્રાઝિલે ગીર લેન્ડો નામની નવી પ્રજાતિ વિકસાવી છે. એટલુ જ નહી પરંતુ ભાવનગરના પ્રજાવત્સલ રાજવીને અપાયેલી લેખિત ખાત્રીને ભૂલી જઈ કાળક્રમે માંસ માટેની ગીર ગાય અને દૂધ માટેની ગીર ગાયોની પ્રજાતિને અલગ-અલગ વિકસાવી છે, જે કમનસીબ છે. સૌરાષ્ટ્રના જાણીતા કૃષિ તથા કોમ્પ્યુટર નિષ્ણાત દિનેશ ટીલવા ડો. મારડિયાના ગૌ સંવર્ધનના સિધ્ધાંતો પુસ્તકને ટાંકીને જણાવે છે તે પ્રમાણે બ્રાઝિલની ગીર ગાયો હવે આપણી આપેલી ગીર ગાયો છે નહી. કેટલાક લોકો પારકી છડ્ડીના જાગતલ હોય છે તેવા શ્રી દિનેશ ટીલવા પોતે ખેડૂત ન હોવા છતાં ફકત સેવાભાવથી સમગ્ર ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા પોતાનો સમય સતત આપે છે. આવા પરમાર્થી, સેવાભાવી સેવકો પણ સૌરાષ્ટ્રની વિશિષ્ઠતા છે.

બ્રાઝિલમાં ગીર ગાયનું સ્થાનિક એચએફ સાથે બ્રિડિંગ કરાવવામાં આવ્યુ છે. મિકસ પ્રજાતિ વિકસિત કરી મૂળભૂત ગીર ગાયોની પ્રજાતિ બદલી નાખવામાં આવી છે એવુ કહેવાય છે. અમેરિકામાં પણ દેશી ગાયને મિકસ બ્રિડિંગ કરી 'બ્રાહ્મણ' નામની પ્રજાતિ વિકસાવી છે. ઘર આંગણાની  વાત કરીએ તો જંગલોનો નાશ, ગૌચરોના દબાણો અને ઉદ્યોગોને અપાયેલા ગૌચરો, શહેરીકરણ અને જમીનોની અછત અને ચરિયાણો માટેની અછતને લીધે ગાયોની જુદીજુદી પ્રજાતિઓને ગુજરાતમાં મોટી હાનિ ભૂતકાળમાં થઈ છે. લોકોમાં ગાયના દૂધ માટેની સમજણનું સ્થાન ડેરીના મિશ્રણ થયેલા દૂધે લીધુ. લોકોમાં ગાયના આરોગ્યમય દૂધના પોષક તત્વોને બદલે ફેટનું મહત્વ વધ્યુ, પરિણામે ભેંસોની સંખ્યામાં પણ ક્રમશઃ વધારો થતો ગયો અને પરંપરાગત માલધારી વ્યવસાય કરતાં લોકો પૂરતી સુવિધાના અભાવે પશુપાલન છોડીને છકડો, રિક્ષા કે ડ્રાઈવિંગ અને અન્ય વ્યવસાયોમાં જોડાતા જવાથી ગીર ગાયોની સંખ્યામાં પણ ક્રમશઃ ઘટાડો થતો ગયો. ગીર ગાયોના ચિંતાજનક ઘટાડા માટે જે તે સરકારી તંત્રોની ભૂતકાળની ઉદાસીનતા પણ એટલી ગંભીર હતી. જેને ગીર ગાયના મહત્વ કે પરંપરા કે તેના ઐતિહાસિક મહત્વની કંઈ સમજણ કે દરકાર નથી તેવા કેટલાંક પશુપાલન વિભાગના તત્કાલિન ઉચ્ચ અધિકારીઓ પણ ગીર તથા દેશી ગાયની અવદશા માટે એટલા જ જવાબદાર છે. એટલે સુધી અવદશા આવી હતી કે કેટલાક અધિકારીઓએ ગાયોના સંવર્ધન માટેની મહત્વની યોજનાઓ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો તેવુ સચિવાલયમાં ચર્ચાય છે અને એક સચિવે તો આજના આધુનિક યુગમાં કાઠિયાવાડી ઘોડા કે ગીર ગાયની હવે શું જરૂર કે ઉપયોગિતા છે? આવા ખર્ચ બંધ કરો તેવી ટીકા સાથે અશ્વ સંવર્ધન માટેની યોજનાઓમાં મોટા કાપની દરખાસ્ત વિચારી હતી તેવુ કહેવાય છે. પરંતુ ગીર ગાય અને ગુજરાતની અન્ય શ્રેષ્ઠ પ્રજાતિ એવી કાંકરેજી ગાયના સંવર્ધનને જે તે સમયના ઉચ્ચ અધિકારીઓ કે ટૂંકી દૃષ્ટિના વહીવટી તંત્ર કરતાં સૌથી વધુ નુકસાન કહેવાતા સફેદ ક્રાંતિના પ્રણેતાઓ અને વિદેશી ગાયોના સમર્થક વ્યાપારી તંત્રે કર્યું છે. પોતાના સ્વ-પ્રચારમાં જ કાયમ વ્યસ્ત આવા પ્રણેતાઓને જે તે સમયનું તંત્ર ઓળખી ન શકયુ અથવા આંખ આડા કાન કરતુ રહ્યુ.  વિદેશી એચએફ કે જર્સી બ્રીડ સાથે દેશની શ્રેષ્ઠ દેશી ઓલાદનું ક્રોસ બ્રીડ કરાવીને દેશને ફકત નુકશાન જ નહી પરંતુ આપણી વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી બ્રીડને લાંબાગાળાનું નુકસાનનું મોટુ પાપ કર્યું છે, તેવુ કહેવાય છે. જો કે આનો કોઈ સત્તાવાર આધાર કોઈ આપી શકયુ નથી.

