Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ભારતીય વાયુસેના પ્રમુખ વી.આર. ચૌધરીએ લદાખ એરબેઝની મુલાકાત લીધી

લદાખ મોરચે ભારત-ચીન વચ્ચે તણાવની સ્થિતિ : ભારતીય વાયુસેના પ્રમુખ વી.આર.ચૌધરીએ ભારતની તૈયારીઓની જાણકારી મેળવવાની સાથે સાથે એરબેઝના જવાનો અને પાયલોટ્સ સાથે પણ વાતચીત કરી હતી

લદાખ,તા.૧૭ : લદ્દાખ મોરચે ચીન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે વાયુસેના પ્રમુખ વી આર ચૌધરીએ આ વિસ્તારની મુલાકાત લીધી છે.

વાયુસેના પ્રમુખે અહીંયા વાયુસેનાની તૈયારીઓની જાણકારી મેળવી હતી.આ પહેલા આર્મી ચીફ જનરલ નરવણે પણ બે સપ્તાહ પહેલા લદ્દાખની મુલાકાતે આવી ચુકયા છે.

વાયુસેના પ્રમુખ વી આર ચૌધરીએ ભારતની તૈયારીઓની જાણકારી મેળવવાની સાથે સાથે એરબેઝના જવાનો અને પાયલોટ્સ સાથે પણ વાતચીત કરી હતી.આ પહેલા વાયુસેના દિવસ પર એર ચીફ માર્શલ ચૌધરીએ કહ્યુ હતુ કે, પૂર્વ લદ્દાખમાં ચીની સેનાની તૈનાતી વધી છે.

જોકે તેનાથી વાયુસેનાને બહુ ફરક પડતો નથી.

 ચીનની વાયુસેનાએ પણ લદ્દાખ નજીકના ત્રણ એર ફિલ્ડ પર પોતાની હાજરી વધારી દીધી છે.

 

 

 

 

 

દુર્ગા વિસર્જન કરી પાછા ફરતા ભાવિકો ઉપર બોમ્બથી હુમલો

બંગાળમાં તહેવારોને કલંકિત કરવાનું કારસ્તાન : હુમલામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ લઈ જવાયા

કોલકાતા,તા.૧૭ : પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં શનિવારે રાત્રે દુર્ગા માતાની પ્રતિમાનુ વિસર્જન કરીને પાછા ફરી રહેલા ભાવિકો પર ટોળાએ બોમ્બ વડે હુમલો કર્યો હતો.

બોમ્બ ધડાકાના પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.એ પછી ટોળાએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી.ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે હુમલાખોરો બાદમાં ફરાર થઈ ગયા હતા.

હુમલામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ લઈ જવાયા હતા.પોલીસનુ કહેવુ છે કે, હુમલાખોરોની હજી ઓળખ થઈ શકી નથી.આ તમામ હુમલાખોરો ફરાર છે.તેમને શોધવા માટો પોલીસની ટીમો બનાવાઈ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે દારુના પૈસા ચુકવવા બાબતે બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો.દુર્ગા વિસર્જન બાદ પાછા ફરી રહેલા ગ્રૂપ પાસે બીજા જૂથે પૈસા માંગ્યા હતા અને બંને જૂથો વચ્ચે ઝઘડો શરુ થયો હતો અને તેમની વચ્ચે મારપીટ થઈ હતી.

એ પછી બીજા જૂથે બોમ્બ ફેંક્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી.

(9:30 pm IST)