Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

રીઝર્વ બેન્ક ઉપર બાજ નજર ઈચ્છે છે સરકારઃ વધી શકે છે વિવાદ

રીઝર્વ બેન્ક ઉપર નજર વધારવા માટે સરકારે કેટલાક નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ તૈયાર કર્યોઃ સરકારના આ પગલાથી આરબીઆઈ બોર્ડની શકિત વધશેઃ બોર્ડમાં સરકાર દ્વારા નિમાયેલા સભ્યો હોય છે : સોમવારે આરબીઆઈ બોર્ડની બેઠકઃ સરપ્લસ ફંડ, બેડ લોનના નિયમોમાં ઢીલ આપવા જેવા વિષયો પર ચર્ચા થઈ શકે છે

નવી દિલ્હી, તા. ૧૭ :. સરકાર અને રીઝર્વ બેન્ક વચ્ચેનો ગતિરોધ સતત વધતો જણાય રહ્યો છે. રીઝર્વ બેન્ક પર નજર રાખવા માટે સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ મામલાથી જાણકાર લોકોનું કહેવુ છે કે, આનાથી દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા પર રોકાણકારોનો વિશ્વાસ નબળો પડી શકે છે. મોદી સરકારે આરબીઆઈ બોર્ડને નિર્દેશ આપ્યા છે કે ફાયનાન્સીયલ સ્ટેબીલીટી, મોનીટરી પોલીસી અને ફોરેન્સ એકસચેન્જ મેનેજમેન્ટ પર નજર રાખવા માટે એક પેનલ બનાવવામાં આવે.

સરકારના આ પગલાથી બોર્ડની શકિત વધશે. અત્રે નોંધનીય છે કે બોર્ડમાં સરકાર દ્વારા નિમાયેલા સભ્યો પણ હોય છે અને તેઓ નજર રાખવાનું કામ કરે છે. સોમવારે આરબીઆઈ બોર્ડની બેઠક યોજાવાની છે કેન્દ્રીય બેંક અને સરકાર વચ્ચેના ઝઘડાની સ્થિતિ અમેરિકા અને તુર્કિ જેવા દેશોમાં પણ બની ચૂકી છે.

સોમવારે યોજાનારી બેઠકમાં સરપ્લસ ફંડ, બેડલોનના નિયમોમાં ઢીલ આપવા જેવા વિષયો પર ચર્ચા થઈ શકે છે. જો કે સરકારનું કહેવુ છે કે, રીઝર્વ બેન્ક વિકાસમાં સહયોગ નથી આપતી. રીઝર્વ બેન્કનું કહેવુ છે કે સરપ્લસ ફંડ ટ્રાન્સફર કરવાથી તેની સ્વતંત્રતા નબળી પડશે અને બજાર પર પણ ખરાબ અસર પડશે.

સરકારના પ્રસ્તાવમાં બોર્ડના સભ્યોની અનેક કમીટીઓ બનાવવાની વાત જણાવવામાં આવી છે. આરબીઆઈ એકટ ૧૯૩૪ હેઠળ કેન્દ્રીય બેંક પાસે નિયમ બનાવવાના અધિકાર છે અને તેમા બંધારણીય ફેરફારની જરૂર નથી. આરબીઆઈ બોર્ડના સભ્યો પોતાના સૂચનો આપી શકે છે પરંતુ ફેંસલો લેવાનુ કામ ગવર્નર અને તેના સાથીઓનું હોય છે.

બોર્ડમાં મોદી સરકાર દ્વારા નિમાયેલ સભ્ય ગુરૂમૂર્તિએ રીઝર્વ બેન્કના આરક્ષિત ભંડારણના નિયમોમાં ફેરફારની વાત જણાવી હતી. તેમનુ કહેવુ છે કે રીઝર્વ બેન્ક પાસે ૯.૬ લાખ કરોડ રૂપિયાનો આરક્ષિત ભંડાર છે જે વિશ્વની કોઈપણ બેંક પાસે નથી. તેમણે કહ્યુ હતુ કે સરકાર અને બેંક વચ્ચે ગતિરોધ સારી વાત નથી. સોમવારે આરબીઆઈ બોર્ડની બેઠક મળી રહી છે. જેમાં પીસીએના નિયમો સરળ બનાવવા, આરક્ષિત ભંડારણને ઘટાડવા અને એમએસએમઈને લોેન વધારવા સહિત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા પર ચર્ચા થશે.

સરકાર ગયા મહિને રીઝર્વ બેન્ક ઉપર કલમ ૭નો ઉપયોગ કર્યો હતો જે ૮૩ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયો હતો.

(11:55 am IST)