Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

કોંગ્રેસ અને ભાજપ એટલે 'સાપનાથ અને નાગનાથ' : માયાવતીનો આરોપ

રાયપુર તા. ૧૭ : બસપા પ્રમુખ માયાવતીએ સ્પષ્ટ કર્યુ છે કે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં બહુમતી ન મળવાની સ્થિતિમાં તેઓ ન તો ભાજપ સાથે ગઠબંધન કરશે કે  ન તો કોંગ્રેસની સાથે. તેમણે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ કે ભાજપ કોઈની સાથે નહીં જાય, કેમકે 'એક સાપનાથ છે તો બીજો નાગનાથ' છે. જયારે માયાવતીની હાજરીમાં અજીત જોગીએ કહ્યું હતું કે તેઓને બહુમતી ન મળે તો ભાજપ સાથે જવાની વાત કયારેય કરી નથી.

માયાવતીએ કહ્યું હતું કે અમને વિશ્વાસ છે કે અમને સંપૂર્ણ બહુમતી મળશે. તેમણે કહ્યું હતું, 'હું આશ્વસ્ત છું. જો જનાદેશ નહીં મળે તો અમે વિપક્ષમાં રહેવાનું પસંદ કરીશું. અમે ભાજપ કે કોંગ્રેસ કોઈની સાથે નહીં જઈએ. આ બંને પાર્ટીઓ ગરીબ લોકો અને કચડાયેલા વર્ગના લોકો માટેની હિતેચ્છુ પાર્ટીઓ નથી. પરંતુ મને પૂરતો ભરોસો છે કે અમારી ગઠબંધન પાર્ટીઓ કામ કરી રહી છે, અમને સંપૂર્ણ બહુમતી મળશે.'

આ અગાઉ અજીત જોગીને પૂછવામાં આવ્યું કે તમે સૌથી મોટી પાર્ટી બનીને આવો પણ તમારે બહુમતી માટે કોઈ પક્ષના સમર્થનની જરૂર પડે તો સૌ પહેલા કઈ પાર્ટી પાસે જશો, કોંગ્રેસ કે ભાજપ? જેના વિશે જોગીએ કહ્યું હતું કે અમે એ સ્થિતિમાં પહોંચીશું તો સીમા પાર કરીશું પણ અત્યારે અમને અમારા જોરે સરકાર બનાવીશું એ વાત પર ભરોસો છે. જો કે તેમણે કહ્યું હતું કે રાજનીતિમાં તમે કોઈપણ સંભાવના વિશે ઈનકાર ન કરી શકો. પરંતુ મને ભરોસો છે કે એવી સ્થિતિ નહીં સર્જાય.

(2:52 pm IST)