Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સિંહ અને રાજનના ગાળામાં બેંકની પરિસ્થિતિ કફોડી હતી

રાજનના ગાળામાં એક ફોન પર લોન મળતી હતીઃ રાજનેતાઓના એક ફોન પર સરકારી બેંકોથી લોન અપાઈ હતી જેથી બેકો આજે પણ સજા ચુકવી રહી છે : નિર્મલા સીતારામન

નવીદિલ્હી, તા. ૧૬: અર્થવ્યવસ્થાને લઇને કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તથા ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના ગાળામાં દેશની સરકારી બેંકોએ પોતાના સૌથી ખરાબ સમયને નિહાળ્યો છે. ન્યુયોર્કમાં કોલમ્બિયા યુનિવર્સિટીના સ્કુલ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેયરમાં લેક્ચર આપતા સીતારામને કહ્યું હતું કે, તમામ સરકારી બેંકોમાં નવા પ્રાણ ફૂંકવા માટેની તેમની પ્રથમ પ્રાથમિકતા છે. કોલમ્બિયા યુનિવર્સિટીમાં ઇકોનોમિક પોલિસી ઉપર દિપક એન્ડ મીરારાજ સેન્ટર દ્વારા આયોજિત લેક્ચર દરમિયાન સીતારામને કહ્યું હતું કે, તેઓ રઘુરામ રાજનની એક મોટા સ્કોલર તરીકે સન્માન કરે છે જે એવા સમયમાં આરબીઆઈના ગવર્નર બન્યા હતા જ્યારે અર્થવ્યવસ્થામાં દરેક પ્રકારની સારી સ્થિતિ હતી. તેમણે કહ્યું હતું કે, રઘુરામ રાજન જ એ વખતે આરબીઆઈના ગવર્નર હતા જ્યારે માત્ર રાજનેતાઓના એક ફોન કોલ ઉપર સરકારી બેંકોમાંથી લોન મળતી હતી અને આની સજા આજે બેંકો ચુકવી રહી છે. સીતારામને કહ્યું હતું કે, મનમોહનસિંહ વડાપ્રધાન હતા. તેમને આ બાબતનો વિશ્વાસ છે કે, રાજન આ બાબતથી સહમત હશે કે ભારત માટે એક સુસંગત દ્રષ્ટિકોણ રહેવાની જરૂર હતી. હિતોની વ્યાપક અવગણના કરવામાં આવતી હતી. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, વેનેઝુએલા અને રશિયા પર અમેરિકી પ્રતિબંધ સહિત તમામ વૈશ્વિક પ્રતિબંધોના ભારતને પાળવાની જરૂર હતી પરંતુ પોતાની તાકાત અને વ્યૂહાત્મક હિતોની તે અવગણના કરી શકશે નહીં. નાણામંત્રીએ અન્ય વિવિધ વિષયો ઉપર વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં વેનેઝુએલાના તેલ ઉદ્યોગ પર કઠોર નિયંત્રણ લાગૂ કરવામાં આવ્યા છે. અમેરિકાના આ પગલાથી કેટલાક વૈશ્વિક ગ્રાહકોએ વેનેઝુએલા પાસેથી તેલની ખરીદી બંધ કરી દીધી છે. ઇન્ડિયન રિફાઈનર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ હેવીવેઇટ ઓઇલના કેટલાક વિકલ્પ પુરવઠાકારોમાંથી એક રશિયન કંપની રોઝનેફ્ટ પાસેથી ક્રૂડની ખરીદી કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતના વ્યૂહાત્મક હિતોના હેતુસર કેટલાક મુદ્દા મહત્વપૂર્ણ છે.

(10:00 pm IST)