Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ઈમરાનની હાજરીમાં પાક.ને ખુલ્લું પાડશે

SCO સમિટમાં પીએમ મોદી કરશે સંબોધન : આતંકવાદનો મુદ્દો ઉઠાવશે

નવી દિલ્હી તા. ૧૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની વાર્ષિક શિખર બેઠકને ડિજિટલ રીતે સંબોધિત કરશે. આ બેઠકમાં અફઘાનિસ્તાન કટોકટી, આતંકવાદ, પ્રાદેશિક સુરક્ષા, સહકાર અને જોડાણ સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ઈમરાન ખાનની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદનો મુદ્દો ઉઠાવશે અને ફરી આતંકના માસ્ટરનો પર્દાફાશ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ જણાવ્યું કે SCO કાઉન્સિલના સભ્ય દેશોના વડાઓની ૨૧મી બેઠક શુક્રવારે દુશાંબેમાં હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાઇ રહી છે, જેની અધ્યક્ષતા તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમોમાલી રહેમાન કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે અને વિડીયો લિંક દ્વારા સમિટના પૂર્ણ સત્રને સંબોધિત કરશે અને ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકર દુશાંબેમાં કરશે. બેઠકમાં ભાગ લેવા માટે એસ જયશંકર દુશાંબે જવા રવાના થયા છે. શિખર પરિષદ બાદ સંપર્ક બેઠક થશે. આ દરમિયાન અફઘાનિસ્તાન ઉપરાંત પ્રાદેશિક સુરક્ષા, સહકાર અને જોડાણ સહિત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, SCO શિખર સંમેલનમાં સભ્ય દેશોના નેતાઓ, નિરીક્ષક દેશો, સંગઠનના મહાસચિવ, SCO પ્રાદેશિક કાઉન્ટર-ટેરરિઝમ ફ્રેમવર્કના એકિઝકયુટિવ ડિરેકટર, તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિ અને અન્ય આમંત્રિત મહેમાનો હાજર રહેશે.

જયારે પીએમ મોદી સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધશે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તેમાં ભાગ લેવા બે દિવસની મુલાકાતે તાજિકિસ્તાન પહોંચ્યા છે. આ બેઠક સિવાય ઇમરાન ખાન અન્ય દેશો સાથે દ્વિપક્ષીય બેઠક યોજી શકે છે. સમિટમાં વડાપ્રધાન મોદી તેમના પાકિસ્તાની સમકક્ષ ઇમરાન ખાનની હાજરીમાં આ વિસ્તારમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવે તેવી શકયતા છે. વડાપ્રધાન મોદી સવારે ૧૧.૩૦ થી ૧૧.૪૫ દરમિયાન સભાને સંબોધશે તેવી અપેક્ષા છે.

(11:45 am IST)