Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ફોટામાં રાજ ઠાકરેને ન ઓળખવા બદલ અપાઈ સજા :મરાઠી અભિનેત્રીએ વોચમેનને માર માર્યો

મુંબઈમાં રહીને રાજ ઠાકરેને ઓળખતો નથી એમ કહીને અભિનેત્રીએ ચોકીદારને માર માર્યો : માલવણી પોલીસે મરાઠી સિનેમાના નિર્દેશક, નિર્માતા અને તેના ડ્રાઈવરની ધરપકડ કરી અને અભિનેત્રીને નોટિસ આપી

  મુંબઈ : મરાઠી અભિનેત્રીએ ચોકીદારને મનસે ચીફ રાજ ઠાકરેના ફોટોને ન ઓળખવા બદલ ઉગ્ર રીતે માર માર્યો હતો. મુંબઈમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચોકીદારને માર મારનાર મહિલા મનસે કાર્યકર હોવાનું કહેવાય છે. મુંબઈની માલવણી પોલીસે મરાઠી સિનેમાના નિર્દેશક, નિર્માતા અને તેના ડ્રાઈવરની ધરપકડ કરી છે અને અભિનેત્રીને નોટિસ આપી છે

મુંબઈના મલાડ વેસ્ટ સ્થિત માલવાણી પોલીસ સ્ટેશનની પોલીસે આપેલી માહિતી મુજબ આરોપીઓ મુંબઈના મઢ વિસ્તારમાં જઈને ચોકીદારને માર મારતા હતા અને તેમની પાસેથી પૈસાની માંગણી કરતા હતા. એટલું જ નહીં, તેણે આ મારપીટનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. આ પછી પીડિત ચોકીદાર દયાનંદ ગૌડે માલવણી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવી. પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 452,385,323,504, 506,34 હેઠળ કેસ નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

ચારકોપ વિધાનસભાના મનસે વિભાગના પ્રમુખ દિનેશ સાલવીએ આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે ચોકીદારનું વર્તન યોગ્ય ન હતું.  મરાઠી નિર્માતા, દિગ્દર્શક અને એક મરાઠી અભિનેત્રી શૂટિંગ માટે સ્થળ જોવા માટે મઢ વિસ્તારમાં સ્થિત બંગલામાં ગયા હતા.

ત્યાં તૈનાત ચોકીદારે તેને એમ કહીને અંદર જવાની ના પાડી કે અંદર શૂટિંગ ચાલી રહ્યું છે. આ પછી મરાઠી અભિનેત્રીએ રાજ ઠાકરેનો ફોટો ચોકીદારને બતાવ્યો અને કહ્યું કે તે મનસે કાર્યકર છે. ચોકીદાર ફોટામાં રાજ ઠાકરેને ઓળખ્યો ન હતો.  મુંબઈમાં રહીને રાજ ઠાકરેને ઓળખતો નથી એમ કહીને અભિનેત્રીએ ચોકીદારને માર મારવાનું શરૂ કર્યું.

ચોકીદારે ભૂલ સ્વીકારી અને કહ્યું કે તેને ખબર નથી કે રાજ ઠાકરે કોણ છે. આ અંગે અભિનેત્રીએ કહ્યું કે તેના પગે પડીને માફી માંગે. જ્યારે વોચમેને ખુરશી પર બેસીને જ અભીનેત્રીના પગને સ્પર્શ કરીને માફી માંગી તો અભિનેત્રીએ તેને વધુ માર માર્યો. અભિનેત્રીએ કહ્યું કે નીચે વળીને પગે લાગ. આ પછી ચોકીદારે નમીને માફી માંગી.

આ પછી તેનો વીડિયો પણ વાયરલ થયો. ચોકીદારે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેની પાસેથી 50 હજાર રૂપિયાની પણ માંગણી કરવામાં આવી હતી, જોકે પૈસા માંગવાનું દ્રશ્ય વીડિયોમાં કેદ થયું નથી. મનસે વિભાગના પ્રમુખ દિનેશ સાલવી કહે છે, ‘ચોકીદાર પાસેથી ખંડણીની માંગ કોણ કરશે? આ તમામ આરોપો પાછળ રાજકારણ છે

(8:29 pm IST)