Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ગુજરાતનું નવું નકોર પ્રધાન મંડળ : આછેરો પરિચય

મુખ્યમંત્રી સહિત ૨૫નું મંત્રીમંડળ : મંત્રીમંડળમાં બે મહિલાઓ ૧૦ કેબીનેટ પ્રધાનો : ૧૪ રાજ્યકક્ષાના પ્રધાનો

ગુજરાતના ૧૭માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (સિવિલ એન્જિનિયરમાં ડિપ્લો) (મુખ્યમંત્રી)

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. ભૂપેન્દ્ર પટેલ રાજયના પૂર્વ સીએમ આનંદી પટેલના નજીકના માનવામાં આવે છે. તેઓ વિસ્તારના સ્થાનિક રાજકારણમાંથી કોર્પોરેશન અને ત્યાર બાદ વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં ઘાટલોડિયાના ધારાસભ્ય બનનારા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ૧૭માં નવા સીએમ બન્યા છે.

ભૂપેન્દ્ર પટેલનો જન્મ ૧૫ જુલાઇ ૧૯૬૨માં અમદાવાદમાં થયો હતો. ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તે વ્યવસાયે બિલ્ડર છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે.

ભૂપેન્દ્ર પટેલ ૧૯૯૫-૯૬માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુકયા છે. ૧૯૯૯-૨૦૦૦, ૨૦૦૪-૦૬માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુકયા છે. ૨૦૦૮-૧૦માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને ૨૦૧૦-૧૫માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુકયા છે. તેમજ તે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળમાં ૨૦૧૫-૧૭માં ચેરમેન રહી ચુકયા છે.

  • કેબિનેટ કક્ષાના મંત્રીઓ

(૧) રાજેન્દ્રભાઇ સૂર્યપ્રસાદ ત્રિવેદી

(બી.એસ.સી. ઓનર્સ)

(મહેસુલ)

રાજેન્દ્રભાઇ સૂર્યપ્રસાદ ત્રિવેદી, રાવપુરા (વડોદરા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૧૯ જુન, ૧૯૫૪ના રોજ વડોદરા ખાતે થયો હતો. તેમણે બી.એસસી.(ઓનર્સ), એલએલ.બી. સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ ખેતી તથા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભા, ૨૦૧૨-૧૭માં ધારાસભ્ય તરીકે ચૂટાઇ આવ્યા બાદ તા. ૭મી ઓગસ્ટ ૨૦૧૬થી ૨૫મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો), યાત્રાધામ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ૧૪મી ગુજરાત વિધાનસભા ૨૦૧૭-૨૨માં ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા બાદ તા. ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૮થી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળેલ છે. તેઓ વાંચન, સામાજિક પ્રવૃત્ત્િ।, સાહિત્યિક પ્રવૃત્તિ અને કવિતા લેખનનો શોખ ધરાવે છે.

(૨) જિતેન્દ્રભાઇ સવજીભાઇ વાઘાણી

(બી.કોમ, એલ.એલ.બી.એલ.ડી.સી.)

(શિક્ષણ)

જિતેન્દ્રભાઇ (જિતુભાઇ) સવજીભાઈ વાઘાણી, ભાવનગર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૨૮ જુલાઇ, ૧૯૭૦ના રોજ ભાવનગર જિલ્લાના વરતેજ ખાતે થયો હતો. તેમણે બી.કોમ., એલએલ.બી., એલ.ડી.સી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ ખેતી અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભાના સભ્ય પણ રહી ચૂકયા છે. તેઓ વાંચન, સમાજસેવા, લોકસાહિત્ય, રમતગમત અને પ્રવાસનો શોખ ધરાવે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે.

(૩) ઋષિકેશભાઇ ગણેશભાઇ પટેલ

(ડિપ્લોમાં ઇન સીવીલ એન્જી.)

