Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

રાજસ્થાનઃ BJPને મોટો ફટકોઃ જશવંતસિંહના પુત્રએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો 'હાથ' પકડ્યો

આજે તેઓ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઇ ગયા

નવી દિલ્હી તા. ૧૭ : પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહનો આખરે ભાજપ સાથે નાતો તૂટી જ ગયો. આજે તેઓ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયાં. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના નિવાસ સ્થાન પર કોંગ્રેસનો ખેસ પહેરાવીને માનવેન્દ્ર સિંહને કોંગ્રેસ પાર્ટીની સદસ્યતા અપાવી., પાર્ટીના પ્રભારી સચિવ વિવેક બંસલે આ જાણકારી આપી. આ દરમિયાન માનવેન્દ્ર સિંહે રાજસ્થાની પોષાકમાં પંચરંગી સાફો પહેર્યો હતો. અશોક ગેહલોત, સચિન પાયલટ, અવિનાશ પાંડે, ભંવર જિતેન્દ્ર સિંહ અને હરીશ ચૌધરી જેવા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતાં.

 આગામી મહિના થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અગાઉ બળવાખોરી તેવર દેખાડી ચૂકેલા માનવેન્દ્રએ ગત મહિને જ બાડમેરમાં સ્વાભિમાન રેલી કરી હતી. જેમાં 'કમલ કા ફૂલ, બડી ભૂલ' કહીને ભાજપથી અલગ થવાની જાહેરાત કરી હતી. ભાજપ અને ખાસ કરીને મુખ્યમંત્રી વસુંધરા રાજેથી લાંબા સમયથી નારાજ જોવા મળી રહેલા માનવેન્દ્રએ ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણી ભાજપની ટિકિટ પર બાડમેરની શિવ વિધાનસભા બેઠકથી લડી હતી અને જીત્યા હતાં.

માનવેન્દ્ર સિંહ કોંગ્રેસમાં સામેલ થવા સંબંધે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સચિન પાયલટે મંગળવારે કહ્યું હતું કે માનવેન્દ્ર સિંહ બુધવારે નવી દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાશે. તેમણે કહ્યું કે માનવેન્દ્ર સિંહના આવવાથી કોંગ્રેસ મજબુત થશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભાજપ છોડીને જવાવાળાની યાદી લાંબી છે અને પાર્ટીએ આત્મમંથન કરવું જોઈએ કે આમ કેમ થઈ રહ્યું છે. અમે માનવેન્દ્ર સિંહનું સ્વાગત કરીએ છીએ અને તેનાથી કોંગ્રેસ વધુ મજબુત બનશે. પાઈલટે એમ પણ કહ્યું કે પાર્ટી સુનિશ્ચિત કરશે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની સક્રિય ભાગીદારી હોય.

(3:30 pm IST)