Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ભારતમાં કોરોના કાબુમાં આવી રહ્યો છે!

નવા કેસની સાથે મોતની સંખ્યા પણ ઘટી

છેલ્લા ૧૫ દિવસમાં કેસ ૧૮ ટકા ઘટ્યા : મોતમાં પણ ૧૯ ટકાનો ઘટાડો

નવી દિલ્હી,તા.૧૭  : દેશમાં કોરોનાનો કહેર ધીમે ધીમે ઘટતો જણાય રહ્યો છે. ઓકટોબરના પ્રથમ પખવાડિયામાં ૧૫ દિવસના સમયગાળામાં સંક્રમણના નવા કેસોમાં ૧૮% ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે કોરોનાથી થતાં મૃત્યુ વિશે વાત કરો તો તેમાં પણ લગભગ ૧૯% જેટલો ઘટાડો જણાયો છે.

ભારતમાં આ મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં કોરોનાના ૧૦,૫૫,૦૬૮ નવા કેસ નોંધાયા છે. રાજય સરકારોના દૈનિક આંકડા મુજબ આ આંકડા ઓગસ્ટના પછી કોઈપણ પખવાડિયામાં સૌથી ઓછા આંકડા છે. સપ્ટેમ્બરના બીજા પખવાડિયાની તુલનામાં આ મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૮.૪% ઓછા કેસ નોંધાયા છે. આ સતત બીજુ પખવાડિયું છે જેમાં કોરોના વાયરસના સંક્રમણના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત પખવાડિયું (૧૬-૩૦ સપ્ટેમ્બર) દરમિયાન પ્રથમ વખત કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટાડો જોવા મળ્યો હતો. તે સમયગાળા દરમિયાન સંક્રમણના નવા કેસોમાં ૨.૯%નો ઘટાડો જોવા મળ્યો હતો.

કોરોનાથી મૃત્યુ પામનારા લોકો વિશે વાત કરવામાં આવે તો ઓકટોબરના પહેલા પખવાડિયામાં ૧૩,૪૭૪ મૃત્યુ નોંધાયા છે. જે પાછલા પખવાડિયાથી ૧૮.૯%ટકા જેટલા ઓછા છે. સપ્ટેમ્બરના પાછલા ૧૫ દિવસમાં પહેલીવાર મૃત્યુદરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જોકે તે ઘટાડો ફકત ૦.૨% હતો. જયારે સપ્ટેમ્બરના પહેલા પખવાડિયામાં, કોરોના સંક્રમણના કેસ અને કોરોનાથી મૃત્યુનાં કેસ તેના શિખરે હતા. તે પખવાડિયામાં દેશમાં કોરોનાના કુલ ૧૩,૩૧,૬૬૦ નવા કેસો નોંધાયા હતા(જે અગાઉના પખવાડિયાથી ૨૮.૭% વધારે હતા) અને ૧૬,૬૪૧ મૃત્યુ નોંધાયા છે, જે પાછલા ૧૫ દિવસની તુલનામાં ૧૫.૪% વધારે હતા.

બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનએ શુક્રવારે કહ્યું હતું કે શિયાળો અને તહેવારોનો સમય હોવાના કારણે આવતા અઢી મહિના કોરોના વાયરસ સામેની લડતમાં ખૂબ મહત્વના સાબિત થશે. હર્ષવર્ધને કહ્યું કે ભારતમાં ત્રણ કોવિડ -૧૯ રસી વિકસાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તેમાંથી એક કિલનિકલ ટ્રાયલ્સના ત્રીજા તબક્કામાં છે, જયારે બીજી બે ટ્રાયલ્સના બીજા તબક્કામાં છે. વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન હર્ષવર્ધનને આશા દર્શાવી હતી કે ભારત ટૂંક સમયમાં કોરાના વાયરસ રસીનું ઘરેલું ઉત્પાદન શરૂ કરશે.

હર્ષવર્ધનએ કહ્યું કે, કોરના વાયરસ સામેની લડતમાં આવતા અઢી મહિના આપણા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ બનશે કારણ કે શિયાળો અને તહેવારની મોસમ ચાલી રહી હશે. સંક્રમણ ફેલાતું અટકાવવા કોવિડ -૧૯ સંબંધિત સાવચેતી અને માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કરવાની દરેક નાગરિકની જવાબદારી છે. તેમણે કહ્યું કે વાયરસથી સમગ્ર વિશ્વમાં વિપરીત અસર થઈ છે, પરંતુ કેટલાક સામાન્ય સાવચેતીનાં પગલાં વાયરસના ચેપને ઘણી હદ સુધી રોકવામાં અસરકારક છે.

(9:56 am IST)