Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

આતંકી મોડ્યુલ ત્રાસવાદીની કબુલાત

બ્રેઇનવોશ માટે અમને બતાડવામાં આવતા'તા ગુજરાત અને મુઝફફરનગર તોફાનોના વીડિયો

ઓસામા અને જીશાનને ટ્રેનિંગ સમયે જ કહેવાયું હતું કે જો બમ ધમાકામાં સફળતા ન મળે તો ભારતને આર્થિક નુકસાન પહોચાડો : આ સિવાય ગુજરાતના રમખાણોના વીડિયોની મદદ લેવાતી

નવી દિલ્હી,તા. ૧૭: પાકિસ્તાની આંતકી મોડ્યુલ પરથી પડદો ઉચકાયા બાદ પકડાયેલા આરોપી જીશાને કહ્યું કે પાકિસ્તાનમાં ટ્રેનિંગ સમયે તેમનું બ્રેન વોશ કરવા અને તેમને ઉશ્કેરવા માટે મુઝફ્ફરનગર અને ગુજરાતના રમખાણોના વીડિયો બતાવાયા હતા. વીડિયો જોઈને તેમને કહેવાયું કે કઈ રીતે સમુદાયની વિશેષ મહિલાઓ પર અત્યાચાર કરાયા હતા. કેવી રીતે સમુદાય વિશેષના લોકોના કત્લે આમ કરાયા. આ સિવાય જીશાનની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા પણ સામે આવ્યા છે.

જીશાને ઈલાહાબાદ યુનિવર્સિટીમાં ફાઈનાન્સમાં એમબીએ કર્યું છે. મળતી માહિતી અનુસાર આ કેસમાં ફરાર સંદિગ્ધના વિરોધમાં જલ્દી લુકઆઉટ સકર્યુલર જાહેર કરાશે જેથી તેઓ દેશ છોડીને જઈ સકે નહીં. જીશાને ખુલાસો કરતાં કહ્યું કે ભારતને ઈકોનોમી સ્તર પર નુકસાન કરવાનું મોટું પ્લાનિંગ હતું જેથી કોરોના બાદ ઈકોનોમી તોડીને અલગ આતંક ફેલાવી શકાય, આ માટે મોટી ફેકટ્રી, રેલ્વે અને કોટન વ્યાપારને ધમાકાથી મિટાવી દેવાનો પણ પ્લાન હતો. આ સિવાય ગુજરાત અને મુઝફ્ફરનગરના રમખાણના વિડીયો બતાવીને ધર્મ વિશેષના લોકો પર અત્યાચારની વાતો ઓસામા અને જીશાનને કહેવામાં આવતી અને તેમને જેહાદ માટે ભડકાવવામાં આવતા.

ઓસામા અને જીશાને કહ્યું કે ટ્રેનિંગ સમયે કહેવાતું કે જો બોમ્બ વિસ્ફોટમાં સફળતા ન મળે તો ભારતને આર્થિક રીતે નુકસાન કરવું. આ માટે મોટી ખાનગી ફેકટ્રીઓ, ગોદામ, મોટા શો રૂમ અને મોટી દુકાનોમાં આગની ઘટનાને અંજામ આપવો. પાકિસ્તાની એજન્સી આઈએસઆઈએ ભારત અને અન્ય દેશથી જેહાદના નામે ટ્રેનિંગ કરનારા યુવાનોને માટે મસ્કટમાં કોન્ટ્રાકટ બેસ્ડ લોકોને હાયર કર્યા હતા. તેઓને આ માટે સેલેરી મળતી હતી.તેમનું કામ એ રહેતું કે ટ્રેનિંગ માટે આવનારા યુવાનોને બોટની મદદથી પાકિસ્તાન લઈ જવાતા અને સાથે ઓપરેશનને આઈએસઆઈ જ લીડ કરતી. જે સમયે બોટથી પાકિસ્તાન લઈ જવાતા ત્યારે પણ આઈએસઆઈનો એક વ્યકિત હાજર રહેતો.

આ સાથે બંને આરોપીઓએ રહ્યું કે ટ્રેનિંગમાં એક શિફ્ટમાં મૌલવી આવતા જે જેહાદ અને એક વિશેષ સમુદાય પર થયેલા અત્યાચારનો ભ્રામક વીડિયો બતાનતા. એક શિફ્ટમાં હથિયાર ચલાવવાની ટ્રેનિંગ સાથે જોડાયેલા લોકો આવતા તો એક શિફ્ટમાં વિસ્ફોટક બનાવનારા અને પ્લાન્ટ કરવામાં એકસપર્ટ વિઝિટ કરતા. જે ફાર્મ હાઉસમાં જીશાન અને ઓસામાની ટ્રેનિંગ થતી ત્યાં ફાયરિંગ રેન્જ પણ હતી જે હાર્ડ કોર આતંકી ટ્રેનિંગ કેમ્પના રૂપમાં હતી.

દિલ્હીના જામિયાથી પકડાયેલા આરોપી ઓસામાના કાકા આ કેસમાં માસ્ટરમાઈન્ડ છે જે હજુ સુધી ફરાર છે. પાકિસ્તાનમાં ટ્રેનિંગ માટે ઓસામા અને જીશાનને મોકલવામાં તેમનો ખાસ રોલ રહ્યો છે. ઓસામાના પિતા પણ નજરમાં છે પણ તે દુબઈમાં છે અને તેમનો રોલ પણ તપાસવામાં આવી રહ્યો છે. સ્પેશ્યલ સેલ માટે બંને ભાઈ વોન્ટેડ છે. 

(9:59 am IST)