(આરોગ્ય)

ઋષિકેશભાઇ ગણેશભાઇ પટેલ, વિસનગર (મહેસાણા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૩૦ ઓકટોબર- ૧૯૬૧ના રોજ ખેરાલુના સુંઢિયા ગામે થયો છે. તેઓએ ડિપ્લોમાં ઈન સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ બારમી-તેરમી ગુજરાત વિધાનસભાના પણ સભ્ય હતા. તેઓ વિસનગર પંચશીલ એજયુકેશન ટ્રસ્ટેના પ્રમુખ, મહેસાણા ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન છે. તેમજ વિસનગર ખેત-ઉત્પન્ન બજાર સમિતિમાં પણ વર્ષ ૨૦૧૬થી કાર્યરત છે. તેઓને વાંચન, રમતગમત, પ્રવાસ અને સંગીતનો શોખ છે.

(૪) પૂર્ણેશકુમાર ઈશ્વરલાલ મોદી

(બી.કોમ., એલ.એલ.બી.)

(માર્ગ - મકાન)

પૂર્ણેશકુમાર ઈશ્વરલાલ મોદી, સુરત (પશ્ચિમ) મતવિભાગ (સુરત શહેર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૨૨મી ઓકટોબર ૧૯૬૫ના રોજ સુરત ખાતે થયો છે. તેમણે બી.કોમ અને એલએલ.બીનો અભ્યાસ કરેલો છે. તેઓ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૨૦૧૩ થી ૨૦૧૭ ૧૩મી ગુજરાત વિધાનસભા દરમ્યાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સંસદીય સચિવ તરીકે સેવાઓ આપી છે. તેઓ ઇતિહાસ વિષય સંબંધી વાંચન પ્રવૃત્ત્િ। અને જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળવાનો શોખ ધરાવે છે.

(૫) રાઘવજીભાઇ હંસરાજભાઈ પટેલ

(બી.એ., એલ.એલ.બી.)

(કૃષિ)

રાઘવજીભાઇ હંસરાજભાઈ પટેલ, જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી જૂન, ૧૯૫૮ના રોજ મોટા ઇંટાળા, તા. ધ્રોલ, જિ. જામનગર ખાતે થયો હતો. તેમણે બી.એ., એલએલ.બી.નો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને શૈક્ષણિક પ્રવૃત્ત્િ।નો વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ (૧) આઠમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૦-૯૫, (૨) નવમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૫-૯૭, (૩) દશમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૮-૨૦૦૨ (પેટા ચૂંટણી), (૪) બારમી ગુજરાત વિધાનસભા, ૨૦૦૭-૧૨, (૫) તેરમી ગુજરાત વિધાનસભા, ૨૦૧૨-૧૭. ૧૯૯૫-૯૬માં તેઓ ગ્રામ ગુહ નિર્માણ વિભાગના રાજય કક્ષાના મંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે. તેઓ રમત-ગમત, વાંચન, સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ અને સમાજસેવાનો શોખ ધરાવે છે.

(૬) કનુભાઇ મોહનલાલ દેસાઇ

(બી.કોમ. એલ.એલ.બી. (સ્પે.))

(નાણા)

કનુભાઇ મોહનલાલ દેસાઇ, પારડી, વલસાડ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૩જી ફેબ્રુઆરી, ૧૯૫૧ના રોજ ઉમરસાડી ખાતે થયો હતો. તેમણે બી.કોમ., એલએલ.બી. (સ્પેશિયલ) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે તેરમી ગુજરાત વિધાનસભા, ૨૦૧૨-૧૭, કોષાધ્યક્ષ, (૧) નોટિફાઈડ એરિયા જી. આઈ. ડી. સી., વાપી, ભારતીય જનતા પક્ષ, ૨૦૦૬-૦૯ (૨) વલસાડ જિલ્લા ભા.જ.પ. મહામંત્રી ૨૦૦૯-૧૨. અને વલસાડ જિલ્લા ભા.જ.પ.ના પ્રમુખ તરીકે ૨૦૧૧-૧૨. તેમ જ ૨૦૧૨થી. રોટરી કલબ, વાપી. ટ્રસ્ટી, (૧) જ્ઞાનધામ ચેરિટેબલ ટ્રસ્ટ, વાપી, (૨) જ્ઞાનધામ ચેરિટેબલ ટ્રસ્ટ, આહવા, (૩) સાન્દ્રા શ્રોફ રોફેલ કોલેજ ફોર નર્સિંગ. ડાયરેકટર, વાપી ગ્રીન લિ., જી. આઈ. ડી. સી., વાપી જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી છે.