મોદી કરી રહ્યા છે વિશિષ્ટ ગૌસેવા

ગાય, પશુપાલન કે માતેલા ખૂંટના સંદર્ભમાં જોઈએ તો, પોતાની જાતને કાયદાથી ઉપર સમજતા અને પ્રજા માટેના નાણાંકીય ગૌચરમાં ખુલ્લેઆમ ભેલાણ અને ચરાણ કરી ગયેલા કેટલાક બેમર્યાદ ખૂંટોને શિંગડે પકડીને મોદીએ વાડામાં પૂર્યા છે તો કેટલાક મારકણા ખૂંટો મોટુ ચરાણ કરીને વાડો ઠેકીને વિદેશમાં નાસી ગયા છે તેમના પૂંછડા આમળીને દેશના વાડામાં પરત લઈ આવવા માટેનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. તો કેટલાક સ્થાનિક ખૂંટો મોટુ ભેલાણ કરીને નાસી છૂટવાની તૈયારીમાં હતા તેમને પ્લેનમાંથી ઉતારીને હાલ તેમને યોગ્ય તે વાડા તરફ લઈ જવાની વ્યવસ્થા મોદી જે રીતે કરી રહ્યા છે તે જોતા બાકીના કેટલાક મોટા ખૂંટો ગરીબ ગીર ગાય જેવા થઈને બેઠા છે તે પ્રમાણે મોદી દેશના શ્રેષ્ઠ નીવડેલા ગોપાલક કે ગોવર્ધન પુરવાર થયા છે. ગરીબ ગીર ગાય જેવા સામાન્ય પ્રજાજનો હવે મોદીજી સમગ્ર સરકારી વહીવટી તંત્રની કામગીરી ૧૦૦% ઓનલાઈન અને સમય મર્યાદામાં સેવા મળે તેવી વ્યવસ્થા કરીને વહીવટી બેકાબૂ ખૂંટોના ભ્રષ્ટાચાર-અપમાન-વિલંબમાંથી પોતાને કઈ રીતે બચાવવાનું અભિયાન શરૂ કરે છે? તેની રાહ જોઈ રહ્યા છે.

સરકાર નાગરિકો માટે મોટર વ્હિકલ, ઈન્કમ ટેકસ કે અન્ય કડક કાયદાઓ કરે તે સાથે જવાબદારી કદી એકપક્ષી ન હોઈ શકે તેમ વહીવટી તંત્રની, અધિકારીઓની પણ જવાબદારી, દંડ નક્કી થશે તે દિવસે દેશના કરોડો ગાય જેવા નિર્દોષ નાગરિકોને પોતાના આપેલા ટેકસના નાણાં યોગ્ય રીતે આપ્યા છે તેવો અહેસાસ થશે અને મોદી પરની શ્રધ્ધા બળવત્ત્।ર બનશે. તાજેતરમાં એક મ્યુનિસિપલ કમિશ્નરે કેટલાક નિંભર અધિકારીઓને રૂ. ૧૧ લાખનો દંડ કરી સારી શરૂઆત કરી છે તો રિઝર્વ બેંકે પણ લોકોના નાણાં ખાતામાંથી આડેધડ કાપી લેતી બેંકો પોતાની ફરજ ચૂકે તો દૈનિક દંડની વ્યવસ્થા શરૂ કરી છે, તે એક સાચી દિશાનું અને બેલગામ ખૂંટોને કાબૂમાં લેવાનું યોગ્ય દિશાનું પગલું ગણી શકાય.

શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂષણરૂપ સ્થાનિક ખૂંટોને ડબ્બામાં પુરવાની અને નાણાંકીય ક્ષેત્રની ચરાણ વ્યવસ્થાને દેશના નાગરિકો માટે નિયમિત કરવાની કવાયત અને આવડત ધીમેધીમે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ પણ ધારણ કરી રહી છે. કાશ્મીરમાં અલગતાવાદી મારકણા ખૂંટોનું ખસીકરણ અને ડબ્બામાં પુર્યા પછી છેલ્લા ૭૦ વર્ષથી ભૂરાયો થયેલો એક પાડોશી ખૂંટ તાજેતરમાં ભારે ગભરાટ અનુભવી રહ્યો છે. ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ માં ભારે પ્રહારો પીઠ પર ખાધા પછી પણ આ ખૂંટ ફરી તોફાને ચડયો છે ત્યારે 'ગાય વાળે તે ગોવાળ' ન્યાયે POK નામના વાડાને મોદી કબજે કરે તે દિવસો દેશ માટે સુવર્ણયુગ અને ભારે હર્ષ્ષોલ્લાસના અને મોદી માટેના પ્રજા તરફથી શ્રેષ્ઠ ચાહત અને આદરના બની રહેશે. જે રીતે પડોશના ખૂંટને નાથ પહેરાવવા માટે અત્યારે જુદાજુદા દેશો સાથે પરામર્શ, સંકલન અને ટેકો મેળવાઈ રહ્યો છે તે જોતા મોદીના આંતરરાષ્ટ્રીય પ્રવાસોની ટીકા કરનારા પણ આ બાબતનું વ્યાજબીપણું સ્વીકારી રહ્યા છે તથા હવે એશિયન, આફ્રિકન રાષ્ટ્રો પણ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે મોદી તરફ મીટ માંડીને બેઠા છે.

