Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

પેટ્રોલ છ મહિનાની સૌથી નીચી સપાટીએ

આ મહિને ૭૦ રૂપિયાની આસપાસ આવી જશે?

અમદાવાદ તા. ૧૭ : કયારેક ૮૨ રૂપિયાને પણ વટાવી ગયેલા પેટ્રોલની કિંમત પેટ્રોલ અને ડીઝલની કિંમતો છેલ્લા સતત એક મહિનાથી ઘટી રહી છે. જેના કારણે ઐતિહાસિક સપાટીએ પહોંચેલા પેટ્રોલ અને ડીઝલના ભાવો હાલ છ મહિનાનાં તળીયે આવી ગયાં છે. અમદાવાદમાં જ મે મહિના પછી આજે પહેલીવાર પેટ્રોલ ૭૪ રુપિયાથી સસ્તું થયું છે.

શહેરમાં આજે પેટ્રોલનો ભાવ ૭૩.૯૦ રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યો છે, જે છેલ્લા છ મહિનામાં સૌથી ઓછો છે. મહત્વનું છે કે, અમદાવાદમાં હજુ થોડા સમય પહેલા જ પેટ્રોલ ૮૨ રૂપિયાને પાર કરી ગયું હતું, જોકે કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારે તેના પર ટેકસ ઘટાડતા રાજયમાં પેટ્રોલ એક જ દિવસમાં ચારથી સાડા ચાર રુપિયા સસ્તું થયું હતું.

સરકારે ટેકસમાં ઘટાડો કરતા ઘટેલા પેટ્રોલના ભાવ ત્યારબાદ સતત ઘટી રહ્યા છે, અને તેની સાથે ડીઝલ પણ સસ્તું થયું છે. છેલ્લા સતત એક મહિનાથી બંનેના ભાવ સતત ઘટ્યા છે. એક સમયે ક્રુડ ઓઈલના ભાવોમાં જોરદાર ભડકો થતાં ઘરઆંગણે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ લાગી હતી, જેમાં ડોલર સામે સતત ઘસાતા રુપિયાએ બળતામાં ઘી હોમ્યું હતું.

અમેરિકાએ ભારત જેવા દેશોને ઈરાન પાસેથી ક્રુડ ન ખરીદવા માટે કહી દેતા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઈરાન પર લદાયેલા પ્રતિબંધોથી ક્રુડ ઉંચકાયું હતું. જોકે, હવે અમેરિકાએ આ પ્રતિબંધો હળવા બનાવી દેતા તેની અસર ઓસરી છે. વળી, હાલના સમયમાં ક્રુડનું પ્રોડકશન સરપ્લસ રહેવાના કારણે તેના ભાવ ગગડ્યા છે. વળી, રૂપિયો પણ મજબૂત થતાં પેટ્રોલ-ડીઝલ સસ્તા બન્યા છે.

પેટ્રોલ-ડીઝલના આસમાને આંબેલા ભાવને કારણે સરકાર પર ભારે પ્રેશર હતું. પાંચ રાજયોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે તેના કારણે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાઈ રહ્યા હોવાની ચર્ચા છે. જોકે, ક્રુડના ભાવ હાલના સમયમાં ઘટવાના કારણે ચૂંટણી સમયે જ સરકારને મોટી રાહત મળી છે. હાલના સમયમાં તેનો ફાયદો ઉઠાવી સરકાર ટેકસમાં વધારો કરશે તેવી શકયતા ઘણી ઓછી લાગી રહી છે.

એકસપર્ટ્સના જણાવ્યા અનુસાર, ક્રુડનું સરપ્લસ ઉત્પાદન ૨૦૧૯માં પણ જળવાઈ રહેવાની પૂરી શકયતા છે, કારણકે તેમાં કાપ મૂકવાને લઈને ઓપેક દેશો વચ્ચે કોઈ સહમતિ નથી સધાઈ શકી. ૨૦૧૯માં જ લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અને તે દરમિયાન જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થતાં મોદી સરકાર મોટી રાહત અનુભવી રહી છે.

(3:48 pm IST)