Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

જેટ એરવેઝને ખરીદી લેશે ટાટા ગૃપ?

પ્રારંભિક તબકકે વાતચીત શરૂ

મુંબઇ, તા.૧૭: મુંબઈઃ ટાટા સન્સએ શુકવારે જણાવ્યું કે તેમણે પ્રાઈવેટ સેકટરની સંકટગ્રસ્ત એરલાઈન્સ જેટ એરવેઝને ટેક ઓવર કરવા માટે અત્યાર સુધી કોઈ આઙ્ખફર નથી કરી. અત્યારે આ વાતચીત પ્રારંભિક તબક્કામાં છે. ટાટા જૂથ પહેલેથી જ વિસ્તારા અને એર એશિયા એમ ૨ એરલાઈન કંપનીઓમાં પાર્ટનર છે. આ બંને એરલાઈન્સ સંયુકત ઉદ્યમથી ચાલી રહી છે. વિસ્તારામાં સિંગાપોર એરલાઈન્સ અને એર એશિયામાં મલેશિયાની એર એશિયા કંપની પાર્ટનર છે.

એવી ચર્ચા હતી કે ટાટા ગૃપ નરેશ ગોયેલના નેતૃત્વ હેઠળના જેટ એરવેઝને સિંગાપોર એરલાઈન્સ સાથે મળીને સંપૂર્ણપણે ટેક ઓવર કરી લેશે. વિવિધ ક્ષેત્રોમાં સક્રિય ટાટા જૂથે જણાવ્યું કે શુક્રવારે બોર્ડ આફ ડિરેકટર્સની મીટીંગ યોજવામાં આવી હતી. ત્યાર બાદ સ્પષ્ટતા કરાઈ કે જેટને ટેક ઓવર કરવાની વાત અત્યારે માત્ર પ્રારંભિક તબક્કે જ ચાલી રહી છે. અત્યાર સુધી ટાટા જૂથે કોઈ પ્રસ્તાવ મૂકયો નથી.

બધી જ શકયતાઓને ધ્યાનમાં રાખીને જેટ એરવેઝના શેરમાં ૪૦ ટકાનો ઉછાળો આવ્યો છે. BSEમાં શુકવારે જેટનો શેર ૮ ટકા વધીને ૩૪૬.૮૫ રુપિયા પર પહોંચી ગયો હતો. બજારમાં એવી ચર્ચા છે કે જેટ એરવેઝને તારવા સરકાર ટાટા જૂથને વચ્ચે લાવી રહી છે. આ પહેલા ગુરુવારે કંપનીના શેરમાં ૨૬.૪૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

જેટ એરવેઝના ઉપ મુખ્ય કાર્યકારી અને મુખ્ય વિત્ત્। અધિકારી અમિત અગ્રવાલે આ અઠવાડિયે એ વાતની પુષ્ટિ કરી હતી કે તેમની કંપની ઈન્વેસ્ટ કરવા માંગતી કેટલીક પાર્ટીઓ સાથે વાતચીત કરી રહી છે. આ ઉપરાંત એરલાઈન પોતાના ૬ બોઈંગ ૭૭૭ વિમાન તથા લોયલ્ટી કાર્યક્રમ જેટ પ્રિવિલેજમાં પોતાનો હિસ્સો વેચવા જઈ રહી છે. જેટ એરવેઝમાં ગોયલ અને તેના પરિવારનો હિસ્સો ૫૧ ટકા તથા યુનાઈટેડ આરબ એમિરેટ્સની એતિહાદનો હિસ્સો ૨૪ ટકા છે.

આ વખતે સપ્ટેમ્બરમાં પૂર્ણ થતા કવાર્ટરમાં જેટ એરવેઝને ૧૨૬૧ કરોડનું નુકસાન થયું હતું. એક વર્ષ પહેલા આ જ કવાર્ટરમાં જેટને ૭૧ કરોડનો પ્રોફિટ થયો હતો. આ સતત ત્રીજી વાર જેટને નુકસાન થયું છે. મીડિયાની ખબર અનુસાર વિસ્તારા એરલાઈન્સ ચલાવતી ટાટા સિંગાપુર એરલાઈન્સ ઈચ્છે છે કે જેટ એરવેઝ તેની સાથે શેર આધારિત મર્જ થઈ જાય. શેર બજારને મોકલાયેલી સૂચનામાં આ ખબરને માત્ર અટકળ ગણાવવામાં આવી હતી.

(3:18 pm IST)