Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

શારદા સ્કેમ : રાજીવકુમારની શોધ માટે નવી ટુકડી બનાવાઈ

કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમાર મુશ્કેલીમાં : સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા માટે વિવિધરીતે આદેશ

નવીદિલ્હી,તા.૧૭ : કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)એ કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારની શોધખોળ માટે એક ખાસ ટીમની રચના કરી દીધી છે જે શારદા પોન્જી કૌભાંડના મામલામાં એજન્સીની સમક્ષ ઉપસ્થિત થવાની નોટિસ છતાં હાજર થઇ રહ્યા નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, સીબીઆઈની ટીમ કુમારની શોધખોળ કરી રહી છે. પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય સચિવને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે, તેઓ રાજીવકુમારને તપાસ ટીમની સમક્ષ ઉપસ્થિત થવા માટે આદેશ કરે. આ પહેલા સીબીઆઈ પાસેથી બે વખત નોટિસ મળી છતાં કુમારે એજન્સી સમક્ષ ઉપસ્થિત થવાનો ઇન્કાર કરી દીધો છે. તેમને શારદા પોન્જી કૌભાંડના સંદર્ભમાં સીબીઆઈની સમક્ષ હાજર થવાની જરૂર હતી. એજન્સીએ તેમને મંગળવારે સવારે ૧૦ વાગે ઉપસ્થિત થવા માટે કહ્યું હતું પરંતુ ઉપસ્થિત થઇ શક્યા નથી. તેઓ તપાસ એજન્સીની સામે ઉપસ્થિત થવામાં નિષ્ફળ રહેવાના લીધે હવે તેમની ધરપકડની શક્યતા વધી ગઈ છે.

                સીબીઆઈએ હવે કાયદા હેઠળ ઉપલબ્ધ અન્ય વિકલ્પો શોધવાની શરૂઆત કરી દીધી છે. બીજી બાજુ એક ખાસ કોર્ટે કુમારને વચગાળાની જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે. પશ્ચિમ બંગાળના ડીજીપીએ આજે એક પત્ર મારફતે સીબીઆઈને કહ્યું હતું કે, તેમની નોટિસ કુમારના સત્તાવાર આવાસ ઉપર મોકલી દેવામાં આવી છે અને હજુ જવાબ મળ્યો નથી. પત્રમાં ટોચના પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, પોતાના વકીલ મારફતે કુમારને કહેવામાં આવ્યું છે કે, તેઓ ૨૫મી સપ્ટેમ્બર સુધી રજા ઉપર છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેઓ કાનૂની ઉપાય શોધવાના ઉપાય કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, શારદા ગ્રુપ ઓફ કંપનીએ લોકોને તેમના રોકાણ ઉપર જંગી લાભ આપવાની લાલચ આપીને ૨૫૦૦ કરોડ રૂપિયા ઉભા કરી લીધા હતા. ત્યારબાદથી એક પછી એક મામલા સપાટી ઉપર આવી રહ્યા હતા. શારદા કૌભાંડમાં કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનરની મુશ્કેલી વધી રહી છે.

(8:41 pm IST)