Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

મધ્ય પ્રદેશમાં ભાજપે અઢળક વાયદાનો વરસાવ્યો વરસાદ : યુવતીઓને મળશે સ્કૂટી

દર વર્ષે દશ લાખ રોજગાર પેદા કરવા વાયદો : નવું ઈન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ પણ સ્થાપિતકરવા વચન

ભોપાલ :મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના ઘોષણાપત્રને દ્રષ્ટિપત્ર નામ આપ્યું છે. મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી અને કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં ભાજપે દ્રષ્ટિપત્ર જાહેર કર્યું હતું. મધ્યપ્રદેશમાં ચોથી વખત સત્તામાં વાપસી કરવાની કોશિશ કરી રહેલા ભાજપે જનતાને અઢળક વાયદાઓ કર્યા છે.

  મધ્યપ્રદેશ સરકારે યુવાનોને નોકરી આપવા માટે દર વર્ષે દશ લાખ રોજગાર પેદા કરવાનો વાયદો કર્યો છે.શિવરાજસિંહ ચૌહાને કહ્યુ છે કે મધ્યપ્રદેશમાં નવું ઈન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ પણ સ્થાપિત કરવામાં આવશે. તેના સિવાય વ્યાપારી કલ્યાણ કોષની પણ સ્થાપના કરવામાં આવશે. શિવરાજસિંહે કહ્યુ છે કે જો ભાજપની મધ્યપ્રદેશમાં ફરીથી સરકાર બનશે તો બારમા ધોરણમાં 75 ટકાથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરનાર કિશોરીઓને તેમની સરકાર સ્કૂટી આપશે.

 તેમણે કહ્યુ છે કે ભાજપની સરકાર મહિલાઓના સશક્તિકરણમાં કોઈ કસર છોડશે નહીં. આ વખતે સરકારે નારીશક્તિ સંકલ્પ પત્ર પણ રજૂ કર્યું છે. તેમાં મહિલા સશક્તિકરણ માટે સ્વયં સહાયતા જૂથોની રચના કરવામાં આવશે. આના સિવાય તેજસ્વિની દ્વારા સ્વરોજગારનું અભિયાન પણ બનાવવામાં આવશે.

મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાને ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ નીમચ અને મંદસૌરની રેલીમાં સામેલ થયા છે.ગત વર્ષે મંદસૌર ખેડૂત આંદોલનનું કેન્દ્ર બની ગયું હતું. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંદસૌર વ્યા હતા. જેને કારણે ખેડૂતોની માગણીને લઈને પણ ભાજપ સાવધ છે.

(1:18 pm IST)