Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

અફઘાનિસ્તાનમાં રચાયેલી આ તાલિબાન સરકાર જનમત વિનાની :પ્રધાનમંત્રી મોદીએ સાધ્યું તાલિબાન પર નિશાન

પીએમએ કહ્યું - વિશ્વએ હવે એવી નીતિ ઘડવાની જરૂર છે જ્યાં આતંકવાદ પર શૂન્ય સહનશીલતાની નીતિ હોય

નવી દિલ્હી : એસસીઓ કોન્ફરન્સનો ભાગ બનેલા વડાપ્રધાન મોદીએ આ વખતે અફઘાનિસ્તાન મુદ્દે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એક તરફ તેમણે અફઘાનિસ્તાનની હાલત જોઇને તે અંગે ચિંતા વ્યક્ત કરી છે તો બીજી તરફ તેમણે તાલિબાન પર પણ નિશાન સાધ્યું છે. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાને સરકાર જનમત વિનાની સરકાર છે.

 

પીએમ કહે છે કે, ભારત અફઘાનિસ્તાનમાં રચાયેલી આ તાલિબાન સરકારને જનમત વિનાની સરકાર માને છે. આ સરકાર કોઈપણ સમજૂતી કે કરાર વિના બનાવવામાં આવી છે. અહી મહિલાઓની સલામતી પણ ચિંતાનો વિષય બની રહેલો છે. હવે અફઘાનિસ્તાનની આ નવી સરકાર અંગે સમગ્ર વિશ્વએ એક સચોટ નિર્ણય લેવો પડશે. આ કિસ્સામાં ભારત યુએનને ટેકો આપે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, અફઘાનિસ્તાનમાં શસ્ત્રોના બળ પર સરકાર બનાવવામાં આવી છે. જો અફઘાનિસ્તાનમાં ફરીથી શાંતિ નહિ સ્થપાય તો તેની અસર આખા વિશ્વ પર પડશે

 

એસસીઓ કોન્ફરન્સમાં મોદીએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનનો ઉપયોગ હવે આતંકવાદ માટે નહીં થઈ શકે. અફઘાનિસ્તાનમાં ફરીથી શાંતિ સ્થાપિત કરવી સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે પોતાના ભાષણ દરમિયાન આતંકવાદ પર પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં પીએમ ઇમરાન ખાનની પણ હાજરી હતી. આ સમયે મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિશ્વએ હવે એવી નીતિ ઘડવાની જરૂર છે જ્યાં આતંકવાદ પર શૂન્ય સહનશીલતાની નીતિ હોય.

અમેરિકાનું નામ લીધા વિના પ્રધાનમંત્રીએ કહ્યું કે, તાલિબાનના હાથમાં ઘણા અમેરિકન શસ્ત્રો આવી ચુક્યા છે અને તેના કારણે જ અફઘાનિસ્તાનમાં અસ્થિરતા આવી શકે છે. તેમને એ વાતની પણ ચિંતા છે કે તાલિબાન સરકારના આગમનથી ડ્રગ રેકેટ વધુ સક્રિય બનશે અને હ્યુમન ટ્રાફિકિંગ પણ મોટા પાયે કરવામાં આવશે

(8:47 pm IST)