Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ઉપલેટા નજીક ક્રિષ્ના સ્કૂલમાંથી શકિતશાળી બોમ્બ મળ્યોઃ ખળભળાટ

મોડી રાત્રે રાજકોટની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે ૮ ડિટોનેટર અને ૯ જીલેટીન સ્ટીક અને બેટરી સહિત આધુનિક ઢબે બનાવાયેલો બોમ્બ ડિફયુસ કર્યોઃ ભૂતપૂર્વ વિદ્યાર્થીના નામે ચિઠ્ઠી સાથે ભગવાનની મુર્તિ ગિફટપેક કરી હોવાનું જણાવાયુ હતું: રવિવારે સાંજના ચોક્કસ સમયે પરિવારજનોની હાજરીમાં જ પાર્સલ ખોલી મુર્તિ પ્રતિષ્ઠા કરવા સુચના લખી હતીઃ સ્કૂલના પ્રિન્સીપાલ કમ સંચાલક ડોબરીયાએ ગત સાંજે પાર્સલ ખોલતાં બોમ્બ નીકળ્યોઃ જે છાત્રના નામનો ઉલ્લેખ છે તેવો કોઇ સ્કૂલના ચોપડે નોંધાયેલો નથીઃ ડોબરીયા સાથેની અંગત અદાવતમાં પરિવારને ઉડાવી દેવા બોમ્બ મોકલાયાની શંકા : ઉપલેટામાં બોમ્બ સામગ્રી કોણે મોકલેલી ? તપાસનો ધમધમાટઃ રાજકોટ રેન્જના ઇન્ચાર્જ આઇજીપી સુભાષ ત્રિવેદી ઉપલેટા પહોંચ્યા

એસપી કચેરી ખાતે માહિતી આપી રહેલા એસ પી શ્રી બલરામ મીના તથા બોમ્બ જેમાં મોકલાયો હતો તે પાર્સલ જોઇ શકાય છે : ઉપલેટાઃ પોરબંદર રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કૂલમાં જીવતો બોમ્બ મળી આવતા દોડધામ મચી ગઈ હતી. ઉપરોકત તસ્વીરમાં સ્કૂલ અને શાળા સંચાલક વલ્લભભાઈ ડોબરીયા નજરે પડે છે (તસ્વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

રાજકોટ તા. ૧૭: ઉપલેટા હાઇવે ઉપર આવેલી ક્રિષ્ના સ્કૂલમાંથી મળી આવેલા પાર્સલ બોમ્બે સનસનાટી મચાવી દીધી છે. શકિતશાળી મનાતો આ બોમ્બ શનિ અને રવિવારે સ્કૂલ ઉપર સંભવતઃ આંગડીયા મારફત મોકલાયો હતો. આ પાર્સલ ગઇ મોડી સાંજે જવાબદાર લોકોએ ખોલતા તેમાં નજરે પડેલી સામગ્રી જોઇ ચોંકી ઉઠ્યા હતા અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. આ ઘટનાની ઉપલેટા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ભૂતપુર્વ વિદ્યાર્થીના નામથી એક પાર્સલ સ્કૂલ સંચાલક કમ પ્રિન્સીપાલને મોકલાયું હતું. પણ પોલીસે તપાસ કરતાં જે નામથી પાર્સલ આવ્યું છે તે નામનો કોઇ ભૂતપૂર્વ છાત્ર નથી. આ જોતાં પ્રિન્સીપાલ-સંચાલકને કોઇ અંગત અદાવતમાં પરિવારજનો સાથે ઢાળી દેવાનો પ્લાન હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. સદ્દનસિબે બોમ્બ ન ફુટતાં ભયંકર ઘટના ઘટતી અટકી ગઇ છે. પોલીસે મુળ સુધી પહોંચવા દોડધામ શરૂ કરી છે.

ક્રિષ્ના સ્કૂલના સંચાલક કમ પ્રિન્સીપાલ શ્રી ડોબરીયા મારફત જાણ થતાં રાજકોટથી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પહોંચી હતી. પ્રાથમિક તબક્કે આ પાર્સલમાં જે ગોઠવણ થઇ હતી તે બોમ્બ હોવાનું જણાતા રાજકોટ સીટીની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવાઇ હતી. આ સ્કવોડે સ્થાનિક જગ્યાએ પહોંચી તપાસ કરતા ૮ જીલેટીન સ્ટીક, ૯ ડિટોનેટર અને અર્થીંગ માટે ફીટ કરાયેલી બેટરી સહિતનો આ બોમ્બ થોડા સમય પહેલા રાજકોટના બાપુનગર વિસ્તારમાંથી ઝડપાયેલા બોમ્બથી પણ વધુ શકિતશાળી જણાયો હતો. બોમ્બ સ્કવોડે તમામ તકેદારીઓ રાખી સ્થાનિક લોકોને દૂર ખસેડી બોમ્બ ડિફયુસ કરી નાખ્યો હતો.

