Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કેવડીયામાં જલસાગર અને જનસાગરનો અનોખો સંગમ:નમામી દેવી નર્મદા નીર વધામણાંનો રાજ્ય ઉત્સવ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

કેવડિયા પર્યાવરણ અને ટેક્નોલોજીના ઉપયોગનો સુભગ સમન્વય: પર્યાવરણના જતન સાથે પણ વિકાસનું કેવડીયા શ્રેષ્ઠ ઉદાહરણ:૧૯૪૬માં ડેમ નિર્માણનું સરદાર સાહેબે સેવેલું સ્વપ્ન નરેન્દ્રભાઇ મોદીએ સાકાર કર્યું:મુખ્યમંત્રી રૂપાણી

કેવડિયા : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, દેશ આખા માટે આકર્ષક પ્રવાસન કેન્દ્ર બનેલું કેવડિયા  એ કુદરતી સૌંદર્ય, અને ટેકનોલોજીના અર્થસભર ઉપયોગનો સુભગ સમન્વય છે. અહીં પાણીથી ઉત્પન્ન થતી વીજળીની સાથે, એકતા નર્સરી, બટરફ્લાય પાર્ક, કેક્ટર્સ ગાર્ડન, ઇકો ટુરિઝમ જેવી પ્રકૃતિ અને પ્રવૃતિનું અદભુત સંગમ સ્થાન છે. એટલું જ નહીં પરંતું પર્યાવરણના જતનની સાથે સાથે વિકાસ પણ થઈશકે છે તે બાબત કેવડિયામાં પુરવાર થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
  સરદાર સરોવર ડેમ, જળાશય પૂર્ણ સપાટીએ પહોંચતા નર્મદા નીરના વધામણાં, નમામી દેવી નર્મદે, જન ઉત્સવ આજે કેવડિયા ખાતે યોજાયો હતો. વડાપ્રધાનએ અહીં નર્મદા નીરને વધાવ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વિશાળ જળરાશીને વધાવવા ઉમટેલો જનસાગર કેવડિયાને નવી ઓળખ અને ઊંચાઈ આપશે તે નિશ્ચિત છે.

   વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર રાજ્યમાં આનંદ છલકે છે. આજે ૧૩૮ મીટરની પૂર્ણ જળાશય સપાટીએ ડેમ પરથી જલસાગર વહી રહ્યો છે. આજે ગુજરાત સહિત દેશ આખા માટે આનંદનો અવસર છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર એમ ચાર રાજ્યોને નર્મદાનો લાભ મળ્યો છે. પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે તેમ આપણાં શાસ્ત્રોમાં વર્ણવાયું છે. પ્રકૃતિના જતન સાથે વિકાસ સાધી શકાય છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કેવડિયા છે. આજે કેવડિયાના અનેક પ્રકલ્પો ખુલ્લા મુકાયા છે. પાણી,
વીજળીની સાથે કેક્ટર્સ ગાર્ડન, બટરફ્લાય પાર્ક, ફલાવર વેલી એ અર્થમાં કેવડિયા પ્રકૃતિ, પર્યાવરણ અને સરદાર પટેલની કટિબદ્ધતા અને વિકાસનું સમન્વય બન્યું છે એમ તેમને ઉમેર્યું હતું.
     શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વકર્માની પણ જન્મજયંતિ છે ત્યારે, નવા ભારતના નિર્માણમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતાની આવશ્યકતા છે ત્યારે ભારત એ દિશામાં આગળ વધી રહ્યું છે. સરદાર પટેલનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, સરદાર પટેલ એકતા, અખંડિતતાના પ્રતિક સમાન હતા. તેમની પ્રેરણાથી ભારત નવી દિશાઓ, ઊંચાઈઓને પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ છે.

