Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

નીતિન ગડકરીએ હાઈવે પર ૧૫૦ કીમીથી વધુ સ્પિડે ગાડી ચલાવી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના કામનું નિરિક્ષણ કર્યું : મુંબઈ-દિલ્હી વચ્ચેના એક્સપ્રેસ વેમાં ૬૦ મેજર બ્રિજ, ૧૭ ઈન્ટરચેન્જ, ૧૭ ફ્લાઈઓવર, ૮ આરઓબી હશે

નવી દિલ્હી, તા.૧૭ : દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે પર ચાલી રહેલા કામનુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રતલામમાં નિરિક્ષણ કર્યુ હતુ.

આ દરમિયાન તેમણે હાઈવે પર કાર પણ દોડાવીને જોઈ હતી અને તેની સ્પીડ પ્રતિ કલાક ૧૫૦ કિમીની પણ ઉપર જતી રહી હતી.

આ અંગેનો એક વિડિયો પણ સામે આવ્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે. ગડકરીએ પહેલા હેલિકોપ્ટરથી આ એક્સપ્રેસ-વેનુ નિરિક્ષણ કર્યુ હતુ અને પછી જાતે કારમાં સવાર થઈને ટેસ્ટ કર્યો હતો.

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની ગુણવત્તાની ચકાસણી કરવા માટે રતલામ પહોંચેલા ગડકરીએ ટેસ્ટ ડ્રાઈવ પછી કહ્યુ હતુ કે, અમે પહેલા જ આ હાઈવેનુ નિર્માણ કરી રહેલી કંપનીને ક્વોલિટી બહેતર રાખવા માટે તાકીદ કરી હતી. સ્પીડ ટેસ્ટ સફળ રહ્યો છે અને આ એક્સપ્રેસ-વે પર મહત્તમ ઝડપ પ્રતિ કલાક ૧૫૦ કિમી રાખવા માટે વિચારણા થઈ શકે છે.

ગડકરીએ ગુજરાતના ભરૂચમાં પણ એક્સપ્રેસ-વેનુ નિરિક્ષણ કર્યુ હતુ. મુંબઈ અને દિલ્હી વચ્ચેના એક્સપ્રેસ વેમાં ૬૦ મેજર બ્રિજ, ૧૭ ઈન્ટરચેન્જ, ૧૭ ફ્લાઈઓવર અને આઠ આરઓબી પણ હશે. નવેમ્બર ૨૦૨૩ સુધીમાં તેનુ કામ પુરૂ થવાની ધારણા છે.

(7:37 pm IST)