 'હાઉડી મોદી' કાર્યક્રમમાં મોદીએ જે રીતે ખૂંટને લાલ કપડુ બતાવ્યુ તેને સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય નિહાળી રહ્યો છે. તાજેતરમાં જુલાઈ-૨૦૧૯ માં મારે મોઝામ્બિકના ઉર્જામંત્રીને માપુટોમાં મળવાનું થયુ તો પોતાના ઉર્જાક્ષેત્રના અને પર્યાવરણ સુધારણાના કામકાજમાં મોદી અમને મદદ કરશે તેવો આશાવાદ મોઝામ્બિકના મંત્રીએ પ્રગટ કર્યો અને અમારી સરકાર મોદીના શ્રેષ્ઠ સંકલન અને સહકાર માટે તૈયાર છે તેમ જણાવી શ્રી નરેન્દ્રભાઈના ભારે ગુણગાન ગાયા તે પરથી આ ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. ગાયો નિમિતે લખેલા આ લેખમાં થોડો હાસ્યરસ ઉમેરાય તો વાંચકોને આનંદ આવે તે હેતુથી આવી કેટલીક આડવાતો  ગાયો-ખૂંટ-પશુપાલનના સંદર્ભમાંથી લખાઈ રહી છે.            

ગીર ગાયની વિદેશોમાં વધુ કિંમત

ગીર ગાય તરફ પરત વળીએ તો એચએફ કે જર્સી ગાય આપણા દેશના વાતાવરણ, આબોહવા, ગરમી સાથે સુસંગત નથી. રોગો અનેક પ્રકારના થાય છે અને એચએફ કે જર્સી જેટલુ દૂધ ગીર ગાય કે કાંકરેજી ગાય આપી શકે છે તેવા દાખલાઓ આજે મોજૂદ છે જ. એચએફ કે જર્સી ગાયના દૂધમાં એ-૧ પ્રોર્ટીન હોય છે જેની નુકશાનકારક અસરો વિષે ખુદ ઓસ્ટ્રેલિયા-ન્યુઝિલેન્ડના પશુરોગ નિષ્ણાતોએ “Devil in the Milk” નામના પુસ્તકમાં વિસ્તારથી બતાવ્યુ છે તે બદલ ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડના વૈજ્ઞાનિકો અભિનંદનને પાત્ર છે. આ બાબત Google ઉપર જોઈ શકાય છે અને આજ ગાયોના પ્રચાર-પ્રચાર અને પદ્ધતિસરના આયોજનથી દેશી ગાયોની બ્રીડને ખતમ કરવાનું આયોજન શ્વેત ક્રાંતિના કહેવાતા પ્રણેતાઓએ કર્યું, તેવી ચારેબાજુ સામાન્ય છાપ છે. પરંતુ સત્ય અને સિંહને છૂટા મૂકો એટલે સાચી હકીકત પુરવાર કરવાની જરૂર રહેતી જ નથી. ખુદ ઓસ્ટ્રેલિયા-ન્યુઝિલેન્ડના પશુ વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું છે કે ભારતની દેશી ગાયો જેને ખૂંધ છે તે ગાયોનું દૂધ શ્રેષ્ઠ પ્રકારનું એ-ર પ્રોટીન ધરાવે છે અને આ દૂધ ડાયાબિટિસ, હાઈપર ટેન્શન, વાળ ખરવા, ચામડીના રોગો સામે શ્રેષ્ઠ રક્ષણ આપે છે અને આજે સ્થિતિ એવી થઈ છે કે ભારતની દેશી ગાયોનું દૂધ ઓસ્ટ્રેલિયા-ન્યુઝિલેન્ડ-યુએસએ માં ફકત પ્રિમિયમ સ્ટોર્સમાં જ અને ત્રણ ગણા ભાવે મળે છે અને ઘરઆંગણે આવી શ્રેષ્ઠ ગાયોની પ્રજાને કોઈ કિંમત નથી. ઘરનો જોગી જોગટો  જેવી હાલત છે.

