Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વિશ્વભરમાં સવારે થોડા કલાકો સુધી યુ-ટયુબ ઠપ્પ

યુઝર્સ મુશ્કેલીમાં મુકાયાઃ કંપનીએ તાબડતોબ સમસ્યા દૂર કરીઃ યુઝર્સની માફી માંગી

નવી દિલ્હી, તા. ૧૭ :. વિડીયો શેયરીંગ વેબસાઈટ યુ-ટયુબ આજે સવારે થોડા કલાકો બંધ રહ્યા બાદ ફરી ઠીક થઈ ગયું છે. યુ-ટયુબ વિશ્વભરમાં ઠપ્પ થઈ જવાથી વિવિધ દેશોના યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ બધા યુઝર્સ સોશ્યલ મીડિયા પર યુ-ટયુબનો સ્ક્રીનશોટ નાખતા હતા જો કે તે પછી કંપનીએ ખરાબી તુરંત જ દૂર કરવાની વાત કરી હતી. તે પછી યુ-ટયુબ ફરી કામ કરવા લાગ્યું હતું.

 

દુનિયાભરના યુઝર્સ રીપોર્ટ કરી રહ્યા છે કે, યુ-ટયુબનું સર્વર ડાઉન છે. વેબસાઈટ ખોલતા ઈન્ટરનલ એરર ૫૦૦નો મેસેજ જોવા મળે છે. જો કે આની પાછળનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું પણ આ સમસ્યા ભારત સહિત આખી દુનિયામાં સામે આવી છે. દુનિયામાં સૌથી લોકપ્રિય એવી યુ-ટયુબ માટે આ એક અસાધારણ ઘટના છે. આ ઘટના પછી યુ-ટયુબે પોતાના ટવીટમાં કહ્યું 'યુ-ટયુબ, યુ-ટયુબ ટીવી અને યુ-ટયુબ મ્યુઝીક સમસ્યાની જાણ કરવા બદલ આપ સૌનો આભાર. અમે તે સમસ્યાના નિવારણ માટે કામ કરી રહ્યા છીએ. જ્યારે નિવારણ થઈ જશે તો આપ સૌને તેની જાણ થઈ જશે. આ સમસ્યાને લીધે આપને થયેલ પરેશાની માટે અમે દુઃખ વ્યકત કરીએ છીએ.'

મીડીયા રીપોર્ટ અનુસાર યુ-ટયુબ દુનિયામા સૌથી વધારે જોવાતી બીજા નંબરની વેબસાઈટ છે. યુ-ટયુબ સાથે આવી સમસ્યા કદાચ જ થઈ હશે. આ વખતે યુઝર્સ બહુ પરેશાન છે. યુઝર્સે વેબસાઈટ ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને આની જાણ થઈ હતી. તેઓ ન તો વિડીયો જોઈ શકતા હતા, ન અપલોડ કરી શકતા હતા. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ફેસબુક, વોટસએપ અને ઈન્સ્ટાગ્રામ વેબસાઈટ પણ નોર્થ અમેરિકા, યુરોપ, નોર્થ આફ્રિકા સહિત દુનિયાના કેટલાય ભાગમાં ક્રેશ થઈ ગઈ હતી.(૨-૧)

(11:52 am IST)