Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સબરીમાલા મંદિરમાં જવા આટલી બેચેન કેમ છે મહિલાઓ : તસ્લીમા નસરીન

ઢાકા તા. ૧૭ : વિવાદાસ્પદ બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને આશ્ચર્ય દર્શાવતા કહ્યું કે મહિલા કાર્યકર્તા કેરળના સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવા માટે આટલી ઉત્સુક કેમ છે. તેમણે કહ્યું કે મંદિરમાં જવું તેના કરતા મહિલાઓએ ગામડાઓમાં જવુ જોઇએ જયાં મહિલાઓ અનેક સમસ્યાઓ સામે લડી રહી છે. સબરીમાલા મંદિર બે મહિનાના તીર્થાટન માટે શુક્રવારે ખુલી ગયું છે. તસ્લીમાએ કહ્યુ, 'હું સમજી નથી શકતી કે મહિલાઓમાં સબરીમાલામાં પ્રવેશવા માટે આટલી અધીરાઇ કેમ છે.'

તેમણે ટ્વિટ કર્યું છે કે, 'મહિલાઓ ગામડામાં જાય તે વધારે સારૂ રહેશે. જયાં મહિલાઓને ઘરેલુ હિંસા, બળાત્કાર, યૌન ઉત્પીડન, ઘૃણા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જયાં છોકરીઓની શિક્ષા, સ્વાસ્થ્ય સંબંધીત સુવિધા પણ ત્યાં પહોંચી નથી. જયાં તેમને નોકરી કરવાની સ્વતંત્રતા નથી કે તેમને સમાન વેતન પણ નથી મળતું.'સબરીમાલા મંદિરના દર્શન કરવા શુક્રવારે ત્યાં પહોંચેલા ભૂમાતા બ્રિગેડના પ્રમુખ તૃપ્તિ દેસાઈને કોચ્ચિ એરપોર્ટ પર પ્રદર્શનકારીઓએ રોકી લીધા હતાં. ત્યાંથી બહાર નીકળવા દીધા નહીં. ત્યારબાદ આખો દિવસ એરપોર્ટ રહ્યાં બાદ તૃપ્તિ દેસાઈ મુંબઈ પરત ફર્યાં. તેમણે કહ્યું કે અમે નહતા ઈચ્છતા કે ત્યાં હિંસા થાય. આથી અમે પાછા ફર્યાં. આ વખતે અમે કહીને સબરીમાલા મંદિરના દર્શન માટે ગયા હતાં. પરંતુ હવે આગામી વખતે અમે કહ્યાં વગર જઈશું. આ માટે અમે ગોરીલા રણનીતિ અપનાવીશું. પોલીસે અમને ભરોસો અપાવ્યો છે કે હવે તેઓ અમને સુરક્ષા ઉપલબ્ધ કરાવશે.

(3:04 pm IST)