પીઝા કે હોટેલોના ઉંચા બિલો કે મોંઘા મોબાઈલ અને અન્ય નકામી ચીજોમાં કિંમતની પરવા ન કરતી આપણી પ્રજા જયારે પોતાના શરીર કે કુટુંબીજનોના સ્વાસ્થ્યનો પ્રશ્ન આવે ત્યારે કિંમતનો વિચાર કરે છે તે ખેદજનક અને ના સમજાય તેવુ છે. ગીર ગાયના દૂધ અને ઘીના અનેક સ્વાસ્થ્ય સંબંધી ફાયદાઓ હવે વિજ્ઞાનની કસોટીમાં પુરવાર થઈ રહ્યા છે. ગીર ગાયના દૂધમાં સુવર્ણ રજકણો એટલે કે કેરોટીન છે તેવુ આયુર્વેદિક ગ્રંથોમાં કહ્યુ છે પરંતુ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો તાજેતરનો સંશોધન અહેવાલ એવુ કહે છે કે ફકત ગાયના દૂધમાં જ નહી પરંતુ ગીર ગાય ગૌમૂત્રમાં પણ સોનાના રજકણો મળી રહ્યા છે. ફકત ગીર ગાયની ખૂંધમાંથી શરૂ થઈ આંચલ સુધી જતી સૂર્યકેતુ નાડી સૂર્યના કિરણોમાંથી ગોકિરણને પોતાનામાં સમાવે છે જે સુવર્ણરજ 'કેરોટીન' ઉત્પન્ન કરે છે. એટલે જ ગીર ગાયનું દૂધ પીળુ હોય છે. લોકો બહારનું ખાઈને કે અનિયમિત લાઈફ સ્ટાઈલથી સ્ટેન્ટ, બાયપાસ, એન્જિયોપ્લાસ્ટી કે એન્જિયોગ્રાફીના લાખો રૂપિયાના મેડિકલ પેકેજ માટે પોતાની જાતને જાતે જ તૈયાર કરે છે. પરંતુ ગીર ગાયના ઘી અને દૂધથી આવી હાનિકારક અસરો નિવારવા માટે થોડો ખર્ચ કરવા પણ તૈયાર નથી તે પ્રજા તરીકે આપણી નિષ્ફળતા અને કમનસીબી જ છે. ગીર ગાયના ઘી થી વજન ઘટે છે. આંખોના નંબર સુધરે છે અને વાળ ખરતા અટકે છે કે ચામડી ચમકદાર બને છે. પરંતુ સાથેસાથે બહારના દૂધ-ઘી-બટર-ચીઝ-પનીર અને રિફાઈન્ડ ઓઈલનો ઉપયોગ પણ ગીર ગાયના ઉત્પાદનો સાથોસાથ કરતા રહે તો નુકસાન ફકત વાપરનારને જ નહી પરંતુ ગીર ગાયના દૂધ-ઘીની સારી અસરોને પણ વિપરિત કરી નાખે છે અને આખરે સારી બાબતને ખરાબ રીતે હેન્ડલ કરવાથી દેશી ગાયના દૂધ-ઘી ની સારી અસરો નષ્ટ થાય છે. દોષ છેવટે ગાયના દૂધ-ઘી ઉપર આવીને ઉભો રહે છે.

ગીર ગાય દેશની સર્વશ્રેષ્ઠ પ્રજાતિ

ખૈર, અદભૂત ગીર ગાયની વાતો તરફ આગળ વધીએ. ભારત સરકારના પશુપાલન સચિવે તાજેતરના ભૂતકાળમાં ગીરગાયને દેશની શ્રેષ્ઠ પ્રજાતિ તરીકે જાહેર કરી. ગીર અને દેશી ગાયોના સંવર્ધનની જાહેર કરેલી યોજનાઓને મોદી સરકારે આગળ વધારી છે તે આવકારદાયક બાબત છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ એક અત્યંત આવકારદાયક પગલુ ભરીને કાઠિયાવાડી અશ્વના સંવર્ધન માટે, લોક સાહિત્ય માટે સૌરાષ્ટ્ર યુનિ.માં યોજનાઓ શરૂ કરાવી અને ભંડોળ ફાળવ્યુ અને દેશનું સૌ પ્રથમ 'ગીર ગાય અભયારણ્ય' સૌરાષ્ટ્રમાં સ્થાપવાની તથા ગીર/કાંકરેજી ગાયોના સંરક્ષણ અને સંવર્ધન માટે ઉમદા કામગીરી કરી અને આ યોજનાઓથી ગીર ગાયના સંવર્ધનને ગુજરાતમાં મોટો વેગ મળ્યો છે તે એક મોટી રાહતની વાત છે. નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના ન હોવા છતાં ગીર ગાય, કાઠિયાવાડી અશ્વ કે લોકસાહિત્ય માટે આટલી મોટી સમજ કેળવીને સારી યોજનાઓ સારી રીતે અમલમાં મૂકે તેને એક દૈવી શુભ નિશાની જ ગણવી જોઈએ.

