Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ખેડૂતો ગુજરાત મોડલ અપનાવેઃ લોકો પોલીથીનનો ઉપયોગ બંધ કરેઃ અડધો ગ્લાસ પાણી અને જરૂર પુરતુ ભોજન લ્યેઃ આનંદીબેન

મેરઠની સરદાર વલ્લભભાઇ પટેલ કૃષિ યુનિ.ના દિક્ષાંત સમારોહમાં રાજયપાલનું આહવાન : વૈજ્ઞાનિકો અને કૃષિ વિદ્યાર્થીઓને બચેલી ખેત પેદાશોમાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા શોધવા અપીલ

મેરઠઃ ઉત્તરપ્રદેશના મેરઠ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ કૃષી યુનિવસીર્ટીના દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રાજયપાલ આનંદીબેન પટેલે વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનીત કર્યા હતા.

આનંદીબેને જણાવેલ કે મેરઠની કૃષી યુનિવસીર્ટી દેશની શ્રેષ્ઠ યુનિવસીર્ટીમાં સામેલ છે. આ યુનિવસીર્ટીને વિદ્યાર્થીઓએ જોરદાર સ્પર્ધા કરી દેશમાં પ્રથમ સ્થાન અપાવવાનું છે. તેમણે છાત્રોને આહવાન કરતા જણાવેલ કે પર્યાવરણની રક્ષા માટે પોલીથીનનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરવો જોઇએ. પોતે પણ ઉપયોગ ન કરવો અને બીજાને  પણ પ્લાસ્ટીકનો ઉપયોગ  કરતા રોકવા જોઇએ.

દિક્ષાંત કાર્યક્રમમાં સામેલ ખેડૂતોને આનંદીબેને ખેતરમાં રાસાયણીક ખાતરનો ઉપયોગ બંધ કરવા પણ આહવાન કર્યું હતુ. તેમણે લોકોને પણ પોલીથીનનો ઉપયોગ બીલકુલ ન કરવા અને અડધા ગ્લાસ પાણીને પીવાની આદતમાં સામેલ કરવા પણ અપીલ કરેલ. વધુમાં તેમણે જણાવેલ કે આપણામાંથી ઘણા લોકો આખો ગ્લાસ પાણી અને પ્લેટ ભરી જમવાનું લ્યે છે. પછી તેમા મોટાભાગે બગાડ કરે છે. દેશમાં કેટલાય લોકો એવા છે જેને એક સમયનું ભોજન નથી મળતુ. આપણે આ આદત બદલાવાની જરૂર છે. આપણે સમાજના તે વર્ગનું પણ ધ્યાન રાખવાનું છે.

આનંદીબેન પટેલે મેરઠના ખેડુતોને ગુજરાત મોડલ અપનાવવા જણાવેલ કે તમારો વધેલો પાક ખેતરમાં ન સળગાવો. સાથો સાથ ઉપસ્થિત વૈજ્ઞાનિકો અને કૃષિ છાત્રોને પણ આ વધેલા અવશેષોમાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા શોધવા જણાવેલ. તેમણે જણાવેલ કે ટીબી વિરૂધ્ધ અભિયાન શરૂ કરાયું છે. કૃષી યુનિવસીર્ટીએ ટીબી પીડીત બાળકોને દતક લેવા જોઇએ. સરકારે ૨૦૨૫ સુધીમાં ટીબીને સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

ગુજરાત મોડલ અંગે આનંદીબેને વધુમાં જણાવેલ કે ત્યાંની  જેમ મેરઠમાં પણ ખેડૂતો માટે સાપ્તાહીક બજાર બનાવવી જોઇએ. જયા ઓર્ગેનીક ઉત્પાદન વેચી શકાય. આર્ગેનીક વસ્તુઓની માંગ વધી રહી છે. તેમા બીમારી રોકવાની પણ શકિત છે. મેરઠના ખેડૂતોએ આ અંગે ધ્યાન આપવુ જોઇએ. ગુજરાતના આ મોડલના અપનાવાથી મેરઠના ખેડૂતોને આવક વધશે અને ખેતી સાથે જોડાયેલી પરેશાનીઓ પણ ઓછી થશે.

(3:46 pm IST)