Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

દિવા પાછળ અંધારૂ... ૧૮ મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ૪૦% ડાઉન

ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ઘટવા પાછળ નોટબંધી - જીએસટી : અયોગ્ય અમલથી આર્થિક અનિશ્ચિતતા : તમામ સેકટરમાં ઓપરેશ્નલ કોસ્ટ વધી : નાના - મધ્યમ ઉદ્યોગોની સ્થિતિ કફોડી : ઇન્ડસ્ટ્રીયલ સીકનેસ સૌથી મોટો મુદ્દો : પ્રોડકશન ઘટી રહ્યું છે

મુંબઇ તા. ૧૭ : એક બાજુ ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાતના નામે દેશ અને દુનિયાભરના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે જ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ ચેતવણીના સૂરમાં કહ્યું છે કે ઇન્ડસ્ટ્રી ભલે આવે પણ તેનું આઉટકમ કંઈ જ નથી આવતું. પાછલા દોઢ વર્ષમાં ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૪૦%નો ઘટાડો આવ્યો છે અને તેનું કારણ છે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન.

GCCIના પ્રેસિડેન્ટ જૈમિન વસાએ કહ્યું કે, 'ઇન્ડસ્ટ્રીય આઉટકમ નીચુ જવા પાછળ અનેક કારણો છે. જેવા કે નોટબંધી, જીએસટીનું ઉતાવળ સાથે અયોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન આ બધાના કારણે એક આર્થિક અનિશ્ચિતતા ફેલાઈ છે. જેના કારણે તમામ સેકટરમાં ઓપરેશનલ કોસ્ટ વધી ગઈ છે અને પેમેન્ટ સાયકલ ૪૫-૬૦ દિવસની થઈ ગઈ છે. આ કારણે પ્રોડકશન ઘટી રહ્યું છે.'

શુક્રવારે મીડિયા સાથે વાતચીત કરતા વસાએ કહ્યું કે, 'તેમાં પણ હાલમાં વધેલા ક્રુડ ઓઇલના ભાવ અને ડોલર સામે નબળા રૂપિયાના કારણે વેપારમાં ખૂબ મોટું ગાબડું પડ્યું છે. તેમાં પણ ખાસ કરીને MSME સેકટરની કંપનીઓને સૌથી વધુ નુકસાન વેઠવું પડ્યું છે. અમે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૯માં આ મુદ્દે રોકાણકારોનો વિશ્વાસ ગુમાવવા માગતા નથી માટે જ સરકાર સામે આ મુદ્દાને ધ્યાને પર લેવડાવ્યો છે.'

તેમણે વધુમાં કહ્યું કે, 'GCCIએ આ માટે એક લિસ્ટ પણ તૈયાર કર્યું છે. જેમાં ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળે તે માટેની જરૂરી ભલામણો અને તાત્કાલિક બચાવ થાય તે માટેના લેવા જરૂરી તમામ ઉપાયો સરકારને જણાવ્યા છે. જેથી ઇન્ડસ્ટ્રીના આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. ગુજરાતમાં બીજો સૌથી મોટો મુદ્દો હોય તો ઇન્ડસ્ટ્રીયલ સિકનેસ છે. રાજયામાં જો કોઈ નાની-મધ્યમ કદની ઇન્ડસ્ટ્રી ફાડચામાં જાય છે તો તેને ફરી બેઠી થવા માટે જોઈતી મદદ મળતી નથી તેના કારણે આ સેકટરમાં સ્થિતિ વધુ ખરાબ બની છે.'

તેમણે વધુમા કહ્યું કે 'ઇનપુટ ક્રેડિટ રિફંડ જેવી સિસ્ટમમાં નાણાં પરત મળવામાં થતા વિલંબના કારણે નાના અને મધ્ય કદના ઉદ્યોગધંધા માર્કેટમાં ટકી શકતા નથી અને આ કારણે સુરત તેમજ સૌરાષ્ટ્રમાં અનેક આવા ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને કાપડ સેકટર માટે GSTનું રીફંડ આજ સુધી ખૂબ જ મોડું આવી રહ્યું છે. જયારે આપણે ઓનલાઇન સિસ્ટમ કરી હોવા છતા આટલું બધું લેટ ઇન્ડસ્ટ્રી માટે ઘાતક પૂરવાર થઈ શકે છે.'

(11:02 am IST)