(૭) કિરીટસિંહ જીતુભા રાણા

(મેટ્રીક)

(નાણા)

કિરીટસિંહ જીતુભા રાણા, લીંબડી વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તા. ૭ જુલાઇ ૧૯૬૪ના રોજ જન્મ થયો હતો. તેઓએ મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. આ બેઠક પર કિરીટસિંહ ત્રીજી વખત પેટા-ચૂંટણી જીત્યા છે. આ પહેલા તેમણે ૧૯૯૫ અને ૨૦૧૩માં પેટા ચૂંટણી જીતી હતી. કિરીટસિંહ રાણા નરેન્દ્ર મોદી સરકારમાં પશુપાલન મંત્રી રહી ચુકયા છે. તેમણે ૧૯૯૫માં પેટા ચૂંટણીમાં જીતથી રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેઓએ પાંચ વખત ચૂંટણી જીતી છે. તેઓ ક્ષત્રિય સમાજના આગેવાન છે.

(૮) નરેશભાઇ મગનભાઇ પટેલ

(એસ.એસ.સી.)

(આદિજાતિ)

નરેશભાઇ મગનભાઇ પટેલ, ગણદેવી (નવસારી) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી જાન્યુઆરી, ૧૯૬૯ના રોજ મોગરાવાડી, નવસારી ખાતે થયો હતો. તેમણે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે બારમી ગુજરાત વિધાનસભા ૨૦૦૭-૧૨, નવસારી જિલ્લા ભા.જ.પ.ના અધ્યક્ષ છેલ્લી બે સમયાવધિથી; તથા રાષ્ટ્રીય આદિજાતિ મોરચો, ભા.જ.પના મંત્રી તેમજ જાગૃતિ વિદ્યાલય, રૂમલાના ઉપપ્રમુખ, વર્ષ ૧૯૯૬થી આજપર્યંત; ચેરમેન, મોગરાવાડી દૂધ સેવા સહકારી મંડળી, ૧૯૯૦-૯૨; ચેરમેન, રૂમલા વિભાગ ખરીદ-વેચાણ સેવા સહકારી મંડળી, ૧૯૯૩-૯૫; ટ્રસ્ટી, ઉનાઈ માતાજી મંદિર; પૂર્વ ઉપપ્રમુખ, ચિખલી તાલુકા પંચાયત જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી છે. તેઓ વાંચન, લેખન, સંગીત અને ક્રિકેટનો શોખ ધરાવે છે.

(૯) પ્રદિપભાઇ ખાનાભાઇ પરમાર

(મેટ્રીક)

(સામાજિક ન્યાય)

પ્રદિપ ખાનાભાઇ પરમાર, અસારવા (અમદાવાદ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૧૭ જૂન ૧૯૬૪ના રોજ અમદાવાદ ખાતે થયેલો છે. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ બાંધકામ, પેટ્રોલપંપ અને વોટર સપ્લાયના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ નાટક જોવાનો અને પુસ્તક-વાંચનનો શોખ ધરાવે છે.

(૧૦) અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ

(બી.કોમ. ડી.સી.એમ.)

(ગ્રામ વિકાસ)

અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ, મહેમદાવાદ (ખેડા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૨૨ જૂન ૧૯૭૬ના રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે થયો છે. તેમણે બી.કોમ., ડી.સી.એમ.નો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને લેખન, વાંચન, પ્રવાસ, સંગીત અને સેવાકીય પ્રવૃત્ત્િ।ઓ કરવાનો શોખ છે.

  • રાજયકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)

(૧૧) હર્ષભાઇ સંઘવી

(અન્ડર મેટ્રીક)

(ગૃહ - રમત-ગમત)

હર્ષભાઇ રમેશકુમાર સંઘવી, મજૂરા (સુરત શહેર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૮ જાન્યુઆરી- ૧૯૮૫ના રોજ સુરત ખાતે થયો છે. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેમનો મુખ્ય વ્યવસાય ડાયમંડ, જવેલરી મેન્યુફેકચરિંગનો છે. તેઓ રાહત દરે સ્ટુડન્ટ બૂક બેન્ક, રાહતદરે સાહિત્ય વેચાણ કેન્દ્ર, રોજગાર મેળા, વનવાસી વિસ્તારમાં કેમ્પ, સાત્વિક આહાર વિતરણ, રોજગાર તાલીમ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્ત્િ।ઓ સાથે સંકળાયેલા છે. ભા.જ.પ. રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સેવારત સંઘવી ૧૩મી વિધાનસભાના પણ સભ્ય હતા. તેમને રમતગમત, સાહસિક પ્રવૃત્ત્િ।, ભ્રમણ, જન-સંપર્કનો શોખ છે.

(૧૨) જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ

(એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટીંગ)

(કુટીર)

જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ, નિકોલ (અમદાવાદ શહેર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૭૩ના રોજ અમદાવાદ ખાતે થયો છે. તેમણે એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટીંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેકસટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન-સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ ધરાવે છે.

(૧૩) બ્રિજેશકુમાર અમરશીભાઈ મેરજા

(બી.કોમ., ડિપ્લોમાં ઇન બેન્કિંગ, પોસ્ટ ગ્રેજ્યુ. ડીપ્લોમાં ઇન જર્નાલીઝમ, એડવર્ટાઇઝીંગ એન્ડ પબ્લિક રિલેશન્સ, એલએલબી (પ્રથમ વર્ષ), ડિપ્લોમાં ઇન કો-ઓપ. એન્ડ એકાઉન્ટન્સી)

(શ્રમ - રોજગાર)

બ્રિજેશકુમાર અમરશીભાઈ મેરજા, મોરબી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી માર્ચ, ૧૯૫૮ના રોજ ચમનપર ખાતે થયો હતો. તેમણે બી.કોમ., ડિપ્લોમા ઇન બેન્કિંગ, પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ, એડવર્ટાઈઝ એન્ડ પબ્લિક રિલેશન, ગવર્નમેન્ટ ડિપ્લોમા ઈન કો-ઓપરેશન એન્ડ એકાઉન્ટન્સી, એલએલ.બી. (પ્રથમ વર્ષ) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ કન્સલટન્સી અને સમાજસેવા જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે સભ્ય, સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ, ગાંધીનગર. પ્રમુખ, સિટી લાયન્સ કલબ, મોરબી, સેક્રેટરી, ગાંધીનગર ડિસ્ટ્રિકટ બેડમિન્ટન એસોસિએશનના પૂર્વપ્રમુખની જવાબદારી નિભાવી છે. તેઓ પ્રાકૃતિક સ્થળોનો પ્રવાસ, જૂની ફિલ્મોનાં ગીતો જોવાં, સાંભળવાં, જનસંપર્ક, જુદા જુદા વિષયોનું વાંચન, મનન, ચિંતન, પ્રવચનો આપવાં, સાંભળવાં જેવી વિવિધ પ્રવૃત્તિઓનો શોખ ધરાવે છે.

(૧૪) જીતુભાઇ હરજીભાઇ ચૌધરી

(અન્ડર મેટ્રિક)

(કલ્પસર)

જીતુભાઇ હરજીભાઇ ચૌધરી કપરાડા (વલસાડ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી જૂન, ૧૯૬૪ના રોજ કાકડકોપર, તા. કપરાડા, જી. વલસાડ ખાતે થયો હતો. તેમણે અન્ડર મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે (૧) અગિયારમી ગુજરાત વિધાનસભા, ૨૦૦૨-૦૭ (૨) બારમી ગુજરાત વિધાનસભા, ૨૦૦૭-૧૨, (૩) તેરમી ગુજરાત વિધાનસભા, ૨૦૧૨-૧૭. સભ્ય) તરીકે સેવાઓ આપી છે. તેઓ વાંચન, રમતગમત, ધાર્મિક સ્થુળોનો પ્રવાસ, સામાજિક પ્રવૃત્ત્િ।, ભજન-સત્સંગ, કથા-શ્રવણ, લોક-ડાયરો, નવી પધ્ધતિથી ખેતી, ટેકનોલોજી વગેરે શોખ ધરાવે છે.

