Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

પુત્રના શિક્ષણનો ખર્ચ આપવાનો પિતા ઇન્કાર કરી શકે નહીં : પુત્ર પુખ્ત ઉંમરનો થઇ ગયો છે તેવું બહાનું ચલાવી શકાય નહીં : છૂટાછેડા લીધા પછી પત્ની અને બાળકોને નિરાધાર ન છોડી શકાય : પુત્રના શિક્ષણ તથા પત્નીના નિભાવ માટે દર મહિને 15 હજાર રૂપિયા ચૂકવવાનો નામદાર કોર્ટનો હુકમ

ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે, પિતા તેના પુત્રના શિક્ષણ ખર્ચને પહોંચી વળવા માટે તેની જવાબદારીઓથી મુક્ત થઈ શકતા નથી, તે પુખ્ત વયનો થઇ ગયો છે તેવું બહાનું ચલાવી શકાય નહીં .  ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદે એક આદેશમાં કહ્યું કે માત્ર પુખ્ત વયની  ઉંમર પ્રાપ્ત કરવાથી પુત્ર કમાઈ રહ્યો છે તેવું માની શકાય નહીં.  18 વર્ષની ઉંમરે, દીકરો બારમા ધોરણમાંથી સ્નાતક થઈ શકે છે અથવા કોલેજના પ્રથમ વર્ષમાં હોય શકે છે.

વૈવાહિક વિવાદમાં દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પ્રસાદે કહ્યું, "માત્ર માતા કમાઈ રહી છે એટલા માટે પિતાને બાળકના ભરણપોષણની જવાબદારીથી વંચિત રાખી શકાય નહીં. બાળકોને ભણાવવાનો ખર્ચ ઉપાડવાનો સંપૂર્ણ બોજ માત્ર માતા ઉપર નાખી શકાય નહીં. કોર્ટે અવલોકન કર્યું કે CrPC ની કલમ 125 નો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે પતિ છૂટાછેડા પછી પત્ની અને બાળકોને નિરાધાર ન છોડે.

કોર્ટે ઉમેર્યું હતું કે "વ્યક્તિએ બાળકોનો આર્થિક બોજ પણ સહન કરવો જોઈએ જેથી તેના બાળકો સમાજમાં સમૃદ્ધ સ્થાન પ્રાપ્ત કરી શકે".
હકીકતમાં, નીચલી અદાલતના નિર્ણય પર ટિપ્પણી કરતી વખતે, હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે પુરુષ બાળકો પર ખર્ચ કર્યા પછી પત્નીને વળતર ચૂકવવા બંધાયેલો છે. જૂન 2021 માં ટ્રાયલ કોર્ટે વૈવાહિક વિવાદમાં એક માણસને આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી તેનો પુત્ર ગ્રેજ્યુએશન પૂરું ન કરે અથવા કમાણી શરૂ ન કરે ત્યાં સુધી તેની પત્ની અને બાળકોના ભરણપોષણ માટે દર મહિને 15,000 રૂપિયા ચૂકવે.

હાઇકોર્ટ સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે પુત્રએ  ઓગસ્ટ 2018 માં પુખ્ત વયની ઉંમર મેળવી લીધી છે. કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે પત્ની એક ગેઝેટેડ ઓફિસર છે જે દર મહિને 60,000 રૂપિયાથી વધુ કમાય છે અને તેના બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવે છે.

 નામદાર કોર્ટે જણાવ્યું હતું કે જે ઘરોમાં મહિલાઓ કામ કરે છે અને પોતાને ટકાવી રાખવા માટે પૂરતી કમાણી કરે છે, ત્યાં પણ પતિને રકમ ચૂકવવામાંથી મુક્તિ આપી શકાતી નથી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:52 pm IST)