Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ભારત-પાકિસ્તાનના વડાપ્રધાન સાથે મુલાકાત કરીશઃટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયો

વોશિંગ્ટન, તા.૧૭: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાની દિશામાં પ્રગતિ થઇ છે. ટ્રમ્પ ૨૨ સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં યોજાનારા હાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સાથે ભારતીય અમેરિકનોને સંબોધિત કરશે, પરંતુ તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે કયારે મળશે તે અંગે તેમણે કોઇ જાણકારી આપી નથી.

ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસમાં એક સવાલના જવાબમાં મીડિયાને જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીશ અને હું ભારત અને પાકિસ્તાન (ના વડાપ્રધાન) સાથે પણ મુલાકાત કરીશ. ટ્રમ્પના કાર્યક્રમ મુજબ, તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન સાથે આ મહિને ન્યૂયોર્કમાં યોજાનારા સંયુકત રાષ્ટ્ર મહાસભા સત્ર દરમિયાન મુલાકાત કરી શકે છે.

હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પ ૫૦,૦૦૦થી વધુ ભારતીય-અમેરિકનને સંબોધિત કરશે. ટ્રમ્પે કાશ્મીરનો ઉલ્લેખ કર્યા વગર જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાની દિશામાં ઘણી પ્રગતિ થઇ છે.

(3:45 pm IST)