Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

પીએમ પદ માટે રાહુલ કરતાં માયાવતી બહેતર : BSP

નવી દિલ્હી તા. ૧૭ : લોકસભા ચૂંટણી-ર૦૧૯માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુુલ ગાંધીની વડા પ્રધાનપદ માટેની દાવેદારી સામે વિરોધ પક્ષોમાં જ અત્યારથી સવાલો ઊભા થવા લાગ્યા છે. બસપાના એક વરિષ્ઠ નેતાએ ચોંકાવનારું નિવેદન કરતાં જણાવ્યું છે કે વડા પ્રધાનપદ માટે રાહુુલ ગાંધી કરતાં બસપાનાં સુપ્રીમો માયાવતી વધુ શ્રેષ્ઠ ઉમેદવાર છે. વિરોધ પક્ષના નેતા પણ તેમને પીએમ તરીકે જોવા માગે છે.

બસપાના પ્રવકતા સુધીન્દ્ર ભદોરિયાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તુલનાએ લોકો અને વિપક્ષ બંને માયાવતીનેે સૌથી વધુ પસંદ કરે છે.

ભદોરિયાએ જણાવ્યું છે કે માયાવતી ચાર વખત ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન રહી ચૂકયા છે. કોંગ્રેસ પક્ષના અધ્યક્ષની સરખામણીએ પક્ષ અધ્યક્ષ અને મુખ્યપ્રધાન તરીકે માયાવતીને સુદીર્ઘ અનુભવ છે. આ જ કારણસર તમામ લોકો માયાવતીને વડા પ્રધાન તરીકે જોવા ઇચ્છે છે.

બસપા અધ્યક્ષ માયાવતીએ એક અખબારી યાદી જાહેર કરીને સુુધીન્દ્ર ભદોરિયાને સત્તાવાર પ્રવકતા જાહેર કર્યા હતા, તેમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં સુધીન્દ્ર ભદોરિયા સિવાય અન્ય કોઇ વ્યકિતને કોઇ પણ સ્તરે પક્ષના પ્રવકતા કે બસપાના સમર્થક વગેરે તરીકે પણ મીડિયામાં પોતાની વાત કે પાર્ટીનો પક્ષ રજૂ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા નથી.

(3:30 pm IST)