જે સારુકાર્ય અન્ય કોઈને દેખાતુ નથી કે સમજાતુ નથી તે શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યાનમાં તુરંત આવી જાય છે અને કરે છે ત્યારે લાગે છે કે કેટલાક સારા-સાચા કાર્યો જે ભૂતકાળમાં કરવાપાત્ર હતા છતાં જે તે સમયના શાસકો ન કરી શકયા અને આવા સારા કામો નરેન્દ્ર મોદીના હાથે થાય તે માટે કદાચ કુદરતે પડતર રહેવા દીધા, તે પણ એક નસીબનો સંકેત જ ગણી શકાય. જસદણ ખાતેનું કાઠિયાવાડી અશ્વ ઉછેર કેન્દ્ર મોદી સરકારના શ્રેષ્ઠ નિર્ણયો પૈકીનો એક નિર્ણય છે શ્રીમદ ભાગવતમાં કહ્યુ છે કે, સારા કાર્યો અને પવિત્ર ઉદેશો એના ગંતવ્ય સ્થાને અચૂક પહોંચે છે જ. કયાંક ધીમા પડે, નબળા પડે, વિલંબ થાય પરંતુ છેવટે ઈશ્વરીય સંકેતો દ્રઢપણે સારા કાર્યોને સારી વ્યકિતઓ મારફતે પૂરા કરાવે છે જ. આથી, ગીર ગાયના રક્ષણ માટે દ્રઢપણે કાયદાઓ સખત કરી ગુજરાતમાં ગૌવંશ હત્યા નાબૂદી માટે મોદી સરકારના ગુજરાતના પ્રયાસો તેમના પ્રધાનમંત્રી બન્યા પછી પણ વેગવાન બન્યા છે. ગોકુલ મિશન – કામધેનુ યુનિ. કે નેશનલ કાઉ કમિશનની રચનાથી દેશી ગાયોના સંવર્ધનને ચોક્કસ જીવનદાન મળ્યુ છે તે બદલ શ્રી મોદી વ્યકિતગત રીતે સમગ્ર દેશના ગૌપ્રેમીઓના આશીર્વાદ અને અભિનંદનના અધિકારી છે.

 ગીર ગાયના પુનરોદ્ધારના પ્રયાસો

છેલ્લા કેટલાક વર્ષોથી ગીર ગાયના મહત્વ વિષે સારી એવી જાગૃતિ આવતી ગઈ છે. સરકારી પ્રયાસો, નવી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી રહી છે. ખાસ કરીને બ્રાઝિલમાં ગીર ગાયના વિકાસની વાતો, ઇન્ટરનેટની સગવડો, શિક્ષિત વર્ગમાં એ-ર દૂધ વિષે જાગૃતિ અને સમયાંતરે અખબારોમાં આવતા અહેવાલો અને યુનિ.ઓના સંશોધન અહેવાલોથી ગીર ગાય વિષે ઉત્સુકતા, રસ અને જાળવણી અંગે વ્યાપક લોકમત ઉભો થયો છે. ભારતીય માનસમાં કોઈપણ વસ્તુ સ્ટેટસ સિમ્બોલ બને એટલે તેની કિંમત તુરત વધી જાય છે. ૧૯૬૦-૭૦ ના દાયકામાં મુંબઈ નિવાસીઓ લોનાવાલા, ખંડાલા, કરજત, પનવેલમાં ફાર્મહાઉસ ધરાવતા હોય તે સ્ટેટસ સિમ્બોલ ગણાતુ, એક સમયે ગુજરાતમાં ફાર્મમાં કાઠિયાવાડી અશ્વ રાખવો સ્ટેટસ ગણાતુ હવે, આ દેખાદેખીમાં ગીર ગાય આવી જતાં બીજુ બધુ જે કંઇ હોય પરંતુ ગીર ગાય રાખનારા વધ્યા એ એક શુભ નિશાની છે. તાજેતરમાં ગુજરાત સરકારે ખાનગી ગીર પાલકોને પણ પ્રોત્સાહનો આપતા સમગ્ર ગુજરાતમાંથી ફાળવેલ બજેટ કરતાં ૬૦ ગણી વધુ અરજીઓ સરકારને મળી હતી તે જ ગીર ગાયના બચાવનો મોટો અવસર બની ગયો. આજે ફકત ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશમાં ગીર ગાયની બોલબાલા વધી ગઈ છે. ફકત ગીર ગાય નહી પરંતુ કાંકરેજી, થરપારકર, સીંધી અને સાહિવાલ ગાયોના એ-ર અને પેસ્ચ્યુરાઈઝેશન સિવાયના દૂધની મોટી માંગ ઉભી થઈ રહી છે.

