Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

બિહાર :સીટ વહેંચણીને લઈને કુશવાહનું ભાજપને અલ્ટીમેટમ

૩૦મી નવેમ્બર સુધી કોઈ ફેંસલો કરવા ઉપેન્દ્ર કુશવાહની અપીલ :ભાજપે હજુ સુધી તેમની પાર્ટીને સન્માનજનક સીટો ફાળવી જ નથી :નારાજ ઉપેન્દ્ર કુશવાહની પ્રતિક્રિયા :એનડીએ સાથે ૩૦મી બાદ છેડો ફાડી શકે છે

પટણા, તા.૧૭ :વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચુંટણી માટે બિહારમાં એનડીએમાં જારી ખેંચતાણ વચ્ચે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. પાર્ટી પ્રમુખ અને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી ઉપેન્દ્ર કુશવાહે ભાજપને ૩૦મી નવેમ્બર સુધી બેઠકોની વહેંચણીને લઈને અંતિમ નિર્ણય લેવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. કુશવાહે સાફ શબ્દમાં કહ્યું છે કે ભાજપે હાલમાં તેમની પાર્ટીને સન્માનજનક સીટો આપી નથી. તેમને ભાજપનો પ્રસ્તાવ મંજુર થયો નથી. તેમણે એમ પણ કહ્યું છે કે હજુ વાતચીત ચાલી રહી છે પરંતુ ૩૦મી નવેમ્બરથી પહેલા ભાજપને આ અંગે અંતિમ નિર્ણય લેવો પડશે. શનિવારના દિવસે પટણામાં પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની  બેઠકથી પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે કુશવાહ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. અટકળો એવી પણ હતી કે કુશવાહ એનડીએથી બહાર નિકળવાન જાહેરાત કરી શકે છે. જોકે બેઠક બાદ કુશવાહે સાફ શબ્દોમાં કહ્યું હતું કેહાલમાં વાતચીત ચાલી રહી છે. નવેમ્બરના અંત સુધીમાં ભાજપને આ સંદર્ભમાં અંતિમ નિર્ણય લેવા માટે કહેવામાં આવી ચુક્યું છે. હકીકતમાં બિહારમાં ભાજપે જેડીયુની સાથે ૫૦-૫૦ની ફોર્મ્યુલા હેઠળ સીટ વહેંચણીની જાહેરાત કરી છે. આ વ્યવસ્થા હેઠળ ભાજપ અને જેડીયુ બંને રાજ્યમાં ૧૭-૧૭ સીટો પર ચુંટણી લડશે. એનડીએમાં સાથી પક્ષ એલજેપીને ચાર અને ઉપેન્દ્ર કુશવાહની પાર્ટીને બે સીટો આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી બિહારમાં એનડીએમાં ખેંચતાણ જારી છે. જેડીયુના પ્રદેશ અધ્યક્ષ નારાયણસિંહે કહ્યું છે કે રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી એનડીએમાંથી બહાર નીકળી જવાની સ્થિતિમાં એનડીએને કોઈ અસર થશે નહીં. આ નિવેદન બાદ બિહારમાં રાજકીય ખેંચતાણની સ્થિતિ જોવા મળી રહી છે. લોકસભાની ચુંટણીને લઈને તૈયારીઓમાં એનડીએ દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બિહારને લઈને ભાજપ પ્રમુખ અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર વચ્ચે બેઠક યોજાઈ ચુકી છે. જેમાં ૫૦-૫૦ ની ફોર્મ્યુલા પર કામ કરવામાં આવી ચુક્યું છે. અન્ય પક્ષોની હાલત કફોડી બનેલી છે. રામ વિલાસ પાસવાન પણ પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. હવે ઉપેન્દ્ર કુશવાહે અલ્ટીમેટમ આપતા ૩૦મી બાદ ઉપેન્દ્ર કુશવાહ પણ કોઈ મોટો નિર્ણય કરી શકે છે.

(7:41 pm IST)