  શ્રી મોદીએ જણાવ્યું કે, પાંચ વર્ષમાં નર્મદા ડેમ ૧૨૧ મીટરથી ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચ્યો છે. આ સિદ્ધિ હાંસલ કરવામાં અનેક લોકોનું યોગદાન છે, તેમને નમન કરું છું. આજે સમગ્ર ગુજરાતમાં ઉત્સવનોમાહોલ છે. ગુજરાત સહિત દેશમાં નદીઓ, તળાવો શુદ્ધિકરણ સાથે વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે તેને તેમણે બિરદાવ્યું હતું.
   દેશમાં જળ સંરક્ષણનું આંદોલન સફળ થશે તે નિશ્વિત છે. રાજ્યમાં જનભાગીદારીથી થતા કામોને આગવો ઓપ આપીને પૂર્ણ કરાયાં છે. ગુજરાતના આ અભિયાનને હવે દેશ આખામાં આગળ વધારવું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
અગાઉ માત્ર ૮ હજાર પરિવારોને સિંચાઈનો લાભ મળતો હતો. આજે ૧૯ લાખ હેકટર જમીનને સિંચાઈ અને ૧૨ લાખ પરિવારોને તેનો લાભ મળતો થયો છે. ડ્રોપ, મોર ક્રોપ-ટપક સિંચાઈ જેવા અભિયાનો તેના પાયામાં છે, એમ તેમણે ઉમેર્યું હતુ.
શ્રી મોદીએ જણાવ્યું કે, પાણી એ પારસમણિ છે, ત્યારે આજે નર્મદાનું વર્ષ ૨૦૦૧ સુધી રાજ્યમાં માત્ર ૨૬ ટકા ઘરોમાં નળથી પાણી પહોંચતું હતું. આ સિદ્ધિ માટે પાંચ દાયકા વિતી ગયા. આજે રાજ્યના ૭૮ ટકા ઘરોમાં નળથી પાણી પહોંચે છે. આ બાબતને રાષ્ટ્રવ્યાપી બનાવી
દેશના દરેક ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવું છે.
    શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સિંચાઈની સુવિધા વધવાથી રાજ્યના ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે રોકડીયો પાક લેતા થયા છે. તેના પગલે રાજ્યના અનેક ખેડૂત પરિવારોની આવક વધી છે. દેશમાં વર્ષ-૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ધ્યેય છે. કેન્દ્ર સરકારે આ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. પાણીનો ઉપયોગ પીવા, સિંચાઈ ઉપરાંત વાહન વ્યવહારમાં પણ કરવાનો અભિગમ અમે અપનાવ્યો છે. ઘોઘા-દહેજ રો રો ફેરી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પર્યાવરણની રક્ષા સાથે નાણાં, ઇંધણ બચાવવાનો ધ્યેય
છે. અત્યાર સુધી ૩.૨૫ લાખ મુસાફરોએ તેનો લાભ લીધો છે.    ભવિષ્યમાં હજીરા-મુંબઇ વચ્ચે પણ રો રો ફેરી શરૂ કરીને વોટર ટુરિઝમ વધારવાનો અભિગમ છે.

     સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વ આખા માટે પ્રવાસનનું આકર્ષણ બન્યું છે. પ્રતિ દિન ૮૫૦૦ લોકો અહીં આવે છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર પ્રવાસન જ નહીં પરંતુ અહીંના વિકાસ માટેનું મહત્વનું માધ્યમ બન્યું છે. નિર્માણ પછીના માત્ર ૧૧ માસમાં ૨૩ લાખ લોકોની મુલાકાત સ્વંયમ એક વિક્રમ છે. આ પ્રતિમા એ સ્થાનિક લોકોને રોજગારી પુરી પાડવાનું માધ્યમ બન્યું છે. પ્લાસ્ટિકના ઉપયોગનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લાવવો પડશે. પ્લાસ્ટિકના અમર્યાદ ઉપયોગના પગલે આપણાં પર્યાવરણ પર અવળી અસર પડી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી આપણાં જળ જમીનને નુકસાન થયું છે. આપણે કેવડીયામાં પણ એ બાબતે જાગૃતિ રાખવી પડશે.
   શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, ૧૭મી સપ્ટેમ્બર હૈદરાબાદ મુક્તિ દિન તરીકે પણ મનાવાય છે. જો સરદાર પટેલે દુરંદેશી ના રાખી હોત તો ભારત આજે અનેક સમસ્યાઓનો સામનો કરતું હોત. જમ્મુ કાશ્મીર, લદાખના લોકોને ૭૦ વર્ષ સુધી ભેદભાવનો સામનો કરવો પડયો. સરદારસરદાર સાહેબની પ્રેરણાથી ભારતે એક મહત્વનો નિર્ણય લીધો અને ૩૭૦ / ૩૫એ કલમ દૂર કરી.

  નર્મદા વિરોધી તત્વો સામે પડકારરૂપ બન્યા હતા. વડાપ્રધાન પદે શાસન દાયિત્વ સંભાળ્યા પછી પછી માત્ર ૧૭ દિવસમાં ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપી, અને આજે ગુજરાતનું સ્વપ્ન સાકાર થયું છે. આજે ગુજરાત વિકાસની વધુ એક મોટી છલાંગ ભરવા સમર્થ બન્યુ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી હાંસલ કરવા કરેલા આહવાનને પૂર્ણ કરવા ગુજરાત એક માધ્યમ બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.
   કેવડીયાની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ, પુણ્યસલીલા માં નર્મદાનું શાસ્ત્રોક્તવિધિથી પૂજન અર્ચન કર્યા બાદ, વૈશ્વિક પર્યટન સ્થળ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ આકાર લઈ રહેલા નવા પર્યટન પોઇન્ટ્સની પણ જાતમુલાકાત લીધી હતી. આ વેળા તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી સહિત, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ વિગેરે જોડાયા હતા.
   પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અહીં ખલવાણી ઇકો ટુરીઝમ સાઇટ સહિત રીવર રાફટીંગ ડેમોનસ્ટ્રેશન, જંગલ સફારી, કેક્ટર્સ ગાર્ડન, અને બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક સહિત દત્ત મંદિરની પણ મુલાકાત લીધી હતી.
મહાનુભાવોની આ મુલાકાત વેળા સરદાર સરોવર નિગમના મેનેજીંગ ડિરેક્ટર શ્રી રાજીવ ગુપ્તા, તથા અધ્યક્ષ કે.કૈલાસનાથને તેમને જરૂરી જાણકારી પુરી પાડી હતી.

(9:08 pm IST)