Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સબરીમાલામાં જબરદસ્ત ટેન્શન

આજે દર્શન માટે મંદિરના દ્વાર ખૂલશેઃ સુપ્રિમ કોર્ટના ચુકાદા પછી અય્યપ્પા મંદિર તરફ આગળ વધતી મહિલાઓને રોકવાના પ્રયાસોઃ ચુકાદાના વિરોધમાં એક મહિલાનો આપઘાતનો પ્રયાસઃ શિવસેનાની સામૂહિક આત્મહત્યાની ધમકી

કોંચી તા.૧૭: કેરળના પઠનમથિટ્ટા જિલ્લામાં પેરિયાર વાઘ અભયારણ્યના ક્ષેત્રમાં વિખ્યાત સબરીમાલા અય્યપ્પા મંદિરનાં દ્વારા આજે ખૂલવા સાથે અનેક સમસ્યાઓનો મુકાબલો કરવાની તેૈયારી વહીવટી તંત્રે કરી છે. મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવતા સુપ્રિમ કોર્ટના આદેશના વિરોધમાં અને સમર્થનમાં દેખાવોનો સિલસિલો શરૂ થતાં પોલીસ તથા અન્ય પ્રશાસકો માટે નવી જવાબદારીઓ ઊભી થઇ છે. સોમવારે એક મહિલાના આત્મહત્યાના પ્રયાસ અને શિવસેનાની સામૂહિક આત્મહત્યાની ધમકીને પગલે તંત્ર સાબદું થયું છે.

શિવસેનાના કેરળ એકમે સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ કરવા દેવાય તો સામૂહિક આત્મહત્યાની ધમકી આપી હતી. એ માટે ૫૦ કરતાં વધારે સ્ત્રીઓ અને પુરૂષોનું જૂથ બનાવવામાં આવ્યું હતું. સોમવારે સુપ્રિમ કોર્ટના ચુકાદાના વિરોધમાં તિરુવનંતપુરમની પાસે એક મહિલાએ વૃક્ષ પર દોરડું બાંધી ગળાફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આસપાસના લોકોએ મહિલાનો એ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

ગઇ કાલે સબરીમાલા મંદિરથી ૨૦ કિલોમીટર દૂર નિલાકલસ્થિત બેઝ-કેમ્પના વિસ્તારમાં જૂજ પોલીસ જવાનોની હાજરીમાં કેટલીક મહિલાઓ રસ્તા પરથી પસાર થતાં વાહનોને રોકતી હતી. મંદિર તરફ જતી કારોમાં જો કોઇ યુવતીઓ હોય તે તેમને મંદિરમાં જતી રોકવા માટે ત્યાં જ ઊતરી જવાનું તે મહિલાઓ કહેતી હતી. પ્રાઇવેટ વાહનો ઉપરાંત કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોને પણ રોકવામાં આવી હતી. દરમ્યાન કેરળના મુખ્ય પ્રધાન પિનારાઇ વિજયને જનતાને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી હતી. (૧.૫)

 

(11:54 am IST)