(૧૫) મનીષાબેન વકીલ

(એમ.એ., બી.એડ.)

(મહિલા - બાળ)

મનીષાબેન વકીલ, વડોદરા શહેર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૨૫ માર્ચ-૧૯૭૫ના રોજ વડોદરા ખાતે તેમણે એમ.એ. અને બી.એડ. (અંગ્રેજી સાહિત્ય) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ બ્રાઇટ ડે સ્કૂલના સુપરવાઈઝર તરીકે તથા સોલેસ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂકયા છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભાના પણ સભ્ય હતા. તેઓ વાંચનનો શોખ ધરાવે છે.

  • રાજયકક્ષાના મંત્રીઓ

(૧૬) મુકેશભાઇ ઝીણાભાઇ પટેલ

(હાયર સેકન્ડરી, ડ્રાફટસમેન સિવિલ)

(કૃષિ - ઉર્જા)

મુકેશભાઇ ઝીણાભાઇ પટેલ, ઓલપાડ (સુરત) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૨૧ માર્ચ, ૧૯૭૦ના રોજ સુરત ખાતે થયો હતો. તેમણે એચ.એસ.સી., ડ્રાફટ્સમેન સિવિલ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ પેટ્રોલપંપના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે સભ્ય, તેરમી ગુજરાત વિધાનસભા, ૨૦૧૨-૧૭, પ્રમુખ, ઓલપાડ તાલુકા ભારતીય જનતા પક્ષ. ડિરેકટર, ઓલપાડ વિભાગ કાંઠા સુગર ફેકટરી જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી છે. તેઓ ધાર્મિક પુસ્તકોનું વાંચન, ક્રિકેટ અને પ્રવાસનો શોખ ધરાવે છે.

(૧૭) નિમિષાબેન મનહરસિંહ સુથાર

(ડિપ્લોમાં ઈન ઈલેકિટ્રકલ એન્જિનિયરિંગ

એન્ડ કોમ્પ્યુટર કમ પ્રોગ્રામિંગ)

(આદિજાતી)

નિમિષાબેન મનહરસિંહ સુથાર, મોરવાહડફ (પંચમહાલ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચુંટાયેલા છે. તેમનો જન્મ વર્ષ ૧૯૮૨માં થયો છે. મોરવાહડફની વિધાનસભાની બેઠક ઉપરથી વર્ષ ૨૦૨૧માં પેટાચૂંટણીમાં વિજેતા થયા છે. અગાઉ તેઓ વર્ષ ૨૦૧૩-૧૭ દરમિયાન ગુજરાત વિધાનસભામાં મોરવાહડફથી પ્રતિનિધિત્વ કરેલું છે. તેઓએ ડિપ્લોમાં ઈન ઈલેકિટ્રકલ એન્જિનિયરિંગ એન્ડ કોમ્પ્યુટર કમ પ્રોગ્રામિંગ સુધી અભ્યાસ કરેલો છે.

(૧૮) અરવિંદભાઇ

ગોરધનભાઈ રૈયાણી

(એસ.એસ.સી.)

(વાહન વ્યવહાર)

અરવિંદભાઇ ગોરધનભાઈ રૈયાણી, રાજકોટ(પૂર્વ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૪ જાન્યુઆરી, ૧૯૭૭ના રોજ રાજકોટ ખાતે થયો હતો. તેમણે એસ.એસ.સી.સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ વેપાર સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે.

(૧૯) કુબેરભાઇ મનસુખભાઇ ડીંડોર

(એમ.એ., પીએચ.ડી.)

(ઉચ્ચ - તાંત્રિક શિક્ષણ)

કુબેરભાઇ મનસુખભાઇ ડીંડોર, સંતરામપુર (મહીસાગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેઓનો જન્મ ૧ જૂન ૧૯૭૦ના રોજ મહિસાગર જિલ્લાના, સંતરામપુર તાલુકાના ભંડારા ખાતે થયો છે. તેમણે એમ.એ., પીએચ.ડી.નો અભ્યાસ કરેલો છે. તેઓ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ લેખન, વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે.