રાજકોટ જીલ્લા પોલીસ વડાશ્રી બલરામ મીનાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે મોડી રાત્રે જાણ થતાં રાજકોટની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પહોંચી હતી અને શકિતશાળી બોમ્બ ડિફયુઝ કરવામાં સફળતા મેળવી હતી. આ બોમ્બ જે પાર્સલમાં મોકલાયો હતો તેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીના નામે ચિઠ્ઠી હતી. અને પાર્સલ સાથે ભગવાનની મુર્તિ ગિફટપેક કરી હોવાનું જણાવાયુ હતું. તેમજ આ પાર્સલ રવિવારે સાંજના ચોક્કસ સમયે પરિવારજનોની હાજરીમાં જ ખોલી મુર્તિ પ્રતિષ્ઠા કરવા સુચના લખી હતી.

સ્કૂલના પ્રિન્સીપાલ કમ સંચાલક ડોબરીયાએ ગત સાંજે પાર્સલ ખોલતાં બોમ્બ નીકળ્યો. જે છાત્રના નામનો ઉલ્લેખ છે તેવો કોઇ સ્કૂલના ચોપડે નોંધાયેલો નથી. આ જોતાં ડોબરીયા સાથેની અંગત અદાવતમાં પરિવારને ઉડાવી દેવા બોમ્બ મોકલાયાની શંકાએ વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે.

પાર્સલ શનિવારે આવ્યું હતું અને રવિવારે ખોલવાનું કહ્યું હતું. એ જોતાં સ્કૂલના કોઇ છાત્રોને જાનહાની ન થાય તેવી તકેદારી રખાયાનું જણાય છે. બોમ્બમાં ટાઇમર નહોતું પણ ખાસ સ્વીચ હતી. જો તે કોઇ રીતે દબાઇ જાય તો બ્લાસ્ટ થાય તેવી ગોઠવણી હતી. બોમ્બ કોણે અને શા માટે મોકલ્યો? તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે.

થોડા વર્ષો પહેલા ઉપલેટામાં બોમ્બ વિસ્ફોટ થતા કરવેરા સલાહકાર અને કોંગ્રેસ

આગેવાનનો ભોગ લેવાયો હતોઃ એક વ્યકિતને ગંભીર ઈજા થઈ'તી

ઉપલેટા, તા. ૧૭ :. ઉપલેટાના પોરબંદર રોડ પર આવેલ ક્રિષ્ના સ્કૂલમાં જીવતો બોમ્બ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જો કે બોમ્બને ડીસ્ફયુઝ કરી દેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉપલેટામાં થોડા વર્ષો પહેલા આવી જ રીતે એક પાર્સલ બોમ્બ મળ્યો હતો. જેમાં વિસ્ફોટ થતા બે વ્યકિતનો ભોગ લેવાયો હતો.

ઉપલેટાના ગાંધી ચોકમાં જાણીતા આર્કિટેકટ અને કરવેરા સલાહકાર રતીલાલ જે. પાદરીયાની ઓફિસમાં પાર્સલ બોમ્બ મળી આવ્યો હતો. જે પાર્સલ બોમ્બ ફુટતા રતીલાલ પાદરીયા અને કોંગ્રેસના આગેવાન ગીરીશભાઈ સોજીત્રાના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે લેઉવા પટેલ આગેવાન બટુકભાઈ મોરાણીને આંખ અને કાનમાં ગંભીર ઈજા પહોંચી હતી.

આ બોમ્બ એટલો તાકાતવાળો હતો કે મકાનના બારી-બારણાના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને ગાંધી ચોકમાં દૂર સુધી પડયા હતા. આ બોમ્બ વિસ્ફોટ બાદ તેના આરોપી હજુ સુધી પકડાયા નથી ત્યાં આજે ઉપલેટામાંથી બીજો બોમ્બ મળતા લોકોમાં ભય ફેલાયો છે.

(4:09 pm IST)