Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

શિવરાજે ૨૧ હજાર જાહેરાતો કરી!! કામના નામે મોટું મીંડુઃ રાહુલની સટાસટી

મધ્ય પ્રદેશના આ ભ્રષ્ટ પરિવારને જનતા જાણી ગઇ છેઃચૂંટણીનો ધમધમાટ ચરમસીમાએ : કમલનાથનો અનુભવ અને સિંધીયાની ઉર્જા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વિજય અપાવશે... માધવરાવ સિંધીયાને કોંગ્રેસ પ્રમુખે યાદ કર્યાઃ વિજય મેળવી પહેલું કામ ખેડૂતો-યુવાનો-ગરીબો અને નાના ઉદ્યોગો માટે હાથ ધરાશે

મુરૈના (મ.પ્ર.) તા.૧૭: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના બે દિવસીય પ્રવાસના અંતિમ દિવસે રાજયની શિવરાજ સરકાર અને કેન્દ્રની ભાજપા સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ કહયું કે આ રાજયમાં સોૈથી ભ્રષ્ટ પરિવાર કોણ છે તે અહીંની પ્રજા બરાબર જાણે છે, રાહુલે શ્યોપુરના મેળાગ્રાઉન્ડમાં પરિવર્તન યાત્રાની સભાને સંબોધીત કરતા મંગળવારે શિવરાજસિંહ ચોૈહાણનું નામ લીધા વગર કહયું, '' આખા રાજયને ખબર છે અહીંયા ભ્રષ્ટ કોણ છે, ભ્રષ્ટાચાર કોણે કર્યા અને ભ્રષ્ટાચારમાં કોનો પરિવાર સંડોવાયેલો છે. વ્યાપમ કાંડના કારણે શિક્ષણની આખી સિસ્ટમ બરબાદ થઇ ગઇ છે.''

કોંગ્રેસ પ્રમુખે કહયું, ''કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને મધ્ય પ્રદેશમાં શિવરાજ ખાલી જાહેરાતો જ કરે છે. તમે જ જણાવો કે શિવરાજે અહીં કેટલા ઉદ્યોગો સ્થાપ્યા, કેટલી ફેકટરીઓ ચાલુ થઇ. આ લોકો જે કંઇ કામ કરે છે તે ફકત ઉદ્યોગપતિઓ માટે જ કરે છે.''

રાહુલે કહયું કે મધ્યપ્રદેશમાં કુપોષણથી બાળકો મરે છે, કુપોષણ દૂર કરવા માટે ભાજપ સરકારે કંઇ કામ નથી કર્યું. મુખ્ય પ્રધાન ખાલી જાહેરાતો કરે છે, મોટા મોટા ફોટા લગાવે છે પણ કરતાં કાંઇ નથી. રાજયમાં ત્રણ મોટી સમસ્યાઓ છે. કુપોષણ, ખેડૂતો અને યુવાઓ માટે રોજગારી પણ અહીં ૧૫ વર્ષથી ખાલી જાહેરાતો થાય છે કામ કેટલું થયું તે બધા જાણે છે.

તેમણે કહયું અંબાણી પર બેંકોનું ૪પ હજાર કરોડનું ઋણ છે. રાફેલ સોદામાં અંબાણીને સીધો ૩૦૦૦૦ કરોડનો લાભ કરી દેવાયો છે. આ દેશના ચોકીદારે તમારા ખીસ્સાના પૈસા અંબાણીના ખીસ્સામાં નાખી દીધા છે.

રાહુલ ગાંધીએ સિંધીયા રાજ પરીવારના પ્રતિનિધી અને સ્વર્ગસ્થ ભુતપુર્વ કેન્દ્રીય પ્રધાન માધવરાવ સિંધીયાને યાદ કરતા કહયું કે સિંધીયાએ રાજય માટે ઘણુ કામ કર્યુ હતું એ દુઃખદ બાબત છે કે આપણે તેમને ગુમાવી દીધા છે. તેમના જવાથી મધ્યપ્રદેશને તો નુકશાન થયંુ જ છે, દેશને પણ નુકશાન થયું છે.

કોંગ્રેસ પ્રમુખે યુવાઓને કહયું કમલનાથનો અનુભવ અને સિંધીયાની ઉર્જા કોંગ્રેસને જીતાડશે. સરકાર બન્યા પછી જે કોઇ મુખ્યપ્રધાન બનશે તે સૌ પહેલા ખેડુતો યુવાનો ગરીબો અને નાના ઉદ્યોગો માટે કામ કરશે. જેથી સૌને રોજગાર મળે.

આ સભામાં ભુતપુર્વ મુખ્ય પ્રધાન દિગ્વીજયસિંહ, રાજયપ્રભારી દિપક બાવરીયા, વર્ષા ગાયકવાડ, કુંજ બિહારી શરાફ, રામનિવાસ રાવત, બ્રીજરાજસિંહ, બદ્રીપ્રસાદ રાવત, ઓમ રાઠોર, અતુલ ચૌહાણ, ભારતીસિંહ તોમર, સત્યનારાયણ ચૌહાણ, બાલુ જંડેલજી સહીત કોંગ્રેસના અન્ય નેતાઓ, કાર્યકર્તાઓ અને જનમેદની હાજર હતી.

રાહુલે ત્યાર પછી સબલગઢ અને જૌરામાં જનસભાને સંબોધીત કરી હતી અને જોૈરાથી મુરૈના સુધી (ર૬ કિલોમીટર) રોડ શો કર્યો હતો. રસ્તામાં કેટલીય જગ્યાઓએ બસ રોકાવીને તેમણે લોકો સાથે હાથ મિલાવ્યા હતા. (૧.૧૩)

(3:53 pm IST)