Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ટળ્‍યો નથી ત્રીજી લહેરનો ખતરો : આવતા ત્રણ મહિના મહત્‍વના

લોકો આવતા બે મહિના કોરોના ગાઇડલાઇન્‍સનું પાલન કરે : રાજ્‍યોને એલર્ટ રહેવા સૂચના

નવી દિલ્‍હી તા. ૧૭ : કોરોનાની ત્રીજી લહેર બાબતે આગામી ત્રણ મહિના ઓકટોબર, નવેમ્‍બર અને ડીસેમ્‍બર બહુ મહત્‍વપૂર્ણ સાબિત થઇ શકે છે. નીતિ આયોગના સભ્‍ય અને રસીકરણ માટે રચાયેલ સમિતિના પ્રમુખ ડોકટર વી કે પોલે આની ચેતવણી આપતા રાજ્‍યોને આના માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવા કહ્યું છે. સાથે જ તેમણે લોકો આ બે મહિનાની તહેવારની સીઝન દરમિયાન કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની અપિલ કરી છે.
ડોકટર પોલ અનુસાર ભારતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે લગાવાયેલા બધા અનુમાનોમાં ઓક્‍ટોબરથી ડિસેમ્‍બર વચ્‍ચે તે આવવાની શંકા વ્‍યકત કરાઇ છે. તેમણે કહ્યું કે, ભલે દેશમાં કોરોના સંક્રમણનીપરિસ્‍થિતિ સુધરી હોય અને કેરળમાં પણ સ્‍થિતિમાં સુધારો જોવા મળ્‍યો રહ્યો છે પણ ત્રીજી લહેરની શક્‍યતાને ધ્‍યાનમાં રાખીને આપણે આપણી તૈયારીઓમાં કોઇ કસર ના રાખવી જોઇએ. તેમણે રાજ્‍ય સરકારોથી માંડીને નગરનિગમો સુધીનાને કોરોનાની ત્રીજી લહેરને ધ્‍યાનમાં રાખીને હોસ્‍પિટલોમાં પુરતા બેડ અને અન્‍ય તૈયારીઓ પુરી કરવા કહ્યું છે.
ત્રીજી લહેર માટે આરોગ્‍ય માળખું તૈયાર કરવા માટે કેન્‍દ્રએ ૨૩ હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતે ગત દિવસોમાં આ પેકેજના અમલીકરણની સમિક્ષા કરી હતી. આ ઉપરાંત સરકારે દિવાળી સુધીમાં બધા પુખ્‍ત વયના લોકોને ઓછામાં ઓછો એક ડોઝ આપવાનું લક્ષ્ય રાખ્‍યું છે અને રાજ્‍યોને તે હાંસલ કરવા કહેવાઇ રહ્યું છે. અત્‍યારે દેશના ૨૦ ટકા વયસ્‍કોને રસીના બંને ડોઝ અને ૬૨ ટકાને ઓછામાં ઓછો એક ડોઝ અપાઇ ચૂક્‍યો છે.

 

(10:47 am IST)