Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પ વર્ષમાં ૧૬ હજાર ખેડૂતોએ કરી આત્મહત્યા

રાજયમાં ભાજપા-શિવસેનાથી કોઇ ખુશ નથીઃ શરદ પવારનો મહારાષ્ટ્રમાં ચુંટણી પ્રચાર

નવી દિલ્હી તા. ૧૭: મહારાષ્ટ્રની ચુંટણીને ધ્યાનમાં રાખીને એનસીપી ચીફ શરદ પવારે ભાજપા અને શિવસેનાને ઘેરતા કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ૧૬ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. પવારે એવો પણ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં ભાજપા અને શિવસેનાથી કોઇ ખુશ નથી.

ગઇકાલે મુંબઇમાં એક સભામાં તેમણે કહ્યું કે ભાજપા અને શિવસેનાના શાસનથી મહારાષ્ટ્રમાં કોઇ ખુશ નથી. ગ્રામ્ય વિસ્તારના લોકો મને કહે છે કે, આ ભાજપા-શિવસેના શાસનથી ખરાબ કોઇ શાસન નથી જોયું.

આ દરમ્યાન પવારની પુત્રી અને પક્ષના નેતા સુપ્રિયા સુલે એ પણ ભાજપા-શિવસેનાની મજાક કરતા મંગળવારે રાત્રે થાણે જીલ્લાના કલ્યાણમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું કે, જો મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસને સહેલાઇથી જીતી જવાનો વિશ્વાસ છે તો અલગ અલગ કેન્દ્રીય પ્રધાનો અને દેશભરના વરિષ્ઠ ભાજપા નેતાઓ પોતાના પક્ષનો આટલો પ્રચાર કેમ કરી રહ્યા છે.

ગૃહ પ્રધાન અમિત શાહ પર હુમલો કરતા સુલે એ કહ્યું કે, ગૃહપ્રધાને રાજયમાં ઢગલાબંધ રેલીઓ કરી પણ તેઓ ઓગસ્ટમાં રાજયમાં જોરદાર વરસાદ અને પૂરની ભિષણ સ્થિતિ વખતે કોલ્હાપુર, સતારા અને સાંગલીમાં કેમ ન આવ્યા?

બીજી તરફ, શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેના મોટા પુત્ર આદિત્ય ઠાકરેના આ ચુંટણીમાં ભાગ લેવાથી મુંબઇની વર્લી બેઠક ચર્ચામાં છે. બધાની નજર હવે યુવા સેના પ્રમુખ પર છે. આદિત્ય પોતાના પરિવારના પહેલા એવા સભ્ય છે જે ચુંટણી લડી રહ્યા છે. ઠાકરે કોંગ્રેસી ઉમેદવાર અને દલિત નેતા સુરેશ માને સામે ચુંટણી લડી રહ્યા છે. જો ભાજપા-શિવસેના સત્તા પર આવશે તો શિવસેના તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવવા માંગે છે.

(3:38 pm IST)