Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

૨૪ કલાકમાં ૩૪,૪૦૩ સંક્રમિત : ૩૨૦ કોવિડ દર્દીઓએ જીવ ગુમાવ્યો

કુલ મૃત્યુઆંક ૪ લાખ ૪૪ હજારને પાર : સતત ત્રીજા દિવસે પણ કોરોના કેસો વધ્યા

નવી દિલ્હી, તા.૧૭: ભારતમાં સતત ત્રીજા દિવસે કોવિડ-૧૯થી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૪ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. કેરળમાં સૌથી વધુ ૨૨  હજારથી વધુ કેસ નોંધાયા છે જયારે મહારાષ્ટ્રમાં ૩૫૦૦થી વધુ લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ, ગુજરાતમાં પણ સંક્રમણના કેસોમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. આંશિક રાહતની વાત એ છે કે કોવિડ રિકવરી રેટ સુધરીને ૯૭.૭ ટકા થઈ ગયો છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગે શુક્રવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૪,૪૦૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૩૨૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૩,૮૧,૭૨૮ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૭૭ કરોડ ૨૪ લાખ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૩,૯૭,૯૭૨ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૫ લાખ ૯૮ હજાર ૪૨૪ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩૭,૯૫૦ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૩,૩૯,૦૫૬ એકિટવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૪,૨૪૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૪,૯૨,૨૯,૧૪૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૫,૨૭,૪૨૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાંછેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૨ કેસ નોંધાયા છે. જેની સામે ૨૩ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯દ્ગક્ન કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજયમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ છે. રાજયમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૨,૬૫,૫૬૦ વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૫,૩૫,૮૫,૩૯૪ ડોઝ કોરોના વેકસીનના આપવામાં આવ્યા છે.

(3:05 pm IST)