Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કોરોનાના કપરા સમયમાં

દર બીજો ભારતીય બની રહ્યો છે માનસિક તણાવનો ભોગ

આવક ઘટતા, નોકરી છૂટી જતા કે ઘરકંકાશના કારણે માનસિક તણાવ ઊભો થવાથી પોતાની જાતને ઈજા પહોંચાડવાના કેસો વધી રહ્યા છે

નવી દિલ્હી,તા.૧૭:તાજેતરના એક સર્વેમાં કોરોના વાયરસની અસરને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. જે મુજબ, કોરોના મહામારીના કારણે ભારતીયોમાં માનસિક તાણનું પ્રમાણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સર્વે મુજબ, દર ચોથો ભારતીય ખૂબ તણાવમાં છે અને તેને તબીબી મદદની જરૂર છે. ભારતની દર બીજી વ્યકિતમાં માનસિક તણાવના કેટલાક લક્ષણો જોવા મળ્યા છે. એપ્રિલ અને મે મહિનામાં સાકેતના મેકસ હેલ્થકેર વિભાગના મેન્ટલ હેલ્થ એન્ડ બિહેવિયરલ સાયન્સીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા વેબ-બેઝડ સર્વેમાં આ વાત સામે આવી છે. તેમાં ૧,૦૬૯ લોકોનો સર્વે કરાયો હતો. જેમાંથી મોટાભાગના દિલ્હી, યુપી, હરિયાણા અને મહારાષ્ટ્રના હતા.

 

આ ડિપાર્ટમેન્ટના ડિરેકટર અને હેડ ડો. સમીર મલ્હોત્રાએ જણાવ્યું કે, આ સર્વેમાં ભાગ લેનારા ૫૫ ટકા લોકો માનસિક તણાવના લક્ષણોના નક્કી કરાયેલા માપદંડ સુધી પહોંચતા હોવાનું જણાયું હતું અને તેમાંથી ચોથા ભાગમાં ડિપ્રેશનના લક્ષણો જણાયા હતા. તેમણે જણાવ્યું કે, સર્વેમાં ભાગ લેનારામાંથી ૨૭ ટકા લોકોએ જણાવ્યું કે, તેમને ઓછામાં ઓછો એક વખત પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો કે મોતનો વિચાર આવ્યો હતો, જયારે ૩ ટકા લોકોએ જણાવ્યું કે, તેમને આવા વિચારો સતત આવે છે.

છેલ્લા કેટલાક દિવસોમાં પોતાની જાતને નુકસાન પહોંચ્યું હોય તેવા દર્દીઓની સંખ્યા હોસ્પિટલોમાં વધી રહી છે. AIIMSમાં એપ્રિલથી જુલાઈ વચ્ચે આવા ૨૩ કેસ આવ્યા હોવાનું ટ્રોપ સર્વિસના ચીફ ડો. રાજેશ મલ્હોત્રાએ જણાવ્યું હતું.

મેકસ પ્રતાપગંજ અને મેસ વૈશાલીના ડોકટરોએ જણાવ્યું કે, મેથી જુલાઈની વચ્ચે આવા (પોતાની જાતને ઈજા પહોંચાડી હોય તેવા) ૪૦ કેસો આવ્યા હતા. આ બંને હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટના હેડ ડો. મનોજ જોહરે જણાવ્યું કે, સામાન્ય રીતે વર્ષે આવા ૭દ્મક ૮ કેસ આવતા હોય છે.

ડોકટોરોએ જણાવ્યું કે, આવક ઘટતા, નોકરી છૂટી જતા કે ઘરકંકાશના કારણે માનસિક તણાવ ઊભો થવાથી પોતાની જાતને ઈજા પહોંચાડવાના કેસો વધી રહ્યા છે. જે લોકોની નોકરી ગઈ છે કે જેમની આવક દ્યટી ગઈ છે તેમને ખરાબ રીતે અસર થઈ છે.

ડોકટરોએ જણાવ્યું કે, તેમને એવા ઘણા ફોન આવી રહ્યા છે, જેમાં લોકો તેમના પરિવારને કોરોના થવાનો ભય વ્યકત કરતા હોય છે. ડો. મલ્હોત્રાએ કહ્યું કે, આ સમસ્યામાં બહાર આવવા શૈક્ષણિક અને નાણાકીય મદદ માટે વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, 'કંપનીઓએ તેમના કર્મચારીઓ નોકરીની સલામતી અનુભવે અને કામકાજના કલાકો દરમિયાન આરામ મળે તેવા પગલાં ભરવા જોઈએ. તેમજ, સરકારે ટેકસ અને ઈએમઆઈમાં રાહત આપવા પર વિચાર કરવો જોઈએ.'

કોઈ વ્યકિતના માનસિક સમસ્યાના લક્ષણોની જેમ બને તેમ જલદી જાણ થાય તે જરૂરી છે. એક સીનિયર સાઈકિયાટ્રીસ્ટે કહ્યું કે, 'હાલની જનરેશન આવી મહામારીના સમયમાંથી પહેલી વખત પસાર થઈ રહી છે. જે લોકો મજબૂત શરીર અને અને મજબૂત મનના છે તેમની જવાબદારી છે કે તેઓ માનસિક સમસ્યામાંથી પસાર થતા લોકોની મદદ કરે.'શારીરિક સમસ્યાઓ, ધ્યાન અને સ્વસ્થ્ય વાતચીત એ સારા માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

(11:25 am IST)
  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST