Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

૮ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ભાઇને સીટ-બેલ્ટ ન પહેરવા બદલ નોટિસ મળી

જયપુર તા. ૧૭: અત્યારે દેશભરમાં એવો માહોલ છે કે બાઇક અને કાર લઇને ઘરની બહાર નીકળતાં પહેલાં લોકો કયાંક પોલીસની અડફેટે ન ચડી જવાય એની ચિંતામાં હોય છે. જોકે રાજસ્થાનના રાજેન્દ્ર કેસરાના ઘરે તેઓ વધુ સ્પીડમાં કાર ચલાવતી વખતે સીટ-બેલ્ટ ન પહેર્યો હોવાનો મેમો આવ્યો હતો. નવાઇની વાત એ છે કે રાજેન્દ્ર કેસરા તો ર૦૧૧ના સપ્ટેમ્બર મહિનામાં મૃત્યુ પામી ચૂકયા છે. રાજસ્થાન ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આ સાથે રાજેન્દ્ર કેસરાનું ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કર્યાનો આદેશ પણ આપ્યો હતો. આમાં રસપ્રદ વાત એ છે કે મૃતકે તેમની જિંદગીમાં કયારેય કાર ચલાવી જ નહોતી. તેમની પાસે ટૂ-વ્હીલર જ હતું. તેમના દીકરાનું કહેવું છે કે તેમના પિતા વાસણ વેચતા હતા અને તેમણે માત્ર બાઇક જ ચલાવી છે. એને લીધે લાઇસન્સ કેન્સલ થવાની નોટિસ જોઇને આખો પરિવાર આશ્ચર્યમાં છે.

(3:44 pm IST)