Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કોંગ્રેસ પણ સોફટ હિન્દુત્વ તરફઃ યુ.પી.માં કન્યા પૂજન-ફળાહારનું આયોજન

ગયા વર્ષે મુખ્યમંત્રી આદિત્યનાથના જે કાર્યક્રમની ટીકા કરી હતી તે જ કાર્યક્રમનું કોંગ્રેસ દ્વારા આયોજન!!! : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજયોમાં પ્રચાર દરમિયાન મંદીરો-ગુરૂદ્વારામાં માથુ ટેકવે છેઃ લોકસભાની ચુંટણીમાં હિન્દુ મતો અંકે કરવા કવાયત

 લખનૌઃ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી આદિત્યનાથની જેમ કોંગ્રેસ પણ હવે નવરાત્રીમાં કન્યા પૂજન કરાવવા જઇ રહી છે. કન્યા પૂજન બાદ ફળાહારનું પણ આયોજન કરવામાં આવનાર છે. જો કે ગયા વર્ષે કોંગ્રેસે યોગી આદિત્યનાથના કન્યા પૂજનના આયોજનની ખુબ જ આલોચના કરી હતી.

 કોંગ્રેસને લોકસભા અને ત્યારબાદ વિવિધ રાજયોની ધારાસભાની ચુંટણીઓમાં હારનો સ્વાદ ચાખવા મળતા તે સોફટ હિન્દુત્વ ઉપર ચાલવા મંડી છે. તેના ઉદાહરણ રૂપે ગુજરાત ધારાસભાની ચુંટણી પહેલા રાહુલગાંધી મંદીરે પુજા અર્ચના કરતા નજરે પડતા હતા. સંતો-મહંતોના આર્શીવાદ લઇ રહયા હતા. તેમણે એ બતાવવાની કોશીશ કરેલ કે  કોંગ્રેસ હિન્દુઓની હિમાયતી છે. અને તે ફકત મુસ્લીમો વિશે જ નથી વિચારતી કોંગ્રેસને ગુજરાતની ચુંટણીઓમાં આનાથી ફાયદો પણ મળ્યો હતો અને સત્તારૂટ ભાજપને જોરદાર ટકકર પણ આપી હતી. સત્તામાં ન આવવા છતા કોંગ્રેસમાં નવો જીવ જરૂર આવી ગયો હતો.

 આ સીલસીલો ઉત્તરાખંડમાં પણ રાહુલે જાળવી રાખ્યો હતો પણ તેનો ફાયદો ચુંટણીમાં મળ્યો ન હતો. જયારે ઉત્તરપ્રદેશમાં રાહુલે સોફટ હિન્દુત્વથી અંતર રાખ્યું હતુ કેમકે યુપીમાં મુસ્લિમ સમુદાય મોટો હોવાથી તેમના મત ગુમાવવાનો ભય હતો. ગઇકાલે જ મધ્યપ્રદેશનો બે દિવસીય પ્રવાસ કરનાર રાહુલ ગાંધીએ અહિયા પણ મંદીર ગુરૂદ્વારામાં માથુ ટેકવ્યું હતુ. રાહુલ કૈલાશ માનસરોવર પણ દર્શન કરવા ગયા હતા.

 ઉત્તરપ્રદેશમાં કન્યા પૂજન દ્વારા કોંગ્રેસ એ જતાવવાનો પ્રયાસ કરશે કે ફકત ભાજપ જ નહિ અમે પણ હિન્દુઓના હિતેચ્છુ છીએ. ભલે ધારાસભાની ચુંટણીમાં કોંગ્રેસ સોફટ હિન્દુત્વથી દુર રહી હતી પણ આવનારી લોકસભાની ચુંટણીમાં તેઓ હિન્દુઓના મત મેળવવા યુપીમાં આ પ્રકારના વધુ કાર્યક્રમો કરે તેવી ધારણા છે.

(3:44 pm IST)