ગાયના દૂધના વેચાણને જબ્બર પ્રતિસાદ

પૂનામાં IIM ના ચાર વિદ્યાર્થીઓએ થરપારકર ગાયનું દૂધ વિતરણ કરવાનું શરૂ કર્યું છે. બેંગલોરમાં કેટલાક વિદ્યાર્થીઓએ પણ આજ રીતે દૂધના વિતરણનું કામ શરૂ કરતાં જબરદસ્ત પ્રોત્સાહન મળ્યુ છે. દેશી ગાયના દૂધની જરૂર અને ફાયદાઓને ધ્યાને લઈ ગુજરાતની અને બીજા રાજયોના ડેરી સહકારી ફેડરેશન્સ પણ સફાળા જાગ્યા છે અને દેશી ગાયના દૂધનું વિતરણ કરવામાં લાગી ગયા છે. વૈશ્વિક કુાં.ઓને દેશી ગાયના દૂધમાં હજારો કરોડ રૂપિયાનો ધંધો દેખાયો છે અને સમગ્ર દેશમાં દર ૫૦ કી.મી. પર ૨૦૦ ગીર ગાયો અથવા દેશી ગાયોના જૂથો બનાવી ખેડૂતો પાસેથી સારા ભાવે દૂધ લઈ પોતાની બ્રાન્ડ હેઠળ ઉંચા ભાવે વિતરણ અને માર્કેટિંગ કરવાની વ્યવસ્થામાં કુાં.ઓ વ્યસ્ત થઈ ગઈ છે. રેમન્ડ ગ્રુપે પોતાની ગ્રામ વિકાસની યોજના હેઠળ પૂના નજીક ગીર ગાયની શ્રેષ્ઠ વાછરડીઓ આઈવીએફ ટેકનોલોજી દ્વારા ઉત્પન્ન કરવાની શરૂઆત કરી દીધી છે. કેટલાક ખાનગી ગૌશાળાના સંચાલકો બ્રાઝિલની કુાં.ઓ. સાથે સંકલન કરી ફકત વાછરડીઓ જન્મે તેવા વીર્યના ડોઝ મેળવી રહ્યા છે. એકંદર ચિત્ર આશાજનક ઉપસી રહ્યુ છે. તેમાં સરકારના પ્રયાસો નોંધપાત્ર રહ્યા છે. સૌથી વધુ પ્રોત્સાહક પરિણામો ખાનગી ગીર ગાય પાલકો તરફથી મળી રહ્યા છે.

અમદાવાદ-સુરતના અને સૌરાષ્ટ્રના શ્રીમંતો પોતાના ફાર્મ હાઉસમાં ઉંચી કિંમતે શ્રેષ્ઠ ગીર ગાયો રાખીને ગૌરવ અનુભવે છે તો નિષ્ઠાપૂર્વક ગાયોની સેવા, સંવર્ધન કરતા લોકોની સંખ્યા પણ ઘણી સારી વધી છે. ગુજરાતમાં સૌથી વધુ સારી ગીર ગાયો અમદાવાદના ગોપાલ સુતરિયા ધરાવે છે અને મૂળ સૌરાષ્ટ્રના છે. રિયલ એસ્ટેટ, હીરાબજાર છોડી ગીર ગાયોની માવજત કરે છે અને હવે વ્યાવસાયિક રીતે પણ સારો વિકાસ કરી રહ્યા છે. હળવદના બી.કે.આહિર પણ ઘણી સારી ગીર ગાયો ધરાવે છે. ગીર ગાયોના મહત્વ વિષે રાજકોટના મનસુખભાઈ સુવાગિયાએ અથાક મહેનત કરી છે તેવું કહેવાય છે. જળક્રાંતિ અને ગીર ગાયોના મહત્વ વિષે તેઓ સતત પ્રચાર-પ્રચાર કરતાં રહે છે. રાજકોટના સેવાભાવી ઉદ્યોગપતિ શંભુ પરસાણાનું કુટુંબ શ્રેષ્ઠ ગીર ગાયો ધરાવે છે. સૌરાષ્ટ્રના અને સુરત-વલસાડમાં વસતા બિલ્ડરો-ઉદ્યોગપતિઓનો ગીર ગાયોના સંવર્ધનમાં સારો એવો ફાળો છે. પોરબંદરના કિશોર ઓડેદરા ગીર ગાયોને સંપૂર્ણ સમર્પિત છે. ભાવનાશાળી અને લાગણીશીલ કિશોર ઓડેદરાનો ગીર ગાયો માટેનો પ્રેમ તેમની આંખોમાં દેખાઈ આવે છે. જામકાના શ્રી પરશોત્ત્।મ પટેલ ગીર ગાયોના સંવર્ધનમાં ઉંડા ઉતરી ગયા છે. ભાવનગરના પ્રદિપસિંહ ગોહિલ ગીર ગાયોના આચાર્ય કે શ્રેષ્ઠ નિષ્ણાત ગણાય તેટલી હદે જ્ઞાન ધરાવે છે.

નિવૃત પોલીસ અધિકારીઓ દ્વારા શ્રેષ્ઠ ગૌસેવા

એક સમયના જાંબાઝ પોલીસ અધિકારી આર.ડી.ઝાલા (આઈપીએસ) નિવૃત થઈને પોતાની પ્રિય પ્રવૃત્ત્િ। એવી કાઠિયાવાડી અશ્વો અને થોડી ગીર ગાયો સાથે ધારીને અડીને આવેલા ગીર જંગલમાં સિંહો સાથે લગોલગ વસવાટ કરી રહ્યા છે અને પોતાના એકાંત વિશ્વમાં શ્રેષ્ઠ આનંદ માણી રહ્યા છે. જાજરમાન વ્યકિતત્વ અને બહોળુ મિત્રમંડળ ધરાવતાં સૌરાષ્ટ્રના ભરતસિંહ સરવૈયા નિવૃત પોલીસ અધિકારી છે પણ વડોદરાના પોતાના રિસોર્ટમાં રહીને ગીર ગાયોની સેવા કરી રહ્યા છે. આવા તો અનેક ગીરપાલકો પોતાની ઉમદા ફરજો નિભાવી એક મહાન રાષ્ટ્રીય સંવર્ધનના અભિયાનમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. ગોંડલની ગૌશાળા પણ કોઈ યુવાન સારી રીતે ચલાવી રહ્યા છે તો જસદણના સત્યજીત ખાચર, ભાડલાના દરબાર તથા ગોંડલના ભુવનેશ્વરી પીઠના ગાદીપતિ ઘનશ્યામ મહારાજ અને કેટલાક સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરો પણ ગીર ગાયોની ગૌશાળા ચલાવે છે. સમસ્ત મહાજનના શ્રી ગીરીશભાઈ શાહ પણ સક્રિય ઝુંબેશ ચલાવે છે. પરંતુ બીજા અનેક નામી-અનામી ગૌસેવકો કાર્યરત છે જ.

