Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

વિશ્વના સૌથી વધુ ધનવાન ૧૦૦ લોકોમાં ભલે અનેક ભારતીયના નામ હોવા છતા

આયકરના ચોપડે ૫૦૦ કરોડથી વધુ કમાણી કરનારા માત્ર ત્રણ લોકો છેઃ લાખો કમાતાની સંખ્યા ૮૧ લાખ

નવી દિલ્હી,તા.૧૭: દુનિયાના સૌથી ધનવાન ૧૦૦ અમીરોમાં ભલે દેશના ઘણા ધનકુબેરોના નામ સામેલ હોય પણ આવકવેરા વિભાગના આંકડાઓ માનીએ તો દેશમાં ફકત ત્રણ વ્યકિત એવા છે જેમની  વાર્ષિક આવક ૫૦૦ કરોડ રૂપિયાથી વધારે છે. જો કે આવકવેરા વિભાગે તેમના નામ જાહેર નથી કર્યા તે ઉપરાંત અર્થવ્યવસ્થામાં ભલે મંદી હોય પણ દેશમાં કરોડ પતિઓ વધ્યા છે.

આવકવેરા વિભાગના નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ ના આંકડાઓ મુજબ દેશમાં કરોડપતિઓની સંખ્યા ૨૦ ટકા વધી છે. આંકડાઓ અનુસાર એક કરોડથી વધારે કમાણી કરતા લોકોની સંખ્યા ૯૭,૬૮૯ છે. નાણાંકિય વર્ષ ૨૦૧૬-૧૭માં આવા કરોડપતિઓ ૮૧,૩૪૪ હતા. એક કરોડથી પાંચ કરોડની વચ્ચેની આવક ધરાવતા લોકો ૮૯,૭૯૩ છે. જ્યારે પ,૧૩૨ લોકોની કમાણી પથી ૧૦ કરોડ વચ્ચે છે. ૧૦ થી ૨૫ કરોડની આવકવાળા ૨ હજારથી વધારે છે.

પગાર દ્વારા લાખો કમાતા લોકોની સંખ્યા ૮૧ લાખ છે. તેમની વાર્ષિક આવક સાડા પાંચ લાખથી સાડા નવ લાખની વચ્ચે છે. એક કરોડથી વધારે કમાણી કરતા લોકોની સંખ્યા ૧.૬૭ લાખે પહોંચી ગઇ છે. તેમાં ગયા વર્ષેની સરખામણીમાં ૧૯ ટકાનો વધારો થયો છે.

કર્વી પ્રાઇવેટ વેલ્થના નવા રિપોર્ટ મુજબ દેશમાં લોકોની અંગત સંપતિમાં ૯.૬૨ ટકાનો વધારો થયો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯માં આવી કમાણીનો આંકડા ૪૩૦ કરોડે પહોંચી ગયો છ.ે કર્વીના ઇન્ડીયા વેલ્થ રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં અંગત સંપતિમાં બહુ ઝડપી વધારો થયો છે. તેના અનુસાર નાણાકીય ક્ષેત્રમાં કમાણી ૧૦.ં૯૬ ટકા વધી છે.

જ્યારે સમિતી અનુસાર શહેરી વિસ્તારોમાં રોજના ૪૭ રૂપિયા અને ગ્રામ્ય વિસ્તારોમાં ૩૨ રૂપિયા કમાતા ગરીબી રેખા નીચે જીવતા લોકો છે. સરકાર તરફથી ૨૦૧૮માં લોકસભામાં અપાયેલી માહિતી મુજબ દેશમાં ૨૭ કરોડ લોકો ગરીબી રેખાથી નીચે છે. જે કુલ વસ્તીના ૨૧.૯૨ ટકા છે.

(11:08 am IST)