Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

મણિપુર હવે વેકસીન લેવા માટે જાહેર કરાઇ બમ્‍પર ઇનામી યોજના

વેકસીન ડ્રોમાં લાભાર્થીઓને TV મોબાઇલ ફોન જીતવાની તક મળશે

નવી દિલ્‍હી  : વિશ્વભરમાં કોરોના વેક્સિન માટે લોકોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.ત્યારે હાલમાં મણિપુરમાં પણ વેક્સિનેશનને વેગ આપવા માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત વેક્સિન લેનારને ઈનામ આપવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતુ કે, મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં મેગા રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવશે. આ શિબિરમાં, જે લોકો કોવિડ -19 રસી મેળવે છે તેમને ટેલિવિઝન,મોબાઇલ ફોન જીતવાની તક મળશે.

વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે, ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લા વહીવટીતંત્ર રસીકરણનો વ્યાપ વધારવા માટે આ પહેલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, વહીવટીતંત્રે ‘શોટ લો, ઇનામ જીતો’ ના સૂત્ર સાથે મેગા રસીકરણ કમ બમ્પર ડ્રો કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. 24 ઓક્ટોબર, 31 ઓક્ટોબર અને 7 નવેમ્બરના રોજ જિલ્લાના ત્રણ કેન્દ્રો પર આ વેક્સિનેશન શિબિર યોજાશે. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ટી.એચ.કિરણકુમાર દ્વારા આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણ કેન્દ્રો પર રસી લેનારને બમ્પર ડ્રોમાં ભાગ લેવાની અને ઇનામો જીતવાની તક મળશે.

આ કાર્યક્રમ અંતર્ગત ઇનામમાં સ્ક્રીન ટેલિવિઝન સેટ, મોબાઇલ ફોન અને ધાબળા ઉપરાંત અન્ય 10 આશ્વાસન ઇનામો પણ આપવામાં આવશે.જાહેરનામા મુજબ,18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ કોવિડ -19 રસીકરણનો પ્રથમ અથવા બીજો ડોઝ  લે છે,તો એ આ સ્કીમનો લાભ લઈ શકશે.ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં જીએમ હોલ, પોલો ગ્રાઉન્ડ અને ધર્મશાળા સ્થિત ત્રણ કેન્દ્રો પર લકી ડ્રોના વિજેતાઓ નક્કી કરવામાં આવશે. રાજ્યના તમામ 16 જિલ્લાઓમાં સૌથી વધુ વસ્તી ઈમ્ફાલ જિલ્લાની છે. જેને કારણે આ પહેલથી વેક્સિનેશનને વેગ મળશે.

ભારતમાં રસીકરણની વાત કરીએ તો, અત્યાર સુધીમાં 97,65,89,540 લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 41,20,772 લોકોને રસી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ -19 વેક્સિનના 101.7 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

(4:00 pm IST)