જય ગૌ માતા

ભલે મોંઘુ પડે પણ જોઈએ તો ગિર ગાયનું દૂધ - ઘી : લોકોમાં આકર્ષણ

જેમજેમ દેશી કે ગીર ગાયનો પ્રચાર-પ્રચાર વધતો જાય છે અને લોકોમાં હવે જાગૃતિ આવતી જાય છે તેમતેમ ગીર, કાંકરેજી, થરપારકર અને સાહિવાલ, રેડ સીંધી જેવી સારી ગાયોના દૂધની (પેસ્ચ્યુરાઈઝેશન વિના) માગ વધતી જાય છે. ધીમેધીમે શહેરના લોકો અને ખાસ કરીને ઈન્ટરનેટનું એક સારૂ પરિણામ એ આવ્યુ છે કે એ-ર દૂધ અને ઘી શું છે? અને તેના ફાયદાઓ વિષે તંદુરસ્તી બાબતમાં નાનકડો પણ સજાગ વર્ગ ખર્ચની ચિંતા કર્યા વિના ગીર ગાયના દૂધ-ઘી તરફ વળી રહયો છે તે એક સારી નિશાની છે. અમેરિકામાં તો ખાસ A-2 Corporation સ્થપાયુ છે જે એ-ર પ્રોડકટને સર્ટી આપે છે. યુએસએ/યુરોપમાં ગીર ગાયનું ઓર્ગેનિક ઘી રૂ. ૧૫,૦૦૦/-   કિલોના ભાવે વેચાય છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે ઉત્સાહજનક છે. સામા છેડે, પોતાને ભારતીય સંસ્કૃતિ-યોગ અને આયુર્વેદની પરંપરાઓનો ઠેકેદાર ગણાવીને પ્રજાના ભોળપણના ભોગે ધરખમ વેપાર કરી સમગ્ર દેશની પ્રજાને મૂર્ખ બનાવનાર કેટલાક બાબાઓ એચએફ અને જર્સી ગાયના ઘી ને ગાયનું દેશી ઘી કહી ખુલ્લેઆમ છેતરપિંડી કરી રહ્યા છે, તેવુ કહેવાય છે. ગાયનું ઘી ખરૂ પરંતુ દેશી ગાયનું છે? દેશી ગાયનું ઘી હોય કે ગાયનું દેશી ઘી? બાબાઓ કોઈ ચોખવટ નથી કરતાં. તમે થોડા લોકોને થોડો સમય મૂર્ખ બનાવી શકો પરંતુ બધા લોકોને કાયમ મૂર્ખ બનાવી શકાતા નથી. અંગ્રેજ શાસન સમયે દરેક વાઈસરોયને ચાર્જ સંભાળતી વખતે કેટલીક સૂચનાઓ સખ્તાઈપૂર્વક આપવામાં આવતી જેવી કે,

૧. ભારતીય પ્રજાના ધાર્મિક-સામાજિક રીતરિવાજોમાં દખલગીરી કદી નહી કરવી.

ર.  મહાત્મા ગાંધી સાથે કદી આંખ મિલાવીને વાત કરશો નહી. નહીંતર, કાયમ તમે ગાંધીજીની વાત માનતા થઈ જશો.

૩.  ભારતીય પ્રજા અભણ હશે પરંતુ મૂર્ખ નથી. પ્રજાને મૂર્ખ બનાવવાના પ્રયાસો લાંબા સમય સુધી ચાલશે નહી અને આ અભણ પ્રજા તુરત જ બધુ સાચુ-ખોટુ પારખી લેશે. અભણ પ્રજા મૂર્ખ હોય તેવુ જરૂરી નથી જ.

આ બાબતો આજે પણ સત્ય છે. ભારતીય પ્રજાને લાંબો સમય આયુર્વેદ, યોગ કે ગાયોને નામે મૂર્ખ બનાવી શકાતી નથી. સત્ય અને સિંહ છૂટા મૂકો એવુ આગળ કહ્યુ તેમ આપોઆપ સત્ય નિર્ભય રીતે છૂટથી બહાર ફરવા માંડે જ છે અને હવે અત્યારનો સમય ભયજનક રીતે સોશિયલ મિડિયાનો છે.

- દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પહેલુ

ભારત આજે દૂધ ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ છે અને ગુજરાત ચોથા ક્રમે છે. આગામી વર્ષોમાં ગુજરાત પ્રથમ ક્રમ પ્રાપ્ત કરશે તેવુ સ્પષ્ટ દેખાય છે. જો પશુપાલન વ્યવસ્થિત રીતે વિકસે તો ફકત પશુપાલન અને સંબંધિત પ્રવૃત્ત્િ।ઓ ગ્રામ્ય સ્તરે કરોડો લોકો, મહિલાઓને પૂર્ણ સમયની રોજગારી આપી શકે તેમ છે. એટલુ જ નહી, ગામડાઓ ભાંગતા અટકાવવામાં, ગામડામાં રોજગારી વધારવામાં અને છાણ તથા કૃષિ કચરામાંથી સીએનજી ગેસ અને કુદરતી ખાતર પૂરું પાડીને અબજો ડોલરની પેટ્રોલિયમ આયાત અને રાસાયણિક ખાતરોની આયાત અટકાવવામાં મદદરૂપ બની શકે અને આવા બચેલા અબજો રૂપિયા કેન્દ્ર સરકાર ગામડાઓના વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને જળસંચય, વૃક્ષારોપણમાં યોગ્ય રીતે વાપરે તો પર્યાવરણની મોટી સુરક્ષાનું મોટુ કદમ નરેન્દ્ર મોદી ઉઠાવી શકે તેવી અમાપ શકયતાઓ ગોપાલન ધરાવે છે. મહિલાઓને સ્વાવલંબન આપવામાં, ગ્રામ્ય અર્થતંત્રનો રાષ્ટ્રીય જીડીપી માં ફાળો વધારવામાં, પર્યાવરણ સુધારણા અને કરોડો ભારતીયોને શુધ્ધ, પોષણક્ષમ દૂધ પૂરું પાડી સમગ્ર દેશમાં ફીટનેસ મુવમેન્ટ વધારવામાં તથા બ્રાઝિલના ધોરણે એગ્રો-ટુરિઝમના વિકાસ દ્વારા ભારતનું નામ રોશન કરવામાં ગીર અને દેશી ગાયોનો મૂક ફાળો આગામી વર્ષોમાં મહત્વનો બની રહેવાનો છે.

ગાય આપણી માતા ! સૌરાષ્ટ્રમાં ગૌ આધારિત ખેતીનું મહત્વ સોળ આની

આપણી બાળકથાઓ, તહેવારો, ધાર્મિક પરંપરાઓ ગાયો સાથે જોડાયેલા છે. ગાયને માતા તરીકે જોવાની ભારતીય પરંપરા પ્રકૃતિ સાથેના તાલમેલનું જીવંત પ્રમાણ છે. પ્રકૃતિના પાંચેય તત્વોને પરમાત્મા સ્વરૂપે જોવાની આપણી ભાવના જ પર્યાવરણ પ્રત્યેનો આદર બતાવે છે. સમગ્ર પર્યાવરણીય, પ્રાકૃતિક પરંપરાના ચક્રમાં ગાય એક મહત્વનું અંગ છે. મૂળભૂત રીતે ભારતીય ખેતી ગાય આધારિત જ હતી અને વચ્ચેના રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગ અને બેહોશીના વિનાશક ગાળામાંથી બહાર આવી રહેલા કૃષિતંત્રને હવે રહીરહીને દૈવી ગાયના એકંદર મહત્વ વિષે જાણ થતાં હવે પુનઃ ગૌ આધારિત ખેતીનું મહત્વ વધતું જાય છે.

કદાચ સૌરાષ્ટ્રનું હવામાન, ઘાસના પ્રકારો, પાણીનું બંધારણ અને માટીની વિશિષ્ઠતાઓ અને સૌરાષ્ટ્રના ખુલ્લા વિસ્તારોમાં રહેતા માલધારીઓ પાસે રહેલી ગાયોમાંથી જ ગીર ગાય ક્રમશઃ વિકસતી ગઈ હશે. સૌરાષ્ટ્ર સિવાય જે જે વિસ્તારોમાં ગીર ગાયોને લઈ જવાઈ છે ત્યાં તેનું દૂધ અને તંદુરસ્તી પર અવળી અસરો જોવા મળી છે, તે પુરવાર કરે છે કે કુદરતે જે તે વિસ્તારમાં જે પશુ, પ્રાણીઓ, ફળ, ફૂલ, શાકભાજી, વનસ્પતિ, ધાન્યો વિગેરે વિકસાવ્યા હોય તેની પાછળ કોઈ નક્કર કારણો તો હશે જ. ઋતુ સિવાયના શાકભાજી/ફળો ખાવાની શરૂ થયેલી પરંપરા તંદુરસ્તી માટે વિપરિત પરિણામો લાવી શકે તેવુ જાણકાર વૈદ્યોનું કહેવું થાય છે. ગુજરાતના પ્રખર-તેજસ્વી વૈદ્યરાજો ઝંડુ ભટ્ટ અને ગઢડાના ચંદ્રશંકર દાદા પણ યોગાનુયોગ સૌરાષ્ટ્રના જ હતાં.

(2:52 pm IST)