(૨૦) કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલા

(અન્ડર ગ્રેજ્યુએટ)

(પ્રાથમિક - માધ્યમિક -

પ્રૌઢ શિક્ષણ)

કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલા, કાંકરેજ (બનાસકાંઠા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી જૂન, ૧૯૬૯ના રોજ ચાણસ્માના આકબા ગામે થયો હતો. તેમણે અન્ડર ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. પ્રદેશ ઉપાધ્યક્ષ, કિસાન મોરચો, ભારતીય જનતા પક્ષ, પ્રદેશ મંત્રી- કિસાન મોરચો, ભા.જ.પ.; જિલ્લા મહામંત્રી- કિસાન મોરચો, ભા.જ.પ. બનાસકાંઠા, મહામંત્રી- ભા.જ.પ. કાંકરેજ તાલુકા, પ્રમુખ- યુવા મોરચો ભા.જ.પ. કાંકરેજ તાલુકા, બુથ પ્રમુખ- ખારિયા ગામ, તા. કાકરેજ, ભા.જ.પ. ભા.જ.પ.ના પાયાના કાર્યકર્તા તરીકે વિવિધ જવાબદારીઓ વહન કરી છે. તેઓ લેખન, વાંચન, સાહિત્ય, સંગીત અને પ્રવાસનો શોખ ધરાવે છે.

(૨૧) ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર

(ટી.વાય.બી.એ.)

(અન્ન - નાગરિક)

ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર, પ્રાંતિજ (સાબરકાંઠા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૨૪ જાન્યુઆરી, ૧૯૭૮ના રોજ થયો હતો. તેમણે ટી.વાય.બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે.

(૨૨) રાઘવભાઇ સી. મકવાણા

(ડિપ્લોમાં ઇન એન્જી. (ફર્સ્ટ ઇયર)

(સામાજિક ન્યાય)

રાઘવભાઇ સી. મકવાણા, મહુવા (ભાવનગર) મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૮ ઓકટોબર ૧૯૭૦ના રોજ મહુવા તાલુકાના પઢિયારકા ખાતે થયો છે. તેમણે ડિપ્લોમા એન્જિનિયરીંગનો પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ટ્રાન્સપોર્ટ, વેપાર અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ લોકસાહિત્ય અંગેનું વાંચન અને રમત-ગમતનો શોખ ધરાવે છે.

(૨૩) વિનોદભાઇ

અમરશીભાઇ મોરડીયા

(એસ.એસ.સી.)

(શહેરી વિકાસ)

વિનોદભાઇ અમરશીભાઇ મોરડીયા, કતારગામ (સુરત) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧૦ જુલાઇ, ૧૯૬૭ના રોજ સરવઇ ખાતે થયો હતો. તેમણે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને સમાજ સેવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે નગરસેવક, સુરત મહાનગરપાલિકા, ૨૦૦૫-૧૦, ૨૦૧૦-૧૫, અને સન ૨૦૧૫થી કાર્યરત. ચેરમેન- ટાઉન પ્લાનિંગ સમિતિ, સુરત મહાનગરપાલિકા. સભ્ય- અખંડ આનંદ ક્રેડિટ સોસાયટી લિમિટેડ જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી છે. તેઓ સમાજસેવા અને ઘોડેસવારી જેવા શોખ ધરાવે છે.

(૨૪) દેવાભાઇ પુંજાભાઇ માલમ

(અન્ડર મેટ્રીક)

(પશુપાલન)

દેવાભાઇ પુંજાભાઇ માલમ, કેશોદ (જૂનાગઢ) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧૨ જાન્યુઆરી ૧૯૫૯ના રોજ માંગરોળ તાલુકાના થલી ખાતે થયો છે. તેમણે અન્ડર મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીના પ્રમુખ પદે સેવાઓ આપી રહ્યા છે. તેઓ પ્રવાસ અને સમાજસેવાનો શોખ ધરાવે છે.

